પાંચ મહિનામાં કોરોનાનાં કેસ ૫૦ લાખ ન્યુ ઝીલેન્ડની વસતિથી પણ વધી ગયા

 

નવી દિલ્હીઃ ચીનના વુહાનમાંથી શરૂ થયેલા અને ત્યારબાદ તેજ ઝડપથી આખી દુનિયામાં ફેલાઈ ગયેલા કોરોના વાઇરસના કુલ દર્દીઓની સંખ્યા ૫૦ લાખને પાર પહોંચી ગઈ છે. વિશ્વના મોટાભાગના દેશોમાં પ્રસરી ચૂકેલા આ વાઇરસનો ચેપ લાગવાથી અત્યારસુધી ૩.૨૫ લાખ લોકોનાં મોત થયા છે. એટલું જ નહીં, તેને રોકવા માટે અનેક દેશોએ લાગુ કરેલા લોકડાઉનને લીધે કરોડો લોકો બેરોજગાર બન્યા છે, અને ગરીબીની ગર્તામાં ધકેલાઈ ચૂકયા છે. ષ્ણ્બ્ના જણાવ્યાનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં ૧,૦૬,૦૦૦ નવા કેસો નોંધાયા છે. જે અત્યારસુધી ૨૪ કલાકમાં નોંધાયેલો સૌથી મોટો આંકડો છે. 

વિશ્વમાં પહેલા ૧૦ લાખ કેસો નોંધાવવામાં ૯૩ દિવસ જેટલો લાંબો સમય લાગ્યો હતો. જોકે, ૧૧-૨૦ લાખ કેસો માત્ર ૧૩ જ દિવસમાં નોંધાયા હતા. ત્યારબાદ કેસોની સંખ્યા ૨૧ લાખથી ૩૦ લાખ સુધી પહોંચવામાં ૧૨ દિવસ, ૩૧ લાખથી ૪૦ લાખ પહોંચવામાં ૧૧ દિવસ અને ૪૧ લાખથી ૫૦ લાખ પહોંચવામાં ૧૨ દિવસ લાગ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે હવે આ વાઇરસ પહેલાની સરખામણીએ ઓછો પ્રાણઘાતક બની રહ્યો છે. 

બુધવારે આખા વિશ્વનો મૃત્યુદર ૧૪.૨૩ ટકા હતો, જયારે રિકવરી રેટ ૮૫.૭૭ ટકા હતો. આટલો ઓછો મૃત્યુદર અને ઊંચો રિકવરીનો દર છેલ્લે ૨૪ માર્ચે જોવા મળ્યો હતો. યુરોપ અને અમેરિકામાં કાળો કહેર વર્તાવ્યા બાદ હવે આ વાઇરસ ભારત, બ્રાઝિલ અને રશિયા જેવા દેશોમાં પ્રસરી રહ્યો છે. હાલ આ ત્રણેય દેશો વિશ્વના નવા હોટસ્પોટ્સ બની રહ્યા છે. 

જોકે, અમેરિકામાં મંગળવારે ૨૦,૨૮૯ નવા કેસ સાથે અમેરિકા આ મામલે વિશ્વમાં ટોપ પર રહ્યું હતું. એપ્રિલ મહિનામાં આ વાઇરસના સૌથી વધુ દર્દી ધરાવતા ઈટાલી અને સ્પેનમાં હવે તે ધીરે-ધીરે કાબૂમાં આવી રહ્યો છે, અને ત્યાં લોકડાઉનમાં પણ રાહતો અપાઈ રહી છે. જોકે, તેનો બીજો તબક્કો શરૂ થવાનો ડર હજુય ત્યાંની સરકારોને સતાવી રહ્યો છે. હાલની સ્થિતિએ વિશ્વમાં જેટલા કેસો નોંધાયા છે તેની સંખ્યા ન્યુ ઝીલેન્ડની કુલ વસ્તી જેટલી થાય છે. 

બુધવારે WHO દ્વારા ગરીબ દેશોમાં પણ કોવિડ-૧૯ના નવા કેસો નોંધાતા ચિંતા વ્યકત કરાઈ હતી. ધનિક દેશો લોકડાઉનમાંથી બહાર આવી રહ્યા છે, ત્યારે ગરીબ દેશોમાં તેના કેસ વધતા હવે તેમની સ્થિતિ વધુ બગડે તેવી હાલત છે. પાંચ મહિના પહેલા કોરોના વાઇરસથી સૌથી પહેલું મૃત્યુ થયું હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું હતું. 

ચીનના વુહાન શહેરના લોકલ મીડિયામાં ૩૧ માર્ચે એક ભેદી બીમારીના અહેવાલ પ્રસિદ્ઘ થયા હતા. જોકે, તે વખતે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ વાઇરસ આટલું ભયાનક સ્વરૂપ ધારણ કરશે, અને આખી દુનિયાને પોતાના સકંજામાં લઈ લેશે. આજે વિશ્વભરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત થઈ ગયા છે. દુનિયાભરના દેશો કોરોનાની દવા કે રસી શોધવાના કામે લાગ્યા છે, પરંતુ તેમાં હજુ નક્કર સફળતા નથી મળી. કોરોના વાઇરસ માત્ર એક  જૈવિક બીમારી ના રહેતા આર્થિક બીમારી પણ બની રહ્યો છે. લોકડાઉન તેમજ આયાત-નિકાસ ઠપ થઈ જવાના કારણે વિશ્વમાં એવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે કે જેની સરખામણી કેટલાક લોકો ૧૯૨૯ની મહામંદી સાથે કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here