દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઇઝર નવી દિલ્હીમાં

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દશક પહેલા ગુજરાતની ક્ષમતા અને તકોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી નવા ઉદ્યોગો, નવી ટેકનોલોજી, નવા રોજગાર અવસર ઊભા કરવા શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી ગુજરાત ડેવલપમેન્ટના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે.
મુખ્યમંત્રી ૨૦૨૪નાં જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડિશન સંદર્ભમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો – રોકાણકારો સાથે યોજાયેલી કર્ટેન રેઇઝર મિટમાં સંબોધન કરી રહ્યા હતા. નાણા અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રિય રાજ્યમંત્રી દર્શના જરદોષ અને ડો. મહેન્દ્ર મુંજપરા તથા ગુજરાતના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુત, રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાં સમયથી એક કદમ આગળ વિચારનારા વિઝનરી લીડર છે. 2003માં જ્યારે કોઈને આવી બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટનો વિચાર પણ ન આવ્યો ત્યારે તેમણે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની ભાવના સાથે વાઈબ્રન્ટ સમિટનું વિચારબીજ રોપ્યું હતું.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ સમિટના માધ્યમથી નરેન્દ્ર મોદી વિશ્વના મૂડી રોકાણકારો અને થોટ લીડર્સને એક સાથે એક મંચ પર લાવ્યા અને સૌ સાથે મળીને આગળ વધી શકે તેવો નવતર વિચાર આપ્યો. વડાપ્રધાને હવે પાછલાં નવ વર્ષમાં દૂરદર્શી નેતૃત્વથી દેશમાં પણ અનેક નવતર અભિગમ સાથેના રિફોર્મ્સથી ભારતની વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ ઊભી કરી છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતે તો પાછલા બે દશકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતના ગ્રોથ એન્જિન તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. આ પ્રતિષ્ઠા અપાવવામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની મહત્વપૂર્ણ ભૂમિકા છે એમ તેમણે દ્રઢતાપૂર્વક ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે તો વાઈબ્રન્ટ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સામાજિક- આર્થિક વિકાસ માટેની વ્યૂહાત્મક ભાગીદારીનું પ્લેટફોર્મ બની ગઈ છે. વાઈબ્રન્ટ ગુજરાતની બે દાયકાની આ ભવ્ય સફળતાને ગુજરાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં તાજેતરમાં સમિટ ઓફ સક્સેસ તરીકે ઉજવી હતી, તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાને વાવેલું વાઈબ્રન્ટ સમિટનું વિચારબીજ હવે વટવૃક્ષ બની ગયું છે અને તેમના જ માર્ગદર્શનમાં ટીમ ગુજરાત તેની ઉજ્જવળ પરંપરા આગળ ધપાવવા કર્તવ્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here