માનવતાના શિખર પર બેઠો છે કવિ

0
1013

(ગતાંકથી ચાલુ)
મહાકવિ કાલિદાસે ‘રઘુવંશ’માં પવનને અગ્નિનો સારથિ કહ્યો છે. આપણે ત્યાં એક વનસ્પતિનુ મજાનું નામ છેઃ વાયવરણો. સમુદ્રમાં સંતાયેલા અગ્નિને વડવાનલ કે વડવાગ્નિ કહે છે. વનમાં એની મેળે પ્રગટતા અગ્નિને દાવાનળ કે દાવાગ્નિ કહે છે. અગ્નિની શોધ કદાચ દાવાગ્નિને કારણે થઈ હશે. વાયવરણો એ વાયુ અને વરુણના મેળનો સંકેત છે. વડવાગ્નિ એ વરુણ (જળ) અને અગ્નિ વચ્ચેના મેળનો સકેત છે. દાવાગ્નિ એ વાયુ અને અગ્નિ વચ્ચેના મેળનો સંકેત છે. જો જળ, વાયુ અને અગ્નિ વચ્ચે પણ આવો સુમેળ હોઈ શકે, તો માનવી અને માનવી વચ્ચે કુમેળ શી રીતે હોઈ શકે? જો અગ્નિનો સારથિ પવન હોય, તો આપણી ભીતર રહેલા જઠરાગ્નિ (વૈશ્વાનર)નો સારથિ વિચાર હોવો જોઈએ. માનવતાનું કાળજું વિચાર છે. વિચારનું અમૃત એ જ કવિતા.
મધુર મધુર મેરે દીપક, જલ યુગ યુગ, પ્રતિદિન, પ્રતિપલ પ્રિયતમ કા પથ આલોકિત કર.
મહાદેવી વર્માની આવી પંક્તિઓમાં પ્રયોજાયેલો યુગ શબ્દ સમજવા જેવો છે. યુગ એટલે શું? કવિ નિસાર અખ્તરનો જવાબ સાંભળો ઃ
ઈક ઈક લહર કિસી યુગ કી કથા,
મુઝે તો ગંગા કોઈ ઇતિહાસ લગે.
જેને લોકો વાતવાતમાં માનવ-ઇતિહાસ કહે છે તે તો કાલદેવતાની આંખનો એક પલકારો છે. કાલદેવતાની લાડકી કન્યા એવી ઉત્ક્રાંતિના શિખર પર માનવી છે અને એ શિખર પર કળશ તરીકે કવિ શોભે છે. કવિનું અવસાન થાય છે, પરંતુ કવિતાનું અવસાન નથી થતું, લાઓ ત્ઝુના અવસાન પછી એના શિષ્ય ચુઆંગ ત્ઝુને કોઈકે ગુરુના અવસાન વિશે પૂછ્યું, ત્યારે ચુઆંગ ત્ઝુએ કહ્યું ઃ
તેઓ આવ્યા અને ગયા! તેઓનું જવું, એ પણ તેમના આવવાનો જ એક પ્રકાર હતો!
તા. 4-4-1981ને દિવસે કવિ ઉમાશંકર જોશીએ નિરંજન ભગતને ઉદ્દેશીને પંક્તિઓ લખેલીઃ
ક્યાંયથી ક્યાંયથી આવે ભાષાઓ વળોટતી કવિતા, ખોળતી તમને, કવિમુખે કંઈક હૃદયોને પહોંચવા.
કવિને ખોળતી આવે કવિતા! હા, કવિના હૃદયમાં ઊગતી પંક્તિઓ જાણે પ્રજાપતિની ઇચ્છાપૂર્તિ નહિ હોય? કવિનો શબ્દ મરતો નથી. ચુઆંગ ત્ઝુના તર્ર્ક પ્રમાણે કવિ ઉમાશંકરનું જવું, એ પણ એમના આગમનનો જ એક પ્રકાર ગણાય. તેઓએ લખ્યુંઃ
માઈલોના માઈલો મારી અંદર પસાર થાય છે દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
સદીઓ પૂર્વે ઈશાાસ્ય ઉપનિષદના ઋષિ દીર્ઘતમસે મંત્રમાં કહ્યું હતુંઃ તદ્ એજતિ તદ્ ન એજતિ તદ્ દ્રે તદ્ અંતિકે! આ મંત્રનો અનુવાદ જુગતરામ દવેના શબ્દોમાં સાંભળોઃ
ચાલે છે પણ નથી ચાલતો દૂર છતાં બહુ પાસે, અંતરમાં એ સભર ભર્યો ને બહાર એ જ ચોપાસે.
યાદ રાખવા જેવું છે કે ઈશાવાસ્ય ઉપનિષદનું ભાષ્ય અખંડ આનંદમાં ઉમાશંકરે લેખમાળારૂપે પ્રગટ કર્યું હતું.
