કેદારકંઠ શિખર સાથે સાક્ષાત્કાર

0
939

(ગતાંકથી ચાલુ)
જ્યાં હતું માત્ર ખડકાળ પથ્થરોની વચ્ચે ગોઠવેલું સંહારના દેવ એવા ભગવાન શિવનું ત્રિશૂળ. પર્વતની ટોચ પર અડગ રહેલું ત્રિશૂળ, પૂરા બ્રહ્માંડ પર રહેલા ભગવાન શિવના આધિપત્યનો જાણે પુરાવો આપતું હતું.

વાદળો ઘેરાવા લાગ્યાં હોવાથી વધુ સમય ત્યાં પસાર કરી શકાય એમ નહોતો. ગાઇડે બ્રીફિંગ કર્યું કે અમને ઉપર ચઢતા જેટલો સમય લાગ્યો એનો ફક્ત 50 ટકા સમય અમને ઊતરતાં થશે, કારણ કે બરફ પર સરકીને ઊતરવાનું હતું. બરફમાં સ્લાઇડ કરવું થ્રિલિંગ તો હતું જ, પણ સાથે સાથે થોડું જોખમી પણ હતું. સ્લાઇડ કરતાં અને બરફમાં ચાલતાં અમે ખરેખર ઘણા જલદી બેઝ કેમ્પ પહોંચી ગયાં. બેઝ કેમ્પ પહોંચતાં જ કેમ્પ લીડરે અમારું સ્વાગત કર્યું. અહીંથી લંચ પતાવીને ટેન્ટ પણ ખાલી કરવાના હતા, કારણ કે અમારા પછીની ટ્રેકિંગ બેચ અહીં પહોંચી ગઈ હતી, અને અમારે આગળના કેમ્પે જવા માટે નીકળવાનું હતું. મને થોડી નબળાઈ લાગી રહી હતી, આથી મારી રકસક મેં પોર્ટર દ્વારા કેમ્પ સુધી મોકલાવી. હવે જે રસ્તાથી અમારે ઊતરવાનું હતું ત્યાં બરફ નહોતો, પણ બરફ ઓગળવાના લીધે કીચડ થઈ ગયેલો અને લપસણીઓ પણ. સાથે સાથે કોઈ કેડી પણ બનેલી નહોતી, ફક્ત ખરબચડો અને ખાડા-ટેકરાવાળો ઢોળાવ જ હતો. પડતાં-આખડતાં લગભગ અઢી કલાકના અંતે અમે અરગાંવ કેમ્પ પહોંચી ગયા. આ જગ્યાએ બરફ વધુ પીગળી રહ્યો હોવાથી સૌથી વધુ ઠંડી લગભગ-17-18 ડિગ્રી અમને અહીં લાગી. ગરમ ગરમ બટાકાવડા અને ચાએ અમારો થોડો ઘણો થાક ઉતારી દીધો. આજનો દિવસ અમારા માટે ખૂબ જ લાંબો હતો. ઘણા લોકો જમ્યા વગર જ ઊંઘી ગયા, હું પણ એમાંની જ એક હતી.

