કેવી સ્ત્રીને માન-સન્માન માગવાં પડતાં હોય છે!

0
1556
રોહિત શાહ

આઠમી માર્ચે આખી દુનિયાએ વર્લ્ડ વીમેન્સ-ડે ઊજવ્યો. આ દિવસે મહિલાઓના મહત્ત્વને સમજાવતા અનેક કાર્યક્રમો યોજાયા અને અનેક વિચારો પણ અભિવ્યક્ત થયા. સ્ત્રીની વિવિધ સામાજિક ભૂમિકાઓનો ઉલ્લેખ કરીને તેનાં યશગાન ગાવામાં આવ્યાં. આ બધું જોઈને મનમાં સૌથી પહેલો સવાલ એ જાગ્યો કે સમાજમાં જેટલી ભૂમિકાઓ સ્ત્રી ભજવે છે અથવા નિભાવે છે એટલી જ ભૂમિકાઓ પુરુષ પણ નિભાવતો જ હોય છે તો પછી શા માટે માત્ર મહિલાઓની ભૂમિકાનું જ અભિવાદન કરવું જોઈએ?
કોઈ સ્ત્રી મા, બહેન, દીકરી કે જીવનસંગિની બનીને જે સેવાઓ આપે છે એવી જ સેવાઓ પુરુષ પણ પિતા, પુત્ર, ભાઈ અને લાઇફપાર્ટનર બનીને આપતો જ હોય છે ને! બન્નેની સેવાઓ અલગ-અલગ છે એ વાત સાચી, પણ એ કારણે કોઈની સેવા ચડિયાતી કે કોઈની સેવા ઊતરતી કેમ કહી શકાય?
સ્ત્રી જો સન્માન અને ગૌરવની અધિકારિણી છે, તો પુરુષ શું અપમાન અને ઉપેક્ષાનો અધિકારી છે? અહીં સ્ત્રી-સન્માન એટલે પુરુષનું અપમાન એવું અર્થઘટન ક્યાંય અભિપ્રેત નથી, પણ સ્ત્રી પોતાનું સન્માન માગે છે એ એવું બતાવે છે કે જાણે પુરુષો એનું અપમાન કરી રહ્યા છે. હકીકતમાં પુરુષોએ જ નારીને નારાયણી કહી છે, સ્ત્રીને દેવીનું સ્થાન આપ્યું છે. અહીં જો કોઈ એવી વાત કરે કે પુરુષો દ્વારા સ્ત્રીઓનું હંમેશાં શોષણ કે અપમાન જ થયું છે, તો સ્ત્રીઓ દ્વારા પણ પુરુષોનું ઓછું શોષણ થયું નથી. ઇતિહાસમાં એવાં અનેક ઉદાહરણો નોંધાયેલાં છે જ.
સ્ત્રી હોય કે પુરુષ, એ જ્યારે બીજા પાસે પોતાનું સન્માન માગે ત્યારે એમાં ગર્ભિત રીતે એવો આક્ષેપ છે કે સામેનો પક્ષ પોતાનું સન્માન સાચવતો નથી. સંસારમાં મોટા ભાગના પુરુષો દ્વારા સ્ત્રીઓને યોગ્ય સન્માન મળતું હોવા છતાં, અસંતુષ્ટ સ્ત્રીઓના એવા આક્ષેપની સામે વાંધો છે.
વળી સન્માન ક્યારેય કોઈના આપવાથી કે દાનમાં ન મળે, એ માટે ક્ષમતા અને પાત્રતા કેળવવી પડે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, સુનીતા વિલિયમ્સ હોય કે લતા મંગેશકર, પી. ટી. ઉષા હોય કે સાનિયા મિર્ઝા – એમણે કોઈ પાસે સન્માન માગ્યું નહોતું, જાતે મેળવ્યું હતું. પોતાનું સન્માન મેળવવાની એમની ક્ષમતા એમણે કેળવી હતી અને પુરવાર પણ કરી હતી.
આ તો થઈ ઇતિહાસમાં અમર થયેલી મહાન મહિલાઓની વાત, કિન્તુ ગૃહિણી તરીકે પણ અનેક સ્ત્રીઓને માત્ર સન્માન નહિ, આદર પણ મળતો આપણે સમાજમાં જોઈએ છીએ. એવી અનેક ગૃહિણીઓ છે કે જે બે દિવસ માટે પણ બહારગામ જાય ત્યારે પરિવારમાં સૌને સૂનું લાગે છે અને એની ઉપસ્થિતિમાં ઘર રળિયામણું બની જતું હોય છે. એનાં સાસુ-સસરા, અડોશપડોશના લોકો, મહેમાનો સુધ્ધાં એવી ગૃહિણીને ખૂબ સન્માનપૂર્વક ઇજ્જત પણ આપતાં હોય છે. ગૃહિણી પોતાનાં કર્તવ્યો નિષ્ઠાપૂર્વક નિભાવે ત્યારે જ આ પોસિબલ બને છે. પુરુષ પણ ત્યારે જ સન્માનનો કે આદરનો અધિકારી બને છે કે જ્યારે એના કર્તવ્યમાં એ નિષ્ઠાવાન હોય.
