ગુજરાતી સાહિત્યકારને ‘સારસ્વત ગૌરવ એવોર્ડ’ પ્રદાન

 

પોરબંદરઃ વર્ષ ૨૦૦૯માં મુંબઇ વસતા સુવિખ્યાત સાહિત્યકાર દિનકર જોષીની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્યના ઉત્તમ પુસ્તકોની અન્ય ભાષાઓમાં અવતરિત કરવાના ઉદ્દેશથી અનિલ અંબાણી અને અન્ય સાહિત્યપ્રિય સજ્જનોના સહયોગથી ‘ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ની સ્થાપના થયેલી અને તેની અંતર્ગત સાલ ૨૦૨૧ સુધીમાં કુલ ૪૮ પુસ્તકોને હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં. એના લેખકોમાં કાકા કાલેલકર, ધૂમકેતુ, કિસનસિંહ ચાવડા, ચુનિલાલ મડિયા, રજનીકુમાર પંડ્યા અને ભગવતીકુમાર શર્માનો સમાવેશ થતો હતો. 

હવે આ વર્ષે એનું શેષ ભંડોળ પ્રસિદ્ધ કથાકાર પૂ. રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની પોરબંદર સ્થિત વિદ્યાસંસ્થા સાંદિપની વિદ્યાનિકેતનને એ અપેક્ષાએ સુપરત કરવામાં આવ્યું કે એમાંથી દર વર્ષે એક વરીષ્ઠ અને બહુમાનયોગ્ય ગુજરાતી સાહિત્યકારને ‘સારસ્વત ગૌરવ એવોર્ડ’ પ્રદાન કરીને   સન્માનિત કરવામાં આવે.

આ યોજના અંતર્ગત આ વર્ષે સાહિત્યકાર રજનીકુમાર પંડ્યનું બહુમાન કરવાનું એને માટેની ચયનિત સમિતીએ ઠરાવ્યું અને એમાં મુંબઇની અંધેરી સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટરનો પણ સહયોગ સાંપડ્યો અને એ અનુસાર મુંબઇમાં  ભવન્સ કલ્ચરલ સેન્ટરના પરિસરમાં એ માટેના સુંદર સમારંભમાં,  સાંદિપની વિદ્યાનિકેતનની સાંસ્કારિક પરંપરા અનુસાર પૂ. રમેશભાઇ ઓઝાના હસ્તે રજનીકુમાર પંડ્યનું ભાવપૂજન કરીને તેમને શાલ, દુશાલા, સ્મૃતિચિહ્્ન અને રૂ. ૫૧૦૦૦નો ચેક પ્રદાન કરવામાં આવ્યો.  

આ પ્રસંગે દિનકર જોશી આ આખા આયોજનની ભૂમિકા સ્પષ્ટ કરી, નાટ્યકાર પ્રવીણ સોલંકીએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું અને ભાગ્યેશ ઝાએ સમગ્ર ઉપક્રમનું સંચાલન સંભાળ્યું હતું.  રજનીકુમાર પંડ્યાને પોતાના શબ્દને મળેલા આ બહુમાનના અનુષંગે પોતાની કેફીયત રજુ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને અંતમા પૂ. રમેશ ઓઝા (ભાઇશ્રી) પોતાના મનોભાવો વ્યક્ત કરીને આશીર્વચન વ્યક્ત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here