જુલાઈ-ઑગસ્ટથી દેશમાં દૈનિક એક કરોડ લોકોનું રસીકરણઃ કેન્દ્ર સરકાર

 

નવી દિલ્હીઃ જુલાઈના અંત કે ઑગસ્ટના આરંભથી દેશમાં દૈનિક એક કરોડ લોકોનું રસીકરણ કરી શકાય તેટલી વેક્સિન ઉપલબ્ધ બનશે, એમ કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું. આગામી સૂચના ન મળે ત્યાં સુધી એક જ વ્યક્તિને જુદી જુદી બે વેક્સિન આપવી નિયમ વિરુદ્ધ છે એટલે અત્યારે એ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ પણ વેક્સિનના ૧.૫૭ કરોડ કરતા પણ વધુ (૧,૫૭,૭૪,૩૩૧) ડોઝ ઉપલબ્ધ છે, એમ કેન્દ્રના આરોગ્ય ખાતાએ મંગળવારે કહ્યું હતું. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સિનના ૨૩ કરોડ કરતા પણ વધુ ડોઝ મફત પૂરા પાડ્યા હોવાનું તેમણે કહ્યું હતું. વેક્સિનના બગાડ સહિત એમાંથી અત્યાર સુધીમાં ૨૧,૫૧,૪૮,૬૫૯ ડોઝ વાપરવામાં આવ્યા છે.

દરમિયાન કોરોનાની સારવાર માટેની દવાઓની માગ અને પુરવઠો સમતોલ હોવાનું કેન્દ્રના પ્રધાન ડી. વી. સદાનંદ ગોવડાએ મંગળવારે કહ્યું હતું.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્રીય સંસ્થાઓને ૨૧મી એપ્રિલથી ૩૦મી મે સુધીમાં ૯૮.૮૭ લાખ રેમડેસિવિરના વાયલ આપવામાં આવ્યા છે. દવાઓનું ઉત્પાદન માગણી કરતા દસ ગણું વધારવામાં આવ્યું હોવાથી માગ કરતા પુરવઠો વધ્યો છે. પુરવઠો વધ્યો હોવાથી જૂનના અંત સુધીમાં અમે ૯૧ લાખ વાયલની સપ્લાય કરવા વિશે વિચારી રહ્યા છીએ.

એમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યોના ઉત્પાદકોએ મેના પહેલા સપ્તાહમાં ઉત્પાદન કરેલા ૮૧૬૫૧ વાયલ ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્રીય સંસ્થાઓને ૧૧મી મેથી ૩૦મી મે સુધીમાં બ્લેક ફંગસ માટેની અૅમ્ફોટેરિસીન બીના ૨૭૦૦૬૦ વાયલ આપવામાં આવ્યા હતા.

સરકાર કોવિડને લગતી દવાઓની અછત ન સર્જાય એ માટે નવા અને જૂના ઉત્પાદકો સાથે સતત સંપર્ક સાધીને પુરવઠો ન ઘટે એનું ધ્યાન રાખી રહી છે.

દરમિયાન સરકારે મંગળવારે ચેતવણી આપી હતી કે કોરોના બીમારીની હજુ સુધી બાળકોમાં ગંભીર અસર જોવા નથી મળી છતાં તેમનામાં તેની અસર વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

કોરોના વાઈરસના વર્તનમાં કોઈ પરિવર્તન થયેલું જણાઈ આવે તેવી પરિસ્થિતિમાં તેને અંકુશમાં લેવા માટે આપણી પૂરી તૈયારી હોવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું. જિલ્લાઓ ફરી ખોલવા અંગેના નિયમો અંગે સરકારે કહ્યું હતું કે એક અઠવાડિયા સુધી કોરોનાનો પોઝિટિવિટી દર પાંચ ટકા કરતા ઓછો રહેવો જોઈએ. એ ઉપરાંત ૭૦ ટકા કરતા પણ વધુ લોકોને વેક્સિન અપાઈ ગયેલી હોવી જોઈએ.

ગયા અઠવાડિયાથી દેશના ૩૪૪ જિલ્લામાં કોરોનાનો પોઝિટિવિટી દર પાંચ ટકા કરતા ઓછો રહ્યો છે અને દેશના ૩૦ રાજ્યમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, એમ કેન્દ્ર સરકારે કહ્યું હતું. ૭ મેએ કોરોનાના સર્વાધિક કેસ નોંધાયા બાદ કોરોનાના કેસમાં લગભગ ૬૯ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું સરકારે કહ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here