ખુશામત અને પ્રશંસા વચ્ચેની ભેદરેખા પાતળી જ નહિ પારદર્શક પણ હોય છે

0
1288

જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું?’ એવા પ્રશ્નના અનેક ઉત્તર હોઈ શકે, પરંતુ એવું પણ કહી શકાય કે ‘માણસમાત્રને એવું લાગતું હોય કે પોતાનાં વખાણ સાવ ખોટી રીતે થઈ રહ્યાં છે છતાંય દરેક જણને મનોમન એ બાબત ગમતી પણ હોય છે.’ આ પ્રત્યુત્તરમાં અતિશયોક્તિ જરૂર લાગતી હશે, પરંતુ આપણે કબૂલ કરીએ કે ન કરીએ, આપણા સૌની એ મનોઇચ્છા હોય છે કે કોઈક આપણને જુએ, આપણા કામને બિરદાવે અથવા તો આપણી પ્રસિદ્ધિ માટે પ્રયાસ કરે. માણસમાત્રને એવી ખાતરી હોય છે કે આપણે સારા હોઈએ. આપણી કામગીરી ઉત્તમ હોય તો આપોઆપ એને અનુરૂપ પ્રતિભાવો કે પ્રસિદ્ધિ મળી રહેતી હોય છે. આમ છતાં કોણ જાણે કેમ, માણસને એવી તાલાવેલી હોય છે કે પોતાના કામની કોઈક કદર કરે, પ્રશંસા થકી કોઈ નવાજે. ઘણી વાર તો એટલી હદ સુધી કે આપણે એમાં ભગવાનની પણ સંમતિ મેળવી લઈએ છીએ અને કહીએ પણ છીએ કે ‘ખુશામત તો ખુદાને પણ પ્યારી છે.’
માનવમનની આ કેવી મહેચ્છા ગણવી? એવું આત્યંતિક વિધાન ના કરીએ તો પણ એમ તો પૂછી જ શકાય કે ઈશ્વરે માણસમાં આ કેવી વૃત્તિ મૂકી છે કે દરેક માણસને તેની પ્રશંસાનું વળગણ હોય છે. કેટલાક લોકો ઠાવકાઈથી પણ કહેતા હોય છે કે ‘આપણને તો નામનો મોહ જ નથી’ પરંતુ એમાં નિખાલસતા કરતાં વ્યવહારુ સમાધાનના ભાવો વધારે હોય છે. ઘણા તો વળી ગાઈવગાડીને કહે કે ‘અમે આટલું બધું કરીએ છીએ તોય જુઓને કોઈ અમારી નોંધ પણ લેતું નથી.’ આમાં ખુલ્લેખુલ્લી વાત હોય છે. પ્રમાણમાં આવા માણસોનો અભિગમ વધારે પારદર્શક ગણી શકાય, કેમ કે એમને જોજો છે એ બાબતમાં એ કંઈ છુપાવતા નથી. ઘણાને વળી દરેક બાબતની જેમ આમાં પણ અધ્યાત્મ કે ફિલસૂફીની રીતે જોવાની ટેવ હોય છે. એ કહેશે ‘આપણે આપણું કામ કરવાનું, બાકી બધું ભગવાન ઉપર છોડી દેવાનું.’ આમ કહેનારના આંતરજગતમાં અવ્યક્તપણે પણ પોતાની કોઈક કદર કરે એવું તો અવશ્યપણે રહેલું હોય છે.
આ લાગણી જો આટલી જ સાહજિક હોય અને માણસમાત્ર એને એક યા બીજા સ્વરૂપે ઇચ્છતો હોય તો એને નિઃશંકપણે સાર્વત્રિક મનોભાવ ગણી શકાય. ઈશ્વરે માણસને ઘણું બધું આપ્યું છે. એને આપણે સદ્ અને અસદ્ની કશમકશ વચ્ચેની ભેદરેખા એટલી પાતળી હોય છે કે માણસને એની યથાર્થતાનો ખ્યાલ પણ નથી રહેતો, જેમ કે પોતાના બાળક માટેનો માતાનો સ્નેહભાવ એ માતૃપ્રેમનો ઉત્કૃષ્ટ આવિષ્કાર ગણાય, પરંતુ એનો અતિરેક એ ક્યારેક મોહ અથવા તો આસક્તિ ગણી શકાય. આપણે કોઈકની સાથે અત્યંત ભાવુક બનીને વાત કરીએ એમાં સંવેદનશીલતા અચૂક હોય છે, પરંતુ વ્યવસાય કે દુન્યવી જગતમાં ઘણી વાર આ પ્રકારનું વલણ વ્યક્તિની નબળાઈ કે બાલિશતા પણ સાબિત થાય. કડક હોવું કે શિસ્તના આગ્રહી હોવું એ સાચી બાબત છે, પરંતુ કઠોરતા કે ક્રોધની સ્થિતિમાં એ બાબતને દુર્ગુણ ગણી શકાય. આ જ રીતે માનવીય ધોરણે આપણી કોઈક પ્રશંસા કરે કે આપણી સારી લાગતી બાબતોનો હકારાત્મક ઉલ્લેખ કરે એ ગમવા જેવું કહી શકાય અને એમાં કશું ખોટું પણ નથી. ઊલટાનું ઘણી વાર તો આ રીતે માણસને સારું કામ કરવાની પ્રેરણા કે ‘મોટિવેશન’ મળી જતું હોય છે. જગતમાં એવા ઘણા માણસો છે જે માત્ર કોઈકના એકાદ બે સારા શબ્દો કે વચનો થકી સિદ્ધિ તરફ જઈ શક્યા છે.
