ઉત્તર ભારતમાં હિમવર્ષા, ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

ઉત્તરાખંડઃ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે જીનજીવન ખોરવાયું છે. ચારેકોર બરફની ચાદર પથરાતા રસ્તાઓ પર વાહન ચલાવવું જોખમભર્યુ બન્યું છે. ઉપરાંત એર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ છે. કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની પણ સમસ્યા સર્જાતા ત્યાંના રહેવાસીઓ પર આફત આવી ચઢી છે. એટલું જ નહીં હવામાન વિભાગે હિમપ્રપાતની પણ ચેતવતી પણ જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાનું એલર્ટ છે. જેના કારણે હિમાચલ પ્રદેશમાં ૫૦૦થી વધુ રસ્તાઓ બંધ છે. તેમજ, મનાલીમાં ગઇકાલે લુઘત્તમ તાપમાન માઇનસ ૧.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. બીજી તરફ દિલ્હી- એનસીઆરના ઘણા વિસ્તારોમા ભારે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી સિવાય રજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આજે વરસાદનું એલર્ટ છે. આ રાજયોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આ રાજયોમાં ધુમ્મસની અસર જોવા મળી હતી. દિલ્હીમાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી નોંધાઇ હતી. ઘણી ફલાઇટ અને ટ્રેનો પણ મોડી પડી હતી. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જયપુર સહિત ૧૧ જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. જયપુર, અજમેર, ટોંક, શ્રીગંગાનગર, નાગૌર, જોધપુર, બાંસવાડા, ભીલવાડા, બાડમેર અને પાલીમાં સવારે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉતરાખંડ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં તીવ્ર શિયાળાની અસર ચાલુ છે. આ રાજયોમાં લઘુત્તમ તાપમાન ૬-૧૦ ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૬ ફેબ્રુઆરી પછી અહીં ઠંડીમાં ઘટાડો થશે. આ તરફ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં એલર્ટ છે. તેમજ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં વરસાદની સંભાવના છે. દક્ષિણના રાજયોમાં આજે હવામાન ચોખ્ખું રહેશે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં હિમવર્ષામાં ઘટાડો થશે. રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ્, પંજાબ, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને કેરળના ભાગોમાં હળવા વરસાદની શકયતા છે. આ સિવાય દેશના ઉત્તરીય રાજયો અને મધ્ય રાજયોમાં ધુમ્મસની અસર યથાવત રહેશે. આના કારણે વિઝિબિલિટી પણ પ્રભાવિત થઇ શકે છે. હિમાચલમાં બરફ જોવા માટે પાડોશી રાજયોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહાડો પર પહોંચી રહ્યા છે. વીકએન્ડ પર છેલ્લા બે દિવસ દરમિયાન, કાલકાથી સિમલા સુધીની તમામ ટ્રેનો પ્રવાસીઓથી ભરેલી પહોંચી ગઇ છે. આજે પણ પાડોશી રાજયોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી આવી રહ્યા છે.
કાશ્મીર ઘાટીના લોકો પણ ભારે હિમવર્ષાનો સામનો કરી રહ્યાં છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શ્રીનગર એરપોર્ટ પર તમામ ફલાઇટો કેન્સલ કરી દેવાઇ છે. કાશ્મીરના મેદાન વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી છે, જયારે ઊંચાઇવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા પડી રહી છે. કાશ્મીર ઘાટીમાં ઘણા સ્થળોએ બરફની ચાદરો પથરાતા વાહનો લપસી જવાની પણ ઘટનાઓ બની છે, તેથી વાહનચાલકોને સાવધાન રહેવાની સલાહ અપાઇ છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઇ રહી છે ત્યારે ભારે હિમવર્ષા બાદ કુપવાડા અને બાંદીપોરામાં ૨૪ કલાક દરમિયાન સેના અને સિવિલ એડમિનિસ્ટ્રેશને હેલિકોપ્ટર દ્વારા બે નવજાત શિશુઓ સહિત છ દર્દીઓને એરલિફટ કરીને જીવ બચાવ્યા હતા. જેમાં અન્ય ૧૨ લોકોને ગુરેઝ અને કર્નાહથી બાંદીપોરા અને કુપવાડા ખસેડવામાં આવ્યા હતા. સેનાની રેકસ્યુ ટીમ દ્વારા વિશ્વ પ્રસિદ્ઘ સ્કી રિસોર્ટ ગુલમર્ગના ઉપરના વિસ્તારમાં હિમવર્ષામાં ફસાયેલા નવ સભ્યોની સ્કી ટીમને પણ સુરિક્ષત રીતે બચાવવામાં આવી છે. હિમવર્ષા પ્રભાવિત વિસ્તારોમાં સેના અને પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે.
દેશના ઉત્તરી રાજયોમાં હિમવર્ષા ચાલુ છે. હિમાચલમાં સ્થિતિ ગંભીર બની છે. અધિકારીઓએ કહ્યું કે હિમવર્ષાના કારણે રાજયમાં ૫૧૮ રસ્તાઓ બંધ કરાયા છે. અહીં ઘણા વાહનો અને બહાર આવતા પ્રવાસીઓ અટવાયા છે. હવામાન વિભાગે હિમાચલ માટે યલો એલર્ટ જારી કર્યુ છે. હિમાચલના અધિકારીઓએ કહ્યું કે શિમલામાં ૧૬૧ રસ્તાઓ, લાહોર અને સ્પીતિમાં ૧૫૭, કુલ્લુમાં ૭૧, ચંબામાં ૬૯ અને મંડીમાં ૪૬ રસ્તાઓ બંધ કરાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ રાજયમાં ૪૭૮ ટ્રાન્સફોર્મર ખરાબ થઇ ગયા છે અને જળ પુરવઠો પણ ખોરવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here