નવા મુદ્દાઓ સાથે આંદોલન જારી રાખવા કિસાનો અડગઃ સંયુક્ત કિસાન મોરચો

 

નવી દિલ્હીઃ સિંધુ સીમા પર રવિવારે યોજાયેલી સંયુક્ત કિસાન મોરચાની બેઠકના અંતે વિવિધ માગણીઓ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખવાથી માંડીને ૨૯મી નવેમ્બરના દિવસે સંસદ સુધી કૂચ કરવા સહિતના નિર્ણયો લેવાયા હતા અને રાત્રે ૧૦ વાગ્યે વડા પ્રધાનને પત્ર લખીને છ માગણીઓ મુકી હતી.

વડા પ્રધાનની ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની ઘોષણા પછી પણ કિસાનો આંદોલન સમેટી લેવાના મિજાજમાં દેખાતા નથી. કાયદાઓ પાછા ખેંચવાની સાથો સાથ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંહેધરી આપતો કાયદો ન ઘડાય, ત્યાં સુધી ધરતીપુત્રો આંદોલન જારી રાખવા મક્કમ છે. દિલ્હીમાં રવિવારે સિંઘુ બોર્ડર ઉપર જુદા જુદા કિસાન સંગઠનોના મંચ કિસાન સંયુક્ત મોરચાની બેઠક મળી હતી અને તેમાં થયેલી ચર્ચા પછી આ એલાન કરવામાં આવ્યું હતું. ત્રણેય કાયદા પરત ખેંચવાની સરકારની જાહેરાત બાદ રવિવારે મળેલી મોરચાની પહેલી બેઠકમાં ટેકાનાં ભાવની બાંયધરી, આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોનાં પરિવારજનોને વળતર અને કિસાનો સામે દાખલ થયેલા મુકદમા પરત લેવાની માગણી ઉપર સર્વાનુમતિ સધાઈ હતી. આ અગાઉ આ બેઠક બાદ કિસાન નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું હતું કે, પત્રમાં કિસાનો પોતાની પડતર માગણીઓનો ઉલ્લેખ કરશે. આ ઉપરાંત ટેકાના ભાવની સમિતિ, તેના અધિકાર, તેની સમયસીમા, તેનાં કર્તવ્ય, વિદ્યુત વિધેયક ૨૦૨૦, કિસાનો સામે નોંધાયેલા કેસની વાપસી સહિતના મુદ્દા અને માગણીઓ ઉઠાવવામાં આવશે. આટલું જ નહીં વડા પ્રધાનને પત્રમાં લખીમપુર ખીરીની ઘટના સંબંધમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીને બરખાસ્ત કરવાની માગણી પણ મૂકવામાં આવશે. 

રાજેવાલે આગળ કહ્યું હતું કે, કિસાન સંયુક્ત મોરચાની બેઠક હવે ૨૭મી નવેમ્બરે ફરીથી મળશે. ત્યારબાદ સ્થિતિ અનુસાર ભાવિ રણનીતિ ઘડવામાં આવશે. કિસાન આંદોલનને ૨૬મી નવેમ્બરના એક વરસ પૂરું થવાના અવસરે દેશભરમાં કિસાનોની રેલી કઢાશે, તેવું બેઠક બાદ કિસાન નેતા બલવીરસિંહ રાજેવાલે જણાવ્યું હતું. 

સાથોસાથ ૨૯મી નવેમ્બરથી શરૂ થતાં સંસદના સત્ર દરમ્યાન દરરોજ ૫૦૦ આંદોલનકારી કિસાનો ટ્રક્ટર ટ્રોલીઓમાં સવાર થઈ  સંસદ સુધી શાંતિપૂર્વક કૂચ કરશે. સોમવારે લખનૌમાં કિસાન પંચાયત તેમજ ૨૬ નવેમ્બરના તમામ સીમાઓ પર કિસાનો દ્વારા ઘેરાવ કરાશે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા કિસાન આંદોલનમાં અત્યાર સુધી જીવ ખોનાર ૬૫૦થી વધુ કિસાનોના પરિવારોને વળતર આપવાની માંગ સરકારને કરાઈ છે. વળતર ઉપરાંત, શહીદ કિસાનોના આરશ્રત સભ્યોને રોજગાર આપવા તેમજ કિસાનોના નામ પર સ્મારક બનાવવાની માંગ પણ મોરચાએ કરી છે. અગાઉ, ગાઝીપુર સીમાપરથી કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, દિલ્હી સહિત રાજ્યોમાં હજારો કિસાન સામે કેસ રદ કરવાની પણ અમારી માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here