પુષ્પદાહ

એટલામાં તો રોબિન અને જુલી આવીને સંજય અને દીપાને વીંટળાઈ વળ્યાં. બળવંત જરા દૂર ઊભો રહીને કશું જ બોલ્યા વિના બધું જોતો રહ્યો.

‘આજે તો મને થયું કે ખાસ હું પણ આવું.’ દીપાએ કહ્યું.

‘કેમ?’ ચારુએ તીક્ષ્ણ નજરે દીપા સામે જોઈને પૂછ્યુંઃ

‘તમારા મેરેજનાં અભિનંદન આપવા.’ દીપા બોલીઃ  મારા મનમાં તમારા પ્રત્યે કંઈ જ નથી બહેન, શુભેચ્છા આપવા જ આવી છું.’

‘ઓહ’ ચારુ બોલી અને ખભા ઉછાળીને હસી. ‘થેન્ક્સ.’ દીપા ક્ષણભર એની સામે જોઈ રહી. એને લાગ્યું કે ચારુ એની આસપાસ એક કવચ – એક કિલ્લો રચીને જાણે કે ઊભી છે. એમાં એ જરા સરખું ગાબડું પડવા દેવા ઇચ્છતી નથી.

એણે બળવંત સામે જોઈને પણ મોં મલકાવ્યું. ‘છોકરાં…’ ચારુ બોલી, ‘બહુ ભોળાં છે. તમારા ઘરમાં એમને સૌ બહુ ફોસલાવે છે. હું તને…’ એણે સંજય તરફ એક નજર ફેંકી. જે કશું પણ બોલ્યા વગર અદબ વાળીને એક તરફ ઊભો હતો. ચારુએ ફરી એક નજર તેના તરફ કરી અને દીપાને કહ્યુંઃ ‘હું તને કંઈ નથી કહેતી બીજું, સમજી? બે દહાડા તો બે દહાડા, તારી પાસે હોય ત્યાં લગી સાચવજે.’ અેણે સોય જેવી અણીદાર નજર એના ભણી માંડીને કહ્યુંઃ ‘એમને તું નવી માની જેમ ન રાખીશ. બાકી તો જેવા એમનાં નસીબ, બીજું શું?’ એના આ વાક્યમાં ભારેલો અગ્નિ હતો. ભારોભાર અવિશ્વાસ અને કડવાશ. અત્યારથી જ એ ડૂંભાણું ચાંપવા માગતી તી.

‘ચાલ હવે.’ એકાએક ક્યારનોય મૂંગો રહેલો બળવંત બોલ્યો. એને જાણે કે આમાં કશો જ રસ નહોતો, નહોતો આ બાળકોમાં કે નહોતો એમના ઉપર થતી આ ખેંચાતાણીમાં. સંજય ભણી એણે જોયું હતું, પણ એનેય જાણે કે એક અનિવાર્ય વ્યક્તિ તરીકે એણે સ્વીકારી લીધો. ‘જઈએ છીએ હવે.’ ચારુએ એના તરફ ફરી ધીમો છણકો કર્યો. ‘મને મારાં છોકરાંની ભલામણ તો કરવા દે. એની નવી મા સાથે વાત કરવાનો મોકો મળ્યો છે તે બે વાત તો કરી લેવા દે મારાં છોકરાં માટે. તને ખબર છે કે નવી મા નાનાં છોકરાંનાં કેવા હાલહવાલ કરતી હોય છે?’

સંજયના મનમાં આ વાત સાંભળીને ફરી એક નજર બળવંત સામે થઈ ગઈ. ચારુ ક્યારની નવી મા, નવી મા કૂટતી હતી તો આ બળવંત શું હતો? નવો ડેડી નહોતો? એને ભલામણ કોણ કરશે?

પણ ચારુ બહુ ચાલાક હતી. એણે તરત જ સંજયની નજર વાંચી લીધી અને તરત જ જવાબ ઘડી કાઢ્યો, જે એણે દીપા તરફ નજર કરીને જ ઉચ્ચાર્યો, ‘આ ઘરમાં તો હું છું. મારી મમ્મી છે એટલે છોકરાંઓને જૂના-નવા જેવું કંઈ લાગવા જ ન દઈએ અમે તો, પણ ત્યાં તો…’

દીપાની આંખમાં ચમકારો આવ્યો. બન્ને બાળકોને એણે પોતાની કમરની આસપાસ આશ્લેષમાં લીધાં. બહુ સ્થિર, તેજસ્વી, નિર્ધારવાળી નજર એણે ચારુ ભણી માંડી. પછી કહ્યું, ‘બહેન, એક વાત કહું? સમજી શકીશ?’

