તાલિબાને લીધો અફઘાનિસ્તાનનો કબજોઃ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને પરિવાર સાથે ભાગી ગયા…

 

   તાલિબાનના લડાયકોએ દેશનું શાસન પોતાના હાથમાં લઈ લીધું છે. કાબુલ પર કબજો મેળવીને સત્તા હસ્તગત કરી લેવામાં આવી હતી. અમેરિકાએ ગત બે દાયકામાં 83 અબજ ડોલરનો ખર્ચ કરીને અફઘાની સેનાને તૈયાર કરી હતી. પણ એ સેના નબળી પુરવાર થઈ. તાલિબાનીઓ સામે ટકી ના શકી. પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈને તૂટી પડી. એક પણ ગોળી ચલાવ્યા વિના એણે તાલિબાનીઓની શરણાગતિ સ્વીકારી લીધી હતી. અમેરિકાએ અફઘાનિસ્તાનનું સૈન્ય તૈયાર કરવા પાછળ જે ખર્ચ કર્યો તેનો બધો લાભ હવે તાલિબાનીઓને મળવાનો છે. અમેરિકા પાસેથી અફઘાનિસ્તાનના સૈન્યને મળેલા તમામ શસ્ત્ર- સરંજામ, દારૂગોળો, હથિયારો, આધુનિક રીતે સજ્જ યંત્રો, હેલિકોપ્ટરો- બધું જ હવે તાલિબાનીઓના કબજામાં આવી ગયું છે.  

       એટલું તો સ્પષ્ટ છેકે અમેરિકા સાથે જે ઈરાકમાં થયું, અફઘાનિસ્તાનમાં તેનાથી કશું જ અલગ નથી થયું. અમેરિકાના સૈન્યની ઝડપી વાપસી (પરત) જોઈને અફઘાનિસ્તાનના સૈન્યને એવું લાગ્યું હતું કે, તાલિબાનીઓ સામેની લડાઈમાં જાણે અમેરિકાએ તેમને એકલાં છોડી દીધા છે. આવી મનોદશાને કારણે અફઘાનિસ્તાનના સૈનિકોનો જુસ્સો ઠંડો પડવા માંડ્યો હતો. તેમનું મનોબળ નબળું પડી જવાને કારણે તેમને શરણાગતિ તરત જ સ્વીકારી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

             અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન શરૂ થયા પછી ભારતનું સમગ્ર ધ્યાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત ભારત પાછા લાવવા પર કેન્દ્રિત થયું હતું. અત્યાર સુધીમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ, સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ વગેરેને પરત ભારત સહીસલામત લાવવામાં આવ્યા હતા. આમ છતાં હજી અનેક ભારતીય લોકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ઉત્તરપ્રદેશના ગાજુપુર, ગાજિયાબાદ, દહેરાદૂન અને દિલ્હી સહિત અનેક વિસ્તારોમાંથી ભારતીયો કામ- નોકરી કરવાના હેતુથી અફઘાનિસ્તાનમાં ગયા હતા. કાબુલમાં હજી ફસાયેલા ભારતીયોમાં ફેકટરી વર્કર સહિત અનેક ભારતીયોએ  ભારત સરકારના વહીવટીતંત્રને અપીલ કરી હતી કે, તેમને જેમ બને તેમ જલ્દીથી સહીસલામત રીતે કાબુલથી ભારત લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવે. 

   ભારત સરકારનું વિદેશ મંત્રાલય તેમજ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં બની રહેલી ઘટનાઓ પર ભારત સરકાર સંપૂર્ણ લક્ષ રાખી રહી છે. તાજેતરમાં વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ કેબિનેટના અગ્રણી પ્રધાનો સહિત ઉચ્ચ અધિકારીઓની મળેલી તાકીદની બેઠકમાં અફઘાનિસ્તાનની ગતિવિધિ અંગે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. 

 સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કાબુલ સ્થિત રશિયન દૂતાવાસના અઘિકારીઓએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ એક હેલિકોપ્ટર અને ચાર મોટરકારમાં અઢળક રોકડ નાણાં ભરીને દેશમાંથી પલાયન થઈ ગયા હતા. તેમની સાથે તેમના પરિવારજનો પણ હતા. જવાની ઉતાવળને ભયના માહોલમાં મચેલી અફડાતફડીને કારણે કેટલાક નાણાં તો રસ્તા પર વેરણછેરણ પડેલા જોવા મળ્યા હતા. 

 રાષ્ટ્રપતિ અશરફ ગની ભાગીને કયા દેશમાં આશરો લઈ રહ્યા છે તે અંગે જાતજાતની અટકળો કરવામાં આવી રહી હતી. સત્તાવાર સમાચાર સૂત્રોને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર,ગનીએ સંયુક્ત આરબ અમીરાતમાં શરણું લીધું છે. યુએઈની સરકારે બુધવારે 18 ઓગસ્ટે આસમાતારનું સમર્થન કર્યું હતું. અશરફ ગની અને તેમના પરિવારને માનવતાના આધાર પર યુએઈમાં આશરો આપવામાં આવ્યો છે. 

 અફઘાનિસ્તાન પર તાલિબાનીઓના કબજા બાદ અબ્દુલ ગનીએ તરત જ રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ દેશમાંથી પલાયન થયા બાદ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે પોતે દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા હોવાની ઘોષણા કરી હતી. 

     અમેરિકાના પ્રમુખ જો બાયડને રાષ્ટ્રને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોને પાછા બોલાની લેવાનું તેમનું પગલું યોગ્ય જ હતું. તેમણે તાલિબાનીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો તાલિબાન અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડશે તો તેણે તેના વિનાશક પરિણામ ભોગવવા પડશે. 

 અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આ અંગે વિશ્વના અનેક દેશો  પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક તરફ બ્રિટને તાલિબાનની વિરુધ્ધ પગલાં લેવાની વાત કરી છે, તો બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તાલિબાનોએ એક ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સત્તા કબ્જે કરી છે. તાલિબાની શાસનને નવી અફઘાન સરકાર તરીકે માન્યતા આપવાની મારી કોઈ યોજના કે વિચાર નથી. કેનેડાના કાયદા હેઠળ તાલિબાન આતંકવાદી સંગઠન છે. અત્યારે અમારું ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here