ઘણી વખત પૂછવામાં આવે છે કે સમાજમાં પુરુષપ્રધાનતા શા માટે? તો એનો જવાબ એ છે કે સામર્થ્ય હંમેશાં ઉપર જ રહેશે. ન્યાય એમ કહે છે કે સ્ત્રી હોય કે પુરુષ બન્ને સમાન છે, પણ નીતિ હંમેશાં એમ કહે છે કે ‘બળિયાના બે ભાગ!’ જંગલ હોય કે દંગલ, સંન્યાસ હોય કે સંસારઃ જેનામાં સામર્થ્ય હશે એ જ સત્તા ભોગવશે.
એક બીજી વાત, સ્ત્રીઓને જો એમ લાગતું હોય કે એમને અન્યાય થઈ રહ્યો છે તો એમાં વાંક કોનો છે તેનો તટસ્થ વિચાર કરવો પડે. પુરુષપ્રધાન સમાજનો એટલે કે માત્ર પુરુષોનો જ વાંક નથી, સ્ત્રીની ખરી દુશ્મન સ્ત્રી જ હોય છે. દુનિયામાં સ્ત્રીઓની સતામણી જેટલી પુરુષો દ્વારા નથી થઈ એટલી સ્ત્રીઓ દ્વારા જ થયેલી જોવા મળી છે ! સાસુ-વહુની જેટલી અથડામણ જોવા મળે છે એટલી સસરા-જમાઈની કે બાપ-દીકરાની જોવા નથી મળતી એ તમે જોયું હશે. દિયર-ભાભીનો રિલેશન તો મોટા ભાગે મીઠો હોય છે, પરંતુ નણંદ-ભાભીના રિલેશનમાં મોટે ભાગે કડવાશ અને ડંખ હોય છે. સ્ત્રીઓ નોકરી કરતી હોય એવા સ્થળે પણ તમે ખાસ માર્ક કરજો, સ્ત્રીની ઈર્ષા સ્ત્રી જ કરતી હોય છે! ઈર્ષાળુ અને કામચોર મહિલાઓ સાથી પુરુષનો સહારો લઈને પ્રતિસ્પર્ધી સ્ત્રીને પજવતી હોય છે. ઓફિસ હશે કે ઘર હશે, પોતાની ફરજો નિભાવવામાં આળસુ અને પોતાનાં કર્તવ્યો પ્રત્યે તદ્દન દુર્લક્ષ્ય સેવતી સ્ત્રીઓ જ સન્માનની ભીખ માગતી હોય છે. બાકી કર્તવ્યનિષ્ઠ સ્ત્રીઓને તો સન્માન આપોઆપ સામે ચાલીને મળી જ જતું હોય છે! એનું વ્યક્તિત્વ અને એની પ્રતિભા જ એવાં હશે કે સમગ્ર સમાજ એને સન્માન આપવા મજબૂર થઈ જશે!
હવે એક ગંભીર વાત પણ સાંભળો. એક પિતાને બે ત્રણ કે ચાર દીકરા હોય તો ભવિષ્યમાં તેઓ અલગ રહેવા જતા હોય છે, પરંતુ એ પુરુષ અલગ રહેવા માટે જાય છે ક્યારે? લગ્ન પછી જ પુરુષ અલગ રહેવા જતો હોય છે અથવા પોતાનાં પેરેન્ટ્સને ઘરડાઘરમાં મોકલતો હોય છે. એક પણ કુંવારો પુરુષ અલગ રહેવા ગયો હોય કે પોતાનાં પેરેન્ટ્સને ઘરડાઘરમાં મૂકી આવ્યો હોય એવું ક્યાંય જોયું છે તમે? લગ્ન પછી જ પારિવારિક અને સાંસારિક સમસ્યાઓ કેમ પેદા થતી હોય છે એનું કારણ વિચારવા જેવું છે.