‘શું છે?’

‘છોકરાં તું બે દહાડા પૂરતાં જ સોંપે છે પણ…’ એ જરા થંભીને બહુ વિચાર કરીને, તોલી તોલીને બોલી, ‘ધાર કે તને સદ્બુદ્ધિ સૂઝે અને તું હંમેશને માટે અમને બાળકો સોંપી દઈશ તો હું તને એક બહુ મોટું પ્રોમિસ કરું છું…’

ચારુ એની સામે જોઈ રહી. શું કહેવા માગતી હતી આ નવી છોકરી આટલા ભારપૂર્વક?

‘તો તને પ્રોમિસ કરું છું,’ દીપા બોલી, ‘જીવનભર હું મારાં પેટે એક પણ બાળક નહિ થવા દઉં, બસ?’ એ બોલતાં બોલતાં એની આંખોમાં આંસુ ધસી આવ્યાં ને બાળકોને એણે વધારે હેતથી પોતાના દેહસરસાં ચાંપી દીધાં. ‘આથી વધારે તારે શું જોઈએ? તારાં આ છોકરાં મારા હસબન્ડનાં પણ છે. એને હું મારા પેટે જન્મેલાં ગણીને ઉછેરીશ. મારી કુળદેવીના સોગંદ ખાઈને હું તને આ વચન આપું છું. એમાં સંજયની પણ…’ એણે સંજય તરફ જોયું, ‘મંજૂરી હશે જ.’

સંજયે નીચુ જોયું. કહ્યું, ‘જો આ બે છોકરાં માટે એ આટલો મોટો ભોગ આપતી હોય તો મારી એમાં શા માટે ના હોય?’

ચારુ કંઈ બોલી નહિ. એને બોલવા માટે જાણે કે કંઈ શબ્દો જ મળતા નહોતા.

‘ચાલ હવે.’ ફરી બળવંત બોલ્યો.

ચારુએ એક પળ માટે નજીક જઈને બન્ને બાળકોને માથે હાથ ફેરવ્યો અને પછી પાછી વળી. બળવંત પણ. બાળકોને લઈને કાર તરફ જતાં સંજય-દીપાનાં કાને ચારુના છેલ્લા શબ્દો પડી જ ગયા. ‘છોકરાં જોઈએ છે? ઊહ… સપનાં જુઓ, સપનાં….’

દીપા અને સંજયે કાર તરફ ફરી વધુ ઝડપથી પગ ઉપાડ્યા. રસ્તામાં એણે દીપાને કહ્યું, ‘તને લાગે છે કે તારી આવડી મોટી ઓફરની આ નઠોર પર કંઈ અસર થાય?’

‘નથી જાણતી.’ દીપા લાંબે સુધી દેખાતી બત્તીઓની હારમાળા તરફ જોઈને બોલી, ‘પણ મારા પર આ બોલની અસર અત્યારથી જ થઈ જાય છે. સંજય, આપણા ઘરમાં આ બેયને હું સાચી મમ્મીની ખોટ કદી નહિ સાલવા દઉં.’

 