માણસને મનગમતી વાત કરવામાં પ્રશંસાના પડછાયા જેવા કોઈ શબ્દ હોય તો એ સાંત્વના છે. સાંત્વના કે આશ્વાસન ત્યારે અપાય છે કે જ્યારે વ્યક્તિ કોઈક મુશ્કેલી કે આઘાતની પરિસ્થિતિમાં હોય. ‘સાંત્વના એટલે સામેની વ્યક્તિને ગમે તેવી વાત’. આ વ્યાખ્યામાં સ્પષ્ટ થાય છે કે દુઃખના સમયે મનગમતા શબ્દો ક્યારેક ‘થેરપી’નું કામ કરી જાય છે. માણસ પોતાની મુશ્કેલીમાં ટકી રહેવા માટેનું બળ એમાંથી મેળવે છે. આ રીતે જોઈએ તો સાંત્વના કે આશ્વાસન એ હકારાત્મક ભાવો છે, પરંતુ કોઈકની નબળાઈ, ભૂલોનું પુનરાવર્તન કે અસંસ્કાર માટે આ જ ભાવો કદાચ વ્યક્તિ માટે ફાયદાકારક બનવાને બદલે તેને નિર્બળ અથવા તો નકામા બનાવવાનું કામ પણ કરે.
પ્રશંસા, વખાણ, સાંત્વના, આશ્વાસન જેવા ભાવો થકી આપણે કોઈકનું બહુમાન કરીએ છીએ કે પ્રેરણા પૂરી પાડીએ છીએ એની આડપેદાશરૂપે એમાંથી શિખામણ ટપકી પડતી હોય છે. જગતનું સૌથી મોટું વિસ્મય એ છે કે દરેક વ્યક્તિને બીજાને કંઈક કહેવું હોય છે. શિખામણ એ વ્યાપકપણે સ્વીકૃત એવી અભિવ્યક્તિ છે જે દરેકને વ્યક્ત કરવી ગમતી હોય છે, પરંતુ સામા પક્ષે શિખામણને સ્વીકારનારની સંખ્યા ઘણી જૂજ હોય છે અને એમાં પણ જે માણસો એને સાંભળે છે એમાં પણ ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ જેવું ઉપેક્ષિત વલણ જ હોય છે. બર્નાર્ડ શો જેવા એને હળવી રીતે વ્યક્ત કરે છે અને કહે છે ‘મમને શિખામણ બહુ જ ગમે છે, પરંતુ એ કોઈકને આપવાની હોય ત્યારે…’ અલબત્ત, કોઈકનાં વખાણ કર્યા પછી તરત જ એનું શિખામણમાં પરિવર્તન થતું રોકવું એ પણ ખૂબ જ શ્રમ માગી લેતું કાર્ય છે.
ખુશામતનો હથિયાર તરીકે ઉપયોગ કરી ઘણા માણસો જીવનમાં, વ્યવસાયમાં કે નોકરીધંધામાં ધાર્યાં નિશાન પાર પાડતા હોય છે એવું વ્યાપકપણે ઘણાને લાગતું હશે. આના દાખલા અને ઉદાહરણો પણ ચોતરફ મોટી સંખ્યામાં જોવા મળતાં હોય છે. પ્રોડક્ટ ઘણી વાર ગમે તેવી હોય, પણ જો એનો પ્રચાર અસરકારક હોય તો એ ધમધોકાર ચાલી જાય છે. જાહેરખબર અથવા તો એડવર્ટાઇઝિંગનું આખું જગત જ અતિશયોક્તિ અને વખાણના પાયા ઉપર ઊભેલું છે. એમાં વસ્તુનાં વખાણ જેટલી વધારે મૌલિકતાથી કે કલાપૂર્ણ રીતે થઈ શકે એટલી જ અસરકારક રીતે એ ચીજનું વેચાણ થાય છે, પરંતુ પ્રોડેક્ટના આ નિયમો માણસને લાગુ પાડવાનું કામ પણ થતું હોય છે ત્યારે એમાં પ્રમાણભાન રહેતું નથી. વસ્તુ હંમેશાં નિર્જીવ હોય છે, પરંતુ માણસ એ જીવંત પદાર્થ છે. વસ્તુનો જે રીતે ઉપભોગ કે ઉપયોગ કરાય છે એ રીતે માણસનો થઈ શકે નહિ. માણસને જીવવાનું હોય છે, વિકસવાનું પણ હોય છે. એમાં આવા પ્રયાસો કરતાં આપણે જેને સનાતન મૂલ્યો કે નક્કર સંસ્કારની વાતો કહીએ એ પરિબળો વધારે અસરકારક સાબિત થતાં હોય છે. ‘સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય’ એવી ઉક્તિમાં માણસની નક્કરતા કે આંતરિક તાકાતને પ્રાધાન્ય અપાયું છે. બાહ્ય ચળકાટ કે પ્રચારનો લેપ બહુ મહત્ત્વનો હોતો નથી. આ મુજબ જ જગતનો ઉત્તમ વ્યવહાર ચાલે છે. આ સનાતન લાગતી બાબત આપણને સૌને સદ્કાર્ય કે શુભનિષ્ઠામાં શ્રદ્ધા રાખવા માટેનું બળ પૂ​રું પાડે છે. અલબત્ત, ક્યારેક કોઈક નાનકડી પ્રશંસા કે વખાણની નાની વાત થકી કોઈકને નવું કામ કરવાની કે નવું જોમ ખીલવવાની પ્રેરણા આપે તો એમાં કશું ખોટું હોતું નથી, પરંતુ એ જ બાબત જો માણસની અવનતિ કે મિથ્યાભિમાનને વધારવાનું કામ કરે ત્યારે એ બન્ને વચ્ચેની ભેદરેખા જાણી લેવી અનિવાર્ય બની જાય છે.

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here