ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું ૧૦૦ વર્ષની વયે અવસાન

 

ભાવનગર: ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું ભાવનગરમાં ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. હજુ થોડા સમય પહેલા જ તેઓ શતાયુ થયા હતા. મેઘાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીના અંગે અંગમાં વહેતો હતો. પિતા મેઘાણીની સવા શતાબ્દિ અને પુત્ર મહેન્દ્ર મેઘાણીના આયુષ્યની શતાબ્દીનો અનોખો સંયોગ પણ સર્જાયો હતો. ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રાત્રે ૮ કલાકે તેઓએ અંતિમ શ્ર્વાસ લીધા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મહેન્દ્ર મેઘાણીના નિધનથી ગુજરાતના સાહિત્યજગતમાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. મહેન્દ્ર મેઘાણીના સંતાનો દ્વારા સોશિયલ મીડિયામાં તેઓના નિધનની જાણકારી આપવામાં આવી હતી. 

મહેન્દ્ર મેઘાણીનો જન્મ ૨૦ જૂન, ૧૯૨૩ના રોજ મુંબઈમાં થયો હતો. એટલે આ તેમનું શતાબ્દિ વર્ષ હતું. ભાવનગર અને અમદાવાદમાં અભ્યાસ કર્યા પછી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. જીવનના ઘણા વર્ષો તેમણે અમેરિકામાં પસાર કર્યા હતા. પત્રકારત્વ અને ગુજરાતી સંસ્કૃતિના વાહક તરીકે તેઓ અનેક દેશોમાં ફર્યા હતા.

મહેન્દ્ર મેઘાણીને ગુજરાતી સાહિત્ય ઉપરાંત વિશ્ર્વ સાહિત્યમાં સારી પકડ હતી. સેવન યર્સ ઈન તિબેટ, કોન ટીકી વગેરે વિશ્ર્વ સાહિત્યના ઉત્તમોત્તમ પુસ્તકો તેમણે અત્યંત રસાળ ગુજરાતીમાં અનુવાદિત કરીને ગુજરાતી વાચકોને આપ્યા છે. ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના ચિરંજીવી મહેન્દ્રભાઈ ગુજરાતનાં ઘર ઘરમાં સા‚ં વાંચન પહોંચે તે માટે અવિરત કાર્યરત રહ્યા છે. તેમણે ‘નહિ વીસરાતાં કાવ્યો’ નામનું પુસ્તક સંપાદિત કર્યું. તેમાં ‘અવારનવાર સંભારવાનું મન થાય તેવાં, સો કવિઓનાં સો કાવ્યો’ તેમણે મૂક્યાં છે.  તે પહેલાંનાં વર્ષમાં ‘આપણાં સંતાનો’, ‘આપણી ધાર્મિકતા’, ‘આપણો ઘરસંસાર’ અને ‘આપણાં બા’ નામનાં પુસ્તકો તેમણે તૈયાર કર્યાં. તેમાં અનેક લેખકોનાં ચૂટેલાં લખાણો વાંચવા મળે છે. 

મહેન્દ્રભાઈએ તૈયાર કરેલાં લગભગ બધાં એટલે કે સો કરતાં વધુ પુસ્તકો આ પ્રકારનાં છે. મહેન્દ્રભાઈ અન્ય સામયિકો કે પુસ્તકોમાં વાંચવાં મળેલાં ઉત્તમ લખાણોને ટૂંકાવીને નજીવી કિંમતે પ્રસિદ્ધ કરીને લોકો સુધી પહોંચાડ્યાં છે. ઉત્તમ, આનંદદાયી, સંસ્કારક્ષમ, વૈવિધ્યપૂર્ણ અને સારા માણસનું ઘડતર કરે તેવું વાચન બહુ ઓછા દરે મળતું રહે તે માટે મહેન્દ્રભાઈએ ભાવનગરમાં ૧૯૬૮માં શ‚ કરેલાં ‘લોકમિલાપ’ પ્રકાશન થકી સતત પુસ્તકો બહાર પાડ્યાં. મહેન્દ્રભાઈના અવસાનથી સાહિત્ય જગતમાં ન પુરાય તેવી ખોટ પડી છે. પરમાત્મા તેઓના દિવ્ય આત્માની શાંતિ આપે તેવી પ્રાર્થના