‘ચારુએ છોકરાં સોંપી દેવાનો નિર્ણય કર્યો છે.’ એક સુંદર સવારે સમાચાર આવ્યા છે. સમાચાર આપનાર રાકેશ દેસાઈ છે કે જે ક્યારેક આવળામાં શાંતિભાઈનો શાખપડોશી રહ્યો છે. તે અહીં આવીને ચારુના તરફથી મધ્યસ્થી બનીને ગયો છે. એણે સમાચાર આપ્યા છે કે શાંતિભાઈ, હવે તમારા માનસિક સંતાપના દહાડા પૂરા થયા. ચારુએ અગાઉ તમને ત્રણ-ચાર વાર બાળકોને કાયમી ધોરણે સોંપી દેવાની ઓફર કરી હતી. છેલ્લી ઘડીએ ફરી ગઈ હતી! બરાબર ને? પણ આ વખતે એમ નથી. ખરેખર તમને એ બાળકો સોંપી આપવા તૈયાર છે. તૈયાર છે કારણ કે ફરી લગ્ન કર્યાં છે. એને ભલે બાળકો ન થાય, પણ એના આ નવા પતિને કાયમની આ રામયણ પસંદ નથી. એ માણસ સમજુ છે. આ સતત સળગતી ભઠ્ઠીમાં બાળકો શેકાઈ રહ્યાં છે એ તો એણે જોયું હોય કે ન જોયું હોય, પણ દર પંદર દિવસે પોતાને પત્નીના અસલી પહેલા પતિનો મોઢામોઢ સામનો કરવો પડે છે. ઘરમાં એનાં આગલા ઘરનાં બાળકો રમે છે, ઉપરાંત વનિતા તો ખરી જ. આમ, આ ઘરમાં એકમાત્ર પોતાની જાત સિવાય પોતાનું કશું જ નથી એ, એ માણસને સમજાયું છે એટલે એણે જ ચારુને દબાણ, સમજાવટ જે ગણો તે કર્યું છે. શાંતિભાઈ, ખુદ બાળકોના હિતનો વિચાર પણ હવે ચારુને આવ્યો છે. એના નવા સંસારના રંગમાં આ બાળકો ઘંટીના પડની જેમ બહુ નડતરરૂપ છે. એટલે ચારુએ જ નક્કી કર્યું છે કે બાળકો તમને સોંપી દેવાં. બોલો, ક્યારે એની વિધિ આટોપવી છે?’

અરે, કિનારો સામે દેખાય ત્યારે કોઈ નકશો જોવાની જરૂર ખરી? નહિ જ. શાંતિભાઈ, સંજય અને દીપા આમાં એક પળનો પણ વિલંબ કરતાં નથી. બધું યુદ્ધના ધોરણે પતે છે. વકીલ, એગ્રીમેન્ટ, કોર્ટની મંજૂરી, કંઈ કરતાં કંઈ જ બાકી રહેતું નથી.

બાળકો એક દહાડો વહેલી સવારથી જ ઘેર આવી ગયાં છે. બન્ને બાળકોના જન્મદિવસો અલગ અલગ દિવસે હતા, પણ આ બન્નેનો પહેલો સંયુક્ત જન્મદિવસ છે. અરે, આજે જ આ ઘરમાં પહેલી વાર એમનો સાચો જન્મ થયો. આખું ઘર શણગારવામાં આવ્યું છે. બારણા પર તોરણો પણ. નાસ્તિક ગણાતા શાતિભાઈ આજે ઘરમાં કોઈ દીપ પ્રગટાવે કે સાથિયો પૂરે તો રોકતા નથી. ઢગલોએક નવાં રમકડાં-ટોય્ઝ આરઅસ શોપમાંથી આવે છે. અમુક એ લોકોએ આવતાંવેંત જોયાં અને અમુક એને સરપ્રાઇઝ તરીકે આપ્યાં છે. આ વખતે ફ્લોરિડાથી ખાસ કલ્પના, જમાઈ ડો. નયનકુમાર, એમનાં બે બાળકો અખિલેશ અને માધુરી આવ્યાં છે. મુકુલ, નીતા, તાન્ઝા અને નાન્સી તો બે દહાડા પહેલાં જ આ ટચૂકડાં કઝીન્સનાં સ્વાગત માટે આવી ગયાં છે. મંજુબહેન એમના મોંની તમામ ગાળો ભૂલી ગયાં છે. ઊલટાનું ક્યારના ચારુને દુવા  દીધાં કરે છે. ભલે અગાઉ જે થયું તે થયું, આજે એણે અમારી આંતરડી ઠારી, કાલે પ્રભુ એની આંતરડી ઠારશે. બસ, મારા પગનો દુખાવો પણ મટી ગયો છે. દીપા અને સંજયે એ દહાડે જોબ પરથી રજા લીધી છે અને શાંતિભાઈની સાથે એ પણ છોકરાંઓને લેવા ગયાં છે.

એક અજવાળું, અજવાળું, અજવાળું આખા ઘરમાં ફેલાઈ ગયું છે. બાળકો ઘરમાં આમથી તેમ દોડાદોડી કરે છે. પૂરા પ્રસંગની વિડિયો ઊતરી રહી છે.

‘દાદા,’ રોબિન બોલે છે. ‘આર યુ ઓલ્ડ?’

