સિટિઝન બિલ ૧૨૫ વિરુદ્ધ ૧૦૫ મતે પસારઃ રાજ્યસભાની વૈતરણી પણ પાર કરી

નવી દિલ્હીઃ દેશનાં પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક વિરોધ અને વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા બાદ આખરે રાજ્યસભામાં પણ બુધવારે સિટિઝનશિપ કાયદામાં સુધારા કરતા બિલને પસાર કરી દેવાયું છે. રાજ્યસભામાં ભાજપને જેડી-યુ, અકાળી દળ, એઆઇએડીએમકે અને બીજેડી જેવા પક્ષોએ સમર્થન આપ્યું હતું, જેથી બિલના તરફેણમાં ૧૨૫ મત, જ્યારે વિરોધમાં ૧૦૫ મત પડ્યા હતા.
જોકે બિલ પસાર કરવા માટે ૧૨૫ મત પૂરતા હતા, તેથી આખરે સરકારની જીત થઈ અને બિલ પસાર થઈ ગયું છે. આ સાથે હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે, જોકે એમાં મુસ્લિમોનો સમાવેશ કરવામાં નહિ આવે. રાજ્યસભામાં બિલ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે વિપક્ષે બિલનો વિરોધ કર્યો હતો અને એને કમિટી સમક્ષ મોકલવાની માગણી કરી હતી. જોકે કમિટીએ રાજ્યસભામાં મતદાન કરતાં કમિટી સમક્ષ મોકલવાના વિરોધમાં ૧૨૪ મત પડ્યા હતા, જ્યારે સમર્થનમાં ૯૯ મત પડ્યા હતા, તેથી કમિટી સમક્ષ બિલ મોકલવાનો પ્રસ્તાવ રદ કરી દેવાયો હતો. અંતે, બિલ પસાર કરવા કે ન કરવા મતદાન થયું હતું અને બિલના સમર્થનમાં ૧૨૫ મત મળતાં રાજ્યસભાએ મહોર મારી દીધી છે અને એને હવે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે.
કોંગ્રેસના નેતા આનંદ શર્માએ આ બિલનો ઉગ્ર રીતે વિરોધ કર્યો હતો અને સરકારની દલીલો પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમિત શાહ કહે છે કે અમારા મેનિફેસ્ટોમાં આ બિલ અંગે ઉલ્લેખ કર્યો હતો અને અમે અમારું વચન પાળી રહ્યા છીએ. અમિત શાહ એ ભૂલી રહ્યા છે કે રાજકીય પક્ષનો ચૂંટણીઢંઢેરો બંધારણથી મોટો ન હોઈ શકે.
કોંગ્રેસે બાદમાં ભાજપને સરદાર પટેલ અને ગાંધીજીની યાદ અપાવીને કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદીને સરદાર પટેલ મળ્યા હોત તો અતિ ગુસ્સે થઈ જાત, કેમ કે તેમણે ક્યારેય દેશને કોમવાદની નજરે નથી જોયો. એક તરફ ગાંધીજીની ૧૫૦મી જયંતી ઊજવી રહ્યા છો અને બીજી તરફ આ બિલ લાવી કોમવાદી વાતાવરણ ઊભું કરી બંધારણની હત્યા કરી રહ્યા છો, એ જોઈને ખુદ ગાંધીજી પણ દુઃખી થાત. ગાંધીજીનાં ચશ્માં માત્ર જાહેરાતો કે રાજકારણ માટે નથી, એમાંથી દેશને જોવો પણ એટલું જ જરૂરી છે. ગાંધીજી કોમવાદના વિરોધી હતા અને આ સરકાર કોમવાદ ફેલાવવા જઈ રહી છે.
