ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા, તેના સંવર્ધન અને જતન માટે રાજ્ય સરકાર દ્વારા નવતર પહેલ

અમદાવાદઃ જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પ્રભાત જેવા લોકપ્રિય ગુજરાતી કાવ્ય રચનાર ,અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય સર્જક અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે ‘નર્મદ’ની સ્મૃતિમાં તેમના જન્મદિવસે એટલે કે ૨૪ ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયામાં ચાલતો ગુજરાતી એસબીએસ રેડિયો હોય કે પછી જુદા જુદા રાજ્યો અને વિદેશોમાં ચાલતા ગુજરાતી સમાજો હોય, વર્ષ ૧૯૩૨માં આવેલ પ્રથમ ગુજરાતી ચલચિત્ર ‘નરસિંહ મહેતા’થી લઈને ઓસ્કારમાં જનારા પ્રથમ ગુજરાતી ચલચિત્ર ‘છેલ્લો શો’ હોય, આ તમામે ગુજરાતી ભાષાના જતન સાથે ગુજરાતી ભાષાને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. ભારતના બંધારણમાં સમાવિષ્ટ ૨૨ સત્તાવાર ભાષાઓમાંની એક ભાષા ગુજરાતી છે.
વધતા જતા વૈશ્વિકરણ અને શિક્ષણના વધેલા વ્યાપને કારણે ગુજરાતમાં પણ અંગ્રેજીનું મહત્વ વધ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારવા આજે વિશ્વ ગુજરાતી ભાષા દિને સૌ ગુજરાતીઓએ ભાષાની જાળવણી અને સંવર્ધન માટેનો સંકલ્પ લેવો અત્યંત આવશ્યક છે. ગુજરાતી ભાષા આ દિવસની ઉજવણીનો હેતુ કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉપરાંત ગુજરાતી ભાષાની સુંદરતાને વિશ્વફલકમાં ફેલાવવાનો પણ છે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧માં શરૂ કરવામાં આવેલી ગુજરાતી ભાષા પ્રચાર યોજના જેવી પહેલ થકી ગુજરાતી ભાષા અને તેના જાજરમાન વારસાને સક્રિયપણે આગળ વધારવાનું કાર્ય કર્યું છે. આ સર્વગ્રાહી પહેલનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષાના વર્ગો, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સાહિત્યિક કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભાષા શિક્ષણને સમૃદ્ધ બનાવવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યભરની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવાનું વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર કર્યું હતું. આ વિધેયકને રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી ટેકો મળ્યો હતો તે ગૌરવપૂર્ણ બાબત છે. વિધેયક મુજબ, રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ ૧ થી ધોરણ ૮ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવામાં આવશે. જે શાળા પાલન નહીં કરે તે શાળાઓને રૂ. ૫૦ હજારથી રૂ. ૨ લાખ સુધીનો દંડ ચૂકવવો પડશે. આ વિધેયક ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જેના થકી રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીને પોતાની માતૃભાષા-ગુજરાતી ભાષા શીખવાની તેમજ પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સાથે જોડાવાની પૂર્ણ તક મળી છે.રાજ્ય સરકારની ગુજરાતી ભાષાની જાળવણી અને સંવર્ધન ઉપરાંત તેનો વ્યાપ વધારવા અંગેની અડગ પ્રતિબદ્ધતા વિશ્વના વિવિધ દેશોમાં પણ ગુજરાતીઓ માટે ભવિષ્ય ઉજળું બનાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here