‘ગુજરાતમાં ૨૧મીથી ધો. ૯થી ૧૨ની સ્કૂલો નહી ખુલે’

 

અમદાવાદઃ કેન્દ્ર સરકારે ૨૧મી સપ્ટેમ્બરથી એસઓપી સાથે માર્ગદર્શન માટે ધો. ૯થી ૧૨ની સ્કૂલો શરૂ કરવાની છુટ આપી દીધી છે, પંરતુ ગુજરાતમાં ૨૧મીથી સ્કૂલો નહીં ખુલે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો. સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી સરાકર હજુ જોખમ લેવા માંગતી નથી અને દિવાળી સુધી સ્કૂલો ખુલવાની કોઈ શક્યતા નથી. કોરોનાની મહામારીને લીધે ગુજરાતમાં માર્ચથી સ્કૂલો સંપૂર્ણ બંધ છે. નવુ સત્ર શરૂ થયાને પણ ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં રાજ્યમાં કોરોનાના વધતા કેસોને પગલે હજુ રેગ્યુલર સ્કૂલો શરૂ કરી શકાઈ નથી. ધો. ૯થી૧૨માં ખાસ કરીને ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાને લઈને અભ્યાસ બગડી રહ્યો છે અને ઓનલાઈન એજ્યુકેશન તમામ વિદ્યાર્થીઓને મળી નથી રહ્યું ત્યારે તેઓ માટે સ્કૂલો ખોલવી પણ જરૂરી છે. 

દરમિયાન કેન્દ્ર સરકારે અનલોક-૪ અંતર્ગત ૨૧મી સપ્ટેમ્બરથી ધો. ૯થી૧૨માં શિક્ષકોના માર્ગદર્શન માટે વાલીની સંમંતિથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવાની છુટ આપી છે અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે સ્કૂલો ખોલવાની પરમિશન આપી છે. જો કે ગુજરાતમાં શિક્ષકોના માર્ગદર્શન માટે પણ સ્કૂલો નહીં ખુલે. કોરોનાના કેસો દિવસને દિવસે વધી રહ્યા છે ત્યારે ૫૦ ટકાથી વધુ વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા રાજી નથી. અનેક વાલીઓ વેક્સિન ન આવે ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલવા માંગતા નથી. આવામાં સરકાર પણ કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી બુધવારે ગાંધીનગરમાં મળેલી સરકારની કેબિનેટ બેઠકમાં સર્વાનુમતે કેન્દ્ર સરકારની એસઓપી અને ગાઈડલાઈનનો અમલ ન કરવા નિર્ણય કરાયો હતો.

આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સંક્રમણ વધવાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી બાળકો ફિઝિકલી સ્કૂલમાં ભેગા થાય તે હિતાવહ નથી જેથી ૨૧મીથી માર્ગદર્શન માટે પણ બાળકો સ્કૂલે ન જાય તેવો નિર્ણય કરાયો છે. કેન્દ્ર સરકારની એસઓપી દરેક રાજ્ય માટે મરજીયાત હતી અને સરકાર પોતાની સ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ શકતી હોઈ આરોગ્ય વિભાગ સાથે વિસ્તૃત ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે ધો. ૧૦-૧૨ના બાળકોના અભ્યાસને લઈને ઓક્ટોબરમાં જ્યારે પણ સ્કૂલો શરૂ થાય ત્યારે કોર્સ ઘટાડો કરાશે અને તે પ્રમાણેનું નિશ્ચિત ટાઈમ ટેબલ નક્કી કરાશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here