ચીને ચેંગદુમાં અમેરિકન કોન્સ્યુલેટ બંધ કરી ઇમારત કબજામાં લીધી

Reuters

 

બૈજિંગ/ચેગદૂઃ ચીને સોમવારે કહ્યું હતું કે અમેરિકાના ચેંગદૂસ્થિત કોન્સ્યુલેટ ખાલી થયા પછી તેણે ઇમારતને પોતાના કબજામાં લઇ લીધી છે. હ્યુસ્ટનમાં ચીની કોન્સ્યુલેટને બંધ કરવાના અમેરિકાના આદેશ પછી જવાબી કાયર્વાહી કરીને ચીને અમેરિકન કોન્સ્યુલેટ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલી એક પ્રેસ યાદીમાં જણાવાયા અનુસાર ૨૭ જુલાઇની સવારે ૧૦ વાગ્યે ચેંગદૂમાં અમેરિકન અમેરિકન કોન્સ્યુલેટને બંધ કરી દેવાયું છે. તેમના દ્વારા કહેવાયું હતું કે તે પછી ચીનના સક્ષમ અધિકારીઓ મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા ઇમારતમાં દાખલ થયા હતા અને તેને પોતાના કબજામાં લીધી હતી. ચેંગદૂ ચીનના સિચુઆન પ્રાંતની રાજધાની છે. સરકારી બ્રોડકાસ્ટર સીસીટીવીએ પોતાના સોશિયલ મીડીયા એકાઉન્ટ પર જણાવ્યું હતું કે ચેંગદૂમાં અમેરિકન કોન્સ્યુલેટ પરથી સોમવારે સવારે ૬.૧૮ વાગ્યે અમેરિકન ધ્વજ ઉતારી લેવાયો હતો. પોલીસે કોન્સ્યુલેટની ચોમેર બેથી ત્રણ બ્લોક બંધ કરી દીધા હતા. જેના કારણે હવે ઇમારત જોઇ શકાતી નહોતી.

અમેરિકન વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કોન્સ્યુલેટ બંધ થવા અંગે નિરાશા વ્યક્ત કરીને કહ્યું હતું કે આ કોન્સ્યુલેટ તિબેટસ્થિત પીમી ચીનના લોકો સાથે છેલ્લાં ૩૫ વર્ષથી અમારા સંબંધોનું કેન્દ્ર રહ્યું છે. તેમના દ્વારા નિવેદનમાં કહેવાયું હતું કે અમે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નિણર્યથી નિરાશ છીએ અને ચીનમાં અમારા અન્ય મિશન દ્વારા આ મહત્ત્વપૂર્ણ  વિસ્તારના લોકો સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ રાખીશું. આ કોન્સ્યુલેટની શરૂઆત ૧૯૮૫માં કરવામાં આવી હતી, તેમાં ૨૦૦ કમર્ચારી કામ કરતાં હતા, જેમાંથી ૧૫૦ સ્થાનિક લોકો હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here