‘નો બિટ્ટુ,’ શાંતિભાઈ બોલે છે અને હાંફતાં હાંફતાં પણ ભોંય પર કૂદકો મારે છે. ‘આઇ એમ ન્યૂલી બોર્ન ટુડે, યુ નો?’

‘ડેડી,’ જુલી પૂછે છે સંજયને, ‘ડુ યુ નો? આઇ એમ યોર ગ્રાન્ડમ્મા?’

‘યસ, ગ્રાન્ડમ્મા.’ સંજય બાળકની જેમ બોલે છે અને એની નાજુક નાજુક ગોદમાં માથું મૂકી એને ગલીપચી કરે છે.

‘ઓહ,’ શાંતિભાઈ વિચારે છે. છ વર્ષ સુધી ચાલેલું આ એક ભયાનક દુઃસ્વપ્ન પૂરું થયું. બાળકો જુલી અને રોબિનનાં ભવિષ્ય પર તોળાતો ભયંકર ખતરો દૂર થયો. જૂના જે દાઝિયા ઉઝરડા પડ્યા છે તે તો ધીરે ધીરે રુઝાઈ જશે, કારણ કે હજી તો કાચી વય છે.

હવે? હવે એ કળીઓ પૂરાં ખીલેલાં પુષ્પ બની જશે. જે ખુદ તો સુગંધી હશે, પણ ચોતરફ ફેલાવશે. ઘરમાં, સમાજમાં, પરિવારમાં અને કન્ટ્રીમાં.

ઓહ! કેટલો વિરાટ સુખનો ઓઘ! જેણે પાછલી તમામ પીડાઓને ભુલાવી દીધી. અરે, આખી ચેતનામાં પ્રસન્નતા ભરી દીધી. તન પ્રસન્ન, મન પ્રસન્ન, જીવન પ્રસન્ન પ્રસન્ન.

એમનાથી મોં મરકાવાઈ ગયું. પણ એ સાથે જ કમરમાં કોઈએ ગોદો માર્યો, ‘કેમ, અલ્યા! એકલો એકલો મરકે છે? કંઈ ચસકી ગયું છે કે શું?’ એમણે આંખો ખોલી અને એ સાથે જ આસમાનથી જમીન પર પટકાયા. સામે જ પ્રફુલ્લ ઊભો હતો. પ્રફુલ્લ એમનો જૂનો મિત્ર!

‘કેમ?’ એણે પૂછ્યું, ‘કેમ એકલો એકલો મલકતો હતો ઊંઘમાં?’ એમનું મોં કડવા સ્વાદથી ભરાઈ ગયું. કશું જ પલટાયું નહોતું, બધું જ એનું એ હતું. એ જ સામે મૂંગો, મીંઢો ફોન હતો. જેમાંથી જુલી-રોબિનનો મીઠો સ્વર સાંભળવાની આશા હતી. આશા એટલા માટે હતી કે કાલે સાંજે જ બે દિવસ ઘરમાં કિલ્લો ફેલાવીને એ બન્ને ફરી ચારુ પાસે, એના નવા ડેડી પાસે, એની મોટીમા વનિતા પાસે ગયાં હતાં.

દીપાએ અને સંજયે એમને એ સાંજે ફરી વાર ચારુ સાથે થયેલા સંવાદની વાત કરી હતી. ફરી એક વાર એના મનમાં વ્યથાનું પૂર ઊમટી આવ્યું હતું. ચારુ બોલી હતી, ‘ઊંહ… સપનાં જુઓ સપનાં.’

મોડી રાત સુધી ઊંઘ નહોતી આવી. બપોરે સ્કૂલેથી આવીને એ સોફા પર લાંબા થયા. કાલની રાતની વાત ફરી વાર યાદ આવી. એમની આંખ મળી ગઈ અને ખરેખર સપનાં શરૂ થયાં.

પ્રફુલ્લ હવે એમને પૂછતો હતો, ‘શું આમ એકલો એકલો…!

‘એકલો એકલો નહોતો…’ એ જબરો નિઃશ્વાસ નાંખીને બોલ્યા. ‘મારી જુલી અને મારો રોબિન મારી સાથે હતાં.’ પછી જરા વાર રહીને હળવેથી એ બોલ્યાઃ ‘સપનામાં….’    (સંપૂર્ણ)

 

લેખક સાહિત્યકાર અને પત્રકાર છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here