બીજી એક મહત્ત્વની વાત. ઘણી વખત એવી પણ આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે કે સ્ત્રી પોતાનું પિયર છોડીને સાસરે આવે છે એમાં એનો ત્યાગ છે અને કોઈ પુરુષ એવો ત્યાગ કરવા સમર્થ નથી. આ વાત પણ મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગતી નથી. સ્ત્રી પિયર છોડીને આવે છે એ ખરું, પણ ત્યારે એનો પિયર સાથેનો સંબંધ ખતમ થઈ જતો નથી હોતો, ઊલટાનો વધારે ગાઢ થતો હોય છે. સ્ત્રીનાં માતા-પિતાને જમાઈરૂપે એક દીકરો રિટર્ન ગિફ્ટમાં મળતો હોય છે ! ઇમ્પોર્ટન્ટ અને ગંભીર મુદ્દો તો એ વિચારવાનો છે કે પરણેલા દીકરાને અલગ રહેવા જવાનું બને ત્યારે કે પોતાનાં મા-બાપને ઘરડાઘરમાં મોકલવાં પડે છે ત્યારે એનો ત્યાગ સ્ત્રીના પિયરત્યાગ કરતાં ઘણો વેદનાકારક અને દઝાડનારો હોય છે. એણે તો મજબૂર થઈને પેરેન્ટ સાથેનો સંબંધ તોડીને અને લાગણીઓ છિન્નભિન્ન કરીને વિખૂટાં પડવું પડે છે. પુરુષનાં માબાપે તો દીકરો અને વહુ બન્ને ખોવાં પડે છે, ત્યારે દીકરીનાં પેરેન્ટ્સને દીકરી ખોવી નથી પડતી, એને માત્ર વળાવવાની હોય છે. એની સામે એમને જમાઈરૂપી બોનસ પણ મળે છે
સ્ત્રી હોય કે પુરુષ, બન્ને પરસ્પરનાં પૂરક છે, બન્ને સન્માનના અધિકારી છે. કોઈ એકને સન્માન મળવું જોઈએ એવો આગ્રહ તદ્દન વાહિયાત છે.
વિદેશમાં સ્ત્રીને દેવીનું કે નારાયણી સ્વરૂપનું સ્થાન નથી અપાતું, ત્યાં માત્ર ભોગવવાની ચીજ તરીકે જ સ્ત્રીને જોવામાં આવે છે, એટલે ત્યાંની સંસ્કૃતિ માટે આવા દિવસોની ઉજવણી જરૂરી છે; પરંતુ આપણે ત્યાં આવા ઢોંગ કરવાની જરૂર નથી.
કુદરતે સ્ત્રીને શરીરથી કોમળ બનાવી છે અને પુરુષને શરીરથી ખડતલ બનાવ્યો છે, એની પાછળ પણ કુદરતનું કોઈ ચોક્કસ આયોજન હશે જ. એમાં પુરુષોનો તો કંઈ વાંક નથી ને? સ્ત્રી ગર્ભધારણ કરી શકે છે, પુરુષ નથી કરતો. આવી વ્યવસ્થા પણ પ્રકૃતિએ જ ગોઠવી છે, પુરુષોએ નહિ. સ્ત્રી અનિચ્છાએ (બળાત્કારનો ભોગ બને ત્યારે) પણ ગર્ભધારણ કરી શકે છે. એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે સમાજમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કે પુરુષ ખડતલ શરીર વડે બહારનાં કામ કરે – અને સ્ત્રીઓ બાળકને જન્મ આપવાથી લઈને સમગ્ર પરિવારની જવાબદારી સંભાળે. ઇન શોર્ટ, એક વ્યક્તિએ ઇન્કમ કરવી જરૂરી છે અને બીજી વ્યક્તિએ ફેમિલી સંભાળવી જરૂરી છે. આ બન્ને કામ બે વ્યક્તિ વચ્ચે વહેંચાઈ જાય તો સરળતા રહે. તેમાં ખોટું શું છે? બન્ને સાથે મળીને બન્ને કામ કરવા માગતાં હશે ત્યારે કેટલાક પ્રશ્નો ઊભા થવાની સંભાવના છે અને એનાં માઠાં પરિણામો અત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો જોઈ શકાય છે, પરંતુ હવે ધીમેધીમે આપણા દેશમાં પણ જોઈ શકાય છે.
અને છેલ્લે એક બહુ જ સાચી અને મોટી વાત એ પણ કરી દઉં કે ભારતમાં તો સ્ત્રીને દેવી અને નારાયણનું સ્થાન આપ્યું છે. એટલે કે પુરુષ કરતાં ઊંચો હોદ્દો આપ્યો છે. એણે પુરુષના સમોવડી બનીને શું નીચાં ઊતરવું છે? પોતાના પદની ગરિમા જાળવવાનું એને કેમ પસંદ નથી? સ્ત્રીએ પુરુષસમોવડી બનવાની જરૂર નથી અને પુરુષે સ્ત્રીસમોવડા થવાની જરૂર નથી. ભાયડા છાપ સ્ત્રી અને બાયલો પુરુષ કદી ન શોભે. હું તો માનું છું કે કુદરતે જે આયોજન કર્યું છે એ અનુસાર સ્ત્રી લજ્જાથી શોભે અને પુરુષ પરાક્રમ અને પુરુષાર્થથી શોભે !

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here