વિશ્ર્વમાં સૌ પ્રથમ વખત ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરોમાં નેનો યુરિયાનો છંટકાવ

 

ગાંધીનગર: સમગ્ર વિશ્ર્વમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રોનમાં નેનો યુરિયા ભરીને, ડ્રોન ઓપરેટ કરીને રાજ્ય સરકારની આ ઐતિહાસિક પહેલનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. ખર્ચ ઘટે અને ઉત્પાદકતા વધે એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા અમે એ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ ત્યારે વર્તમાન સમયમાં હવે કોઈએ દેશ માટે મરી ફીટવાની જરૂર નથી હવે સૌએ દેશનું ગૌરવ વધે એ રીતે જીવન જીવવાની જરૂર છે. પ્રાકૃતિક સંપદાનું જતન અને સંવર્ધન થાય એ રીતે જીવવાનું છે. નેનો યુરિયાના ઉપયોગથી રાસાયણિક ખાતરોની આયાતમાં ખર્ચાતું વિદેશી હૂંડિયામણ બચશે અને સબસીડીનો ખર્ચ પણ ઘટશે. ધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે અને એમાં ગુજરાત ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે. દેશ અને દુનિયામાં ડ્રોન ટેકનોલોજી દ્વારા સૌ ૈપ્રથમ વખત ગુજરાતના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ થઈ રહ્યો છે એ માટે તેમણે ખેડૂતોને અભિનંદન આપ્યા હતા. 

વિશ્ર્વમાં સૌ પ્રથમ વખત ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ કરવાનો આરંભ કરવામાં આવ્યો છે, તેનો આનંદ વ્યક્ત કરીને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સાંઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની સમૃદ્ધિ, સલામતી અને આર્થિક ઉન્નતિનું સ્વપ્ન જોયું છે. જેને સફળ બનાવવા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ ઘપી રહ્યા છે. નેનો યુરિયાનું સંશોઘન વિશ્ર્વમાં સૌ પ્રથમ ઇફકોએ કર્યું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રઘાને ઘરતી અને વાયુના રક્ષણ તથા સૌ નાગરિકોના આરોગ્યની સલામતી માટે યુરિયાના વપરાશને ઘટાડવા અનુરોઘ કર્યો હતો. ઇફકોના સંશોઘકોએ નવીન પ્રયોગો હાથ ઘરીને નેનો યુરિયાનું નિર્માણ કર્યું છે.

સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાર્થક કરવા ઇફકોએ નેમ લીઘી છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની સંસ્થા એવી ઇફકોએ ૨૦ ટકા ડિવિડન્ડ આપ્યું છે. તે ઉપરાંત ગુજકોમાસોલ જેવી અનેક ખેડૂતોની સંસ્થાઓ ખેડૂતોને સારામાં સારૂં ડિવિડન્ડ આપી રહી છે. ડ્રોન થકી નેનો યુરિયાનું કામ ખેડૂતો ઝડપથી કરી શકશે. કૃષિક્ષેત્રે નવી ક્રાંતિની દિશામાં ખેડૂતોએ આ ટેકનોલોજી થકી ડગ માંડ્યાં છે.

ખેતી નિયામક એસ. જે. સોલંકીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વઘે તે માટે રાજય સરકારે બજેટમાં રૂ. ૩૫ કરોડની જોગવાઇ કરી છે. જેના થકી ૧.૪૦ લાખ એકરમાં એટૂસોર્સ અને આઇ.ખેડૂત પોર્ટલ પદ્ધતિથી કામગીરી કરવામાં આવનાર છે. ગામોના કલસ્ટર બનાવી સંબંઘિત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોના નામની યાદી તૈયાર કરવામાં આવશે. તેમના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ ડ્રોન થકી કરીને ઇફકો દ્વારા એવેલ્યુશન રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ કાર્યને સુચારૂ રીતે કરવા માટે ઇફકો સંસ્થા દ્વારા રાજયમાં ૩૫ ડ્રોન લાવવામાં આવ્યા છે. ફિલ્ડ સ્ટાફને તાલીમબદ્ધ કરવામાં પણ આવ્યા છે. આઇ-ખેડૂત પોર્ટલ પદ્ધતિ મારફતે રૂ. ૨૩ કરોડનો ખર્ચ થનાર છે. ૯૨ હજાર એકરમાં નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવશે. વ્યક્તિગત ખેડૂતોએ આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, ઘારાસભ્ય શંભુજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, ગામના સરપંચ મીનાબેન ઠાકોર, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવ ભીમજીયાણી, જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ સહિત ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here