જ્યારે ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે જો ખરેખર આ બિલ સારું હોત તો આસામ અને ત્રિપુરા જેવાં પૂર્વોત્તર રાજ્યો ભડકે ન બળી રહ્યાં હોત. સરકાર આ બિલ માત્ર અને માત્ર દેશમાં વધી રહેલી રેપની ઘટનાઓ અને નબળી આર્થિક સ્થિતિ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે જ લાવ્યા છે. દર છ મહિને સરકાર લોકોનું ધ્યાન ભટકાવવા માટે નોટબંધી અને કેબ જેવાં બિલ લાવી રહી છે. અગાઉ લોકસભામાં આ બિલને સરકારે બહુમતના જોરે પસાર કરી દીધું હતું અને બાદમાં જ્યારે રાજ્યસભામાં બુધવારે રજૂ કરવામાં આવ્યું ત્યારે ગૃહપ્રધાન અમિત શાહે બિલનાં વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે જો આ બિલમાં મુસ્લિમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો તો મુસ્લિમ બહુમતવાળા દેશોના મુસ્લિમો પણ ભારત આવી જશે.
રાજ્યસભામાં વિપક્ષના આરોપો બાદ અમિત શાહે જણાવ્યું હતું કે આ બિલ મુસ્લિમવિરોધી નથી, હાલ ભારતમાં જે મુસ્લિમો રહે છે એમાંથી કોઈની પણ નાગરિકતા આ બિલ નહિ છીનવી લે. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે આ બિલ ગેરબંધારણીય છે, જેનો જવાબ આપતાં શાહે કહ્યું હતું કે બંધારણના આર્ટિકલ ૧૪ મુજબ સંસદ જો જરૂરી લાગે તો કાયદામાં સુધારા કરી શકે છે અને આ જોગવાઈને ધ્યાનમાં રાખીને જ અમે કાયદામાં સુધારો કરવા જઈ રહ્યા છીએ.
તેમણે કહ્યું હતું કે પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે ૫૦૦ મુસ્લિમોને ભારતની નાગરિકતા આપી છે. જો માત્ર મુસ્લિમોનો જ સમાવેશ આ બિલમાં કરી લેવામાં આવે તો જ શું એને બિનસાંપ્રદાયિક્તા કહેવાય? એવો સવાલ તેમણે વિપક્ષને કર્યો હતો. અંતે, ભારે વિવાદ વચ્ચે રાજ્યસભામાં પણ આ બિલને પસાર કરી દેવામાં આવ્યું છે, તેથી હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે, પણ એમાં મુસ્લિમોનો સમાવેશ કરવામાં નહિ આવે. હાલ સરકાર જે નાગરિકતા કાયદા સુધારા બિલ લાવી છે એમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા શરણાર્થી હિંદુ, શીખ, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ વગેરેને ભારતની નાગરિકતા આપવામાં આવશે, પણ એમાં મુસ્લિમોનો સમાવેશ નહિ કરી શકાય.
આ ત્રણ દેશોના એવા શરણાર્થીઓ હોય, જેઓ ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૪ની નક્કી કરાયેલી તારીખ પહેલાં ભારતમાં રહેતા હોય, તેઓ સરકાર સમક્ષ ભારતીય નાગરિકતા માટે અપીલ કરી શકશે.
હાલની જોગવાઈ મુજબ ભારતની નાગરિકતા લેવા માટે ૧૧ વર્ષ સુધી અહીં વસવાટ જરૂરી છે, જોકે હવે ત્રણ દેશોના શરણાર્થીઓ માટે ૬ વર્ષ કરી નાખવામાં આવ્યાં છે. જો આવા કોઈ શરણાર્થી પર દેશમાં કેસ ચાલતો હોય તો એને કારણે તેને નાગરિકતા મેળવતા અટકાવવામાં આવશે નહિ. ઓસીઆઇ કાર્ડધારક જો શરતોનું ઉલ્લંઘન કરે તો તેનું કાર્ડ રદ કરવાનો અધિકાર કેન્દ્રને મળશે. જોકે પહેલા તેમને સાંભળવામાં પણ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here