ફ્રાન્સ વર્લ્ડ ચેમ્પિયનઃ ફ્રાન્સ-ક્રોએશિયાના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત

તસવીરમાં ટ્રોફી સાથે ફ્રાન્સના ખેલાડીઓ વિજેતા મુદ્રામાં નજરે પડે છે.  ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સ

મોસ્કોઃ રશિયામાં યોજાયેલા 21મા ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં ક્રોએશિયાને 4-2થી હરાવી વર્લ્ડ કપ ચેમ્પિયન ટ્રોફી જીતનાર ફ્રાન્સના ખેલાડીઓનું ઘરઆંગણે ભવ્ય સ્વાગત થયું હતું. બીજી બાજુ ક્રોએશિયાની ટીમ પણ પ્રથમ જ વાર ફાઇનલમાં આવી હોવાથી તેના ખેલાડીઓનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. 20 વર્ષ પછી ફ્રાન્સ વર્લ્ડ ચેમ્પિયન થતાં શરૂ થયેલો વિજયોત્સવ હજી પણ ચાલુ છે. વર્લ્ડ કપ ટ્રોફી સાથે સ્વદેશ આવેલા વર્લ્ડ ચેમ્પિયનોનું શાહી સ્વાગત થયું હતું અને લાખો ચાહકો પેરિસમાં માર્ગો પર ઊતરી આવ્યા હતા.
પેરિસમાં ઇલિસી પ્રેસિડન્ટ પેલેસમાં પ્રેસિડન્ટ ઇમાનુલ મેક્રોની અને તેમનાં પત્ની બ્રિગેટે વર્લ્ડ ચેમ્પિયનોને આવકારવા ખાસ રિસેપ્શનનું આયોજન કરાયું હતું. પ્રેસિડન્ટ પેલેસની સામે લાખો ચાહકોએ હાજર રહીને ખેલાડીઓને બિરદાવ્યા હતા. ફ્રેન્ચ એરફોર્સે પણ ફૂટબોલરોના સન્માનમાં આકાશને નેશનલ ફલેગના રંગોથી રંગી નાખ્યું હતું. કિલિયન એમ્બાપ્પે, પોલ પોગ્બા, ગ્રીઝમેન, કોચ ડેસ્ચેમ્પ્સ સહિતના ફ્રાન્સના સુપરસ્ટાર ખેલાડીઓ ઓપન ટોપ બસમાં બેસીને વિજય પરેડમાં જોડાયા હતા. ઘણા ચાહકો આખી રાત ફ્રાન્સની ટીમની રાહ રોડ પર જોતા બેસી રહ્યા હતા. ફ્રાન્સની ટીમ માટે સ્વદેશ પરત આવવા એર ફ્રાન્સનું ખાસ વિમાન મોકલવામાં આવ્યું હતું. ફ્રાન્સનાં મેટ્રો સ્ટેશનોનાં નામ સાથે વર્લ્ડ ચેમ્પિયનોનાં નામ જોડાયાં હતાં.
દરમિયાન ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રથમ વાર આવેલી ક્રોએશિયાની ટીમનું જાણે વર્લ્ડ ચેમ્પિયન બન્યા હોય તેવું ભવ્ય સ્વાગત કરાયું હતું. યુરોપના નાનકડા દેશ ક્રોએશિયાના ફૂટબોલના ઇતિહાસની આ ઐતિહાસિક પળ હતી.
ક્રોએશિયન ટીમના વિમાનને એરફોર્સના જેટ્સનું એસ્કોર્ટ આપવામાં આવ્યું હતું. ફક્ત 40 લાખની વસતિ ધરાવતા ક્રોએશિયાની ટીમ પાછી આવી ત્યારે અઢી લાખ ચાહકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here