કોંગ્રેસમાં ગાંધીપરિવાર સામે અસંતોષ? સંદીપ દીક્ષિતનું સ્ફોટક નિવેદન

 

નવી દિલ્હીઃ હાલમાં યોજાયેલી દિલ્હીની ચૂંટણીમાં સાવ શરમજનક દેખાવ બાદ કોંગ્રેસના નેતાઓમાં ગાંધીપરિવાર સામે વિરોધના સૂર ઊઠવા લાગ્યા હોય એવું અનુભવાઈ રહ્યું છે. દિલ્હીમાં શિલા દીક્ષિતના પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે તો ખુલ્લેઆમ કોંગ્રેસ હાઇ કમાન્ડ એટલે કે ગાંધી પરિવારની નીતિઓ પર નિશાન સાધીને એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે ૨૫ મહિનાથી કોંગ્રેસને નવો અધ્યક્ષ નથી મળ્યો. આનું કારણ એ છે કે બધા એવું વિચારીને ડરી રહ્યા છે કે બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધે. કોંગ્રેસ પાસે નેતાઓની ખોટ નથી. આજે પણ ૬થી ૮ નેતા એવા છે જે કોંગ્રેસઅધ્યક્ષ બનવા લાયક છે પણ ક્યારેક ક્યારેક તમે નિષિ્ક્રયતા ઇચ્છો છો અને ઇચ્છો છો કે જે છે એ યથાવત્ રહે.

સંદીપના નિવેદનનું કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે ખુલ્લું સમર્થન પણ કર્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં નારાજગી ચરમસીમાએ છે અને દબાતા સૂરે પણ આ અવાજ બહાર આવી રહ્યો છે. સંદીપે કહ્યું છે કે તે દેશભરમાં બીજા નેતાઓ પણ વ્યક્તિગત રીતે કહી રહ્યા છે. હું કોંગ્રેસની ટોચની નેતાગીરીને ફરી આગ્રહ કરું છું કે કાર્યકરોમાં નવી ઊર્જા આવે એ માટે કોંગ્રેસઅધ્યક્ષની નિમણૂક કરે. આ પહેલાં તેમણે કહ્યું હતું કે આગામી કેટલાંક વર્ષોમાં નિવૃત્ત થનારા નેતાઓ પણ પાર્ટી માટે કશું કરી રહ્યા નથી. એમાંથી ઘણા રાજ્યસભામાં છે અને હવે તેમણે પાર્ટી માટે સામે આવીને આકરા નિર્ણય લેવા જોઈએ, જેમ કે અમરિન્દર સિંહ, અશોક ગેહલોત, કમલનાથ આ બધા એક મંચ પર કેમ નથી આવતા અને બીજાને કેમ સાથે નથી લાવતા. એ. કે. એન્ટની, ચિદમ્બરમ, સલમાન ખુર્શીદ, અહેમદ પટેલ તમામે કોંગ્રેસ માટે કામ કર્યું છે. હવે તેમની પાસે કદાચ પાંચેક વર્ષની કેરિયર બચી છે. મને લાગે છે કે તેમણે લીડરશિપ પસંદ કરવામાં યોગદાન આપવું જોઈએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર દિલ્હીમાં જ નહિ પણ રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસની ટોચની નેતાગીરી સામે અસંતોષ છે. રાજસ્થાનમાં સચિન પાયલોટ વર્સિસ ગેહલોત અને મધ્યપ્રદેશમાં કમલનાથ વર્સિસ જ્યોરાદિત્ય સિંધિયાનો વિખવાદ ઉગ્ર બની ચૂક્યો છે. સીએએ મામલે પણ ટોચની નેતાગીરીમાં મતભેદો છે એ અગાઉ સાબિત થઈ ચૂક્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here