કવિ ઉમાશંકરનો નિબંધસંગ્રહ ગોષ્ઠી પ્રગટ થયો ત્યારે હું સુરતની એમ.ટી.બી. કોલેજમાં વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો. હજી આજે પણ મારી પાસે એ જૂની ડાયરી છે, જેમાં ગોષ્ઠીમાંથી મને ગમી ગયેલાં વાક્યો સચવાયાં છે. તે વખતે સહેજ પણ ખ્યાલ નહિ કે ભવિષ્યમાં નિબંધ લખવાની ગુસ્તાખી હું પણ કરવાનો છું. ઉમાશંકર જોશી અને યશવંત શુક્લ વચ્ચે એક બાબતે તગડો તફાવત હતો. સમારંભ માટે આમંત્રણ મળે ત્યારે ઉમાશંકર ઝટ હા ન પાડે અને યશવંતભાઈ કદી ના ન પાડે. (યશવંત શુક્લને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે સમારંભમાં હું અતિથિવિશેષ હતો. મેં પ્રવચનમાં કહ્યું હતુંઃ યશવંતભાઈ હેઝ બીન ઓવરયુઝ્ડ બાય ગુજરાત. સમારંભ પત્યો પછી ભોળાભાઈ પટેલે મને કહેલુંઃ તમે સાવ સાચી વાત કરી.) કવિની શબ્દસાધના સસ્તા સમારંભોમાં શબ્દો વેડફી મારવાની છૂટ નથી આપતી. ઉમાશંકર વક્તા એવા કે શબ્દો તોળી તોળીને બોલે તોય રસસાતત્ય ન તૂટે અને શ્રોતાઓનાં હૃદયમાં અજવાળું પથરાય. ઉમાશંકરભાઈ સુરતના અમારા ઘરે પૂરા બે દિવસ માટે મહેમાન બન્યા હતા. ઘરે મહેમાનો તો અનેક આવે છે, પરંતુ આપણે ઘરે કવિ ઉમાશંકર જોશી આવે અને રહે ત્યારે હરખની સીમા રહે ખરી? ઈડરથી થોડાક લય લઈને નીકળેલા એ કવિની લયસાધના એ જ જીવનસાધના! મુંબઈની લોકલમાં ટ્રેનમાં રાતે બારેક વાગ્યે જતા હતા ત્યારે એમને અનાયાસ રુદ્રરમ્ય અને શાંતમના તપસ્વી એવા નિશીથના કાવ્યનો લય પ્રાપ્ત થયેલો. કવિતાનો લય એ જ કોસ્મોસ (નિર્મિતિ)નો લય!
કોઈ પણ કવિને પ્રાપ્ત થતા એકાંતમાં ભેલાણ કરવાનું ટાળવા જેવું છે. પોલેન્ડના નોબેલ પારિતોષિકવિજેતા કવિ જસ્લો મિલોઝ અમેરિકાની બર્કલી યુનિવર્સિટીમાં હતા ત્યારે એમના ડિપાર્ટમેન્ટમાં ફોન કરીને એપોઇન્ટમેન્ટ મેળવવાનો નિષ્ફળ પ્રયત્ન મેં કર્યો હતો. એમની સેક્રેટરીએ ઘરનો ટેલિફોન નંબર ન આપીને કહેલું કે એમનો નંબર અનલિસ્ટેડ છે. એમની પંક્તિઓ કોસ્મોસના લયને પ્રગટ કરનારી છેઃ
સફરજનને કાપનારી છરી
સફરજનનાં બિયાંને કાપી શકે ખરી?
કવિતાના જગતમાં પણ ક્યારેક દુર્ઘટના સર્જાય છે. કવિ જ્યારે ઊંચી પ્રતિષ્ઠા પામે પછી ક્યારેક અત્યંત નબળી કવિતા પણ રચી નાખે છે. સાહિત્યનાં સામયિકોમાં આવા પ્રતિષ્ઠિત કવિની ‘અકવિતા’ કેવળ મોટા નામને જોરે પ્રગટ થતી હોય છે. આ રિવાજ ટાળવા જેવો છે. કવિએ પોતે પણ પોતાના અવ્યવહારુપણાની રક્ષા કરવાની ટેવ કેળવવી રહી. પોતાની નહિ તો કવિતાની ગરિમા સાચવવા માટે પણ એણે ગમે ત્યાં અને ગમે ત્યારે સ્વરચિત કવિતા અન્યને સંભળાવવાના તમોગુણી ઉમળકાને કાબૂમાં રાખવાની સાધના કરવી રહી. લોકોની પણ ફરજ છે કે કવિતાના સાઇલન્સ ઝોનની અદબ જાળવે. જાપાની કવિ બાશોનું સ્મરણ મને અત્યારે થઈ રહ્યું છે. એ કવિએ પગપાળા પ્રવાસો ઘણા કર્યા. છેવટે એ એક ઘરમાં સ્થિર થઈને રહેવા લાગ્યો. પોતાના એકાંતને વહાલ કરવાનું શરૂ થયું પછી એણે લખ્યુંઃ
મારા ઘરનું બારણું ઊગતા સૂરજનાં કિરણો સિવાય બીજા કોઈને માટે ખોલવા હું તૈયાર નથી.
માનવતાના ઉત્તુંગ શિખર પર કવિ વિરાજમાન છે. એ શિખર પર જાહેર સભાની ભીડ નથી હોતી. કવિતાને ભીડથી અને વિચારને ઘોંઘાટથી બચાવી લેવાના દિવસો આવી પહોંચ્યા છે. વસંતમાં ટહુકા સાંભળવા હોય તો શાંતિની સાધના કરવી રહી. કોયલની સામે માઇક્રોફોન નથી હોતું. રવીન્દ્રનાથ ટાગોર કહે છેઃ
હે વૃક્ષ! તું છે શાંત અને પ્રભાવશાળી.
તેં જ પ્રથમ વાર ધીરજ સાથે શૂરાતાનને જોડ્યું
અને બતાવી આપ્યું કેઃ
સામર્થ્ય પણ શાંતિ રૂપે
અવતાર ધારણ કરી શકે છે! (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here