છઠ્ઠો દિવસ – અરગાંવથી સાંકરી બેઝ કેમ્પ 31.12.2015
આગલા દિવસનો થાક ઉતારી આજે બધા તાજગીભર્યા અને ખૂબ જ આનંદિત લાગી રહ્યા હતા અને કેમ ન હોય, કેમ્પ લીડરના કહેવા પ્રમાણે અત્યાર સુધીના શિખર પર ગયેલાં 12 ગ્રુપમાંથી ફક્ત અમારા ગ્રુપના 100 ટકા ટ્રેકર્સ શિખર સુધી સમયસર પહોંચી શક્યા હતા. બ્રેકફાસ્ટ પતાવી અમે સાંકરી બેઝ કેમ્પ જવા રવાના થયાં. ઉતરાણ, ચઢાણ જેટલું મુશ્કેલ નથી હોતુ. આથી અમને ઊતરતાં વધુ મુશ્કેલી ન પડી. બેઝ કેમ્પ પર આવીને સૌથી પહેલાં બધાં ગરમ પાણીથી નાહ્યાં. એક વાત તો કહેવાની રહી જ ગઈ. આ 3-4 દિવસ દરમિયાન અમે એક પણ વાર નાહ્યાં નહોતાં એનાં બે કારણ હતાં. પહેલું તીવ્ર ઠંડીમાં હાથમોજાં કાઢવા જ્યાં શક્ય નહોતાં ત્યાં નહાવાની વાત તો દૂર જ રહી અને બીજું કારણ બાથરૂમની અનુપલબ્ધિ. હા, સુલભ શૌચાલય ઉપલબ્ધ ખરાં, પણ થોડા હટકે, વિગતવાર જણાવું તો જ્યાં કેમ્પ લગાવેલો હોય ત્યાંથી થોડે દૂર એક ઊંડો ખાડો ખોદેલો હોય અને તેની બરાબર વચ્ચે બન્ને છેડે સમાંતર બે લાકડાં મૂકેલાં હોય, પ્રતિકૃતિને અંગત બનાવવા માટે તેને ત્રણ બાજુએથી પેક અને એક બાજુએથી ચેઇનથી ખૂલી શકે એવો કપડાનો બનાવેલો એક વ્યક્તિની કેપેસિટીવાળો ટેન્ટ. તમારે તમારાં શસ્ત્રસરંજામ, જેમ કે પાણી, ટોઇલેટ પેપર, ટોઇલેટ સોપ વગેરે લઈને જવાનું, ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધાની અપેક્ષા રાખવી નહિ. જો તમારો કાર્યક્રમ ચાલુ હોય અને જોરદાર પવનના લીધે ટેન્ટ ઉડી જાય તો તમારાં નસીબ. લંચ પછી અમે છેલ્લી વાર બ્રીફિંગ માટે એકઠાં થયાં, કેમ્પ ઇન્સ્ટ્રક્ટરે અમારી સફળતાને બિરદાવી. ગ્રુપમાંના ઘણા લોકો નીકળવાની તૈયારીમાં હતા. એ દિવસે 31મી ડિસેમ્બર હતી અને યુથ હોસ્ટેલ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા

(વાયએસએઆઇ)ના આયોજકોએ ઘણી મહેનત અને લગનથી ખાસ ટ્રેકર્સ માટે ન્યુ યર પાર્ટીનું આયોજન કરેલું આથી કેમ્પ ઇન્સ્ટ્રક્ટરે અમને અરજ કરી કે અમે પણ ન્યુ યર પાર્ટી સેલિબ્રેટ કરીને બીજા દિવસે સવારે નીકળીએ. અમારા ગ્રુપ પાસે પૂરતો સમય હતો આથી અમે એમની ઇચ્છાને સહર્ષ વધાવી લીધી, પણ ખરેખર તો પાર્ટીના નામથી જ બધા લાલચુ થઈ ગયેલા. સતત પાંચ દિવસથી સમય, આજ્ઞા, નીતિ-નિયમો અને વ્હીસલના અવાજ સાથે ઊગતી અમારી સવાર અને ઢળતી સાંજ આ બધાંથી ટેવાઈ ગયેલું અમારું મગજ અને શરીર હજી અમને મળેલી હળવાશ સ્વીકારી શક્યું નહોતું. આ જ કારણ છે કે આપણા મિલિટરીના જવાનો રિટાર્યડ થયા પછી પણ આટલા શિસ્તબદ્ધ હોય છે. આ સેલિબ્રેશન માટે ખાસ બનાવવામાં આવેલા અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એટલાં સ્વાદિષ્ટ અને ભાત-ભાતનાં વ્યંજનો પર અમે લગભગ પર તૂટી જ પડ્યાં, જાણે વર્ષોથી ભૂખ્યાં હોઈએ. બીજા દિવસે જવાવાળા ગ્રુપે કેમ્પ ફાયર કાર્યક્રમ રજૂ કર્યો અને અમને ટ્રેકિંગ સફળતાપૂર્વક પાર પાડવા બદલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં, અને આખરે અમે ડાન્સ પાર્ટી માટે તૈયાર હતાં. આ રાત્રે અમને બૂમો પાડવાની છૂટ હતી, મોડા સુધી જાગવાની પણ છૂટ હતી, ટૂંકમાં આજે બાંધ્યો ઘોડો છુટ્ટો હતો. લાઉડ મ્યુઝિક, થનગનતા પગ અને ચિચિયારીઓ વચ્ચે ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે 12 વાગવા આવ્યા. 12 વાગ્યા પહેલાં જ મ્યુઝિક બંધ કરી દેવામાં આવ્યું. અમને બધાને અચરજ થયું, ત્યાં જ અમારા કેમ્પ લીડરે અનાઉન્સ કર્યું કે આજે બધાં ન્યુ યરની સાથે-સાથે કોઈનો બર્થડે પણ સેલિબ્રેટ કરાશે. અચાનક લાઇમલાઇટમાં આવવું કોને કહેવાય કે પબ્લિક એંગ્ઝાયટી કેવી હોઈ શકે એ હું અનુભવી રહી હતી, કારણ કે અહીં મારા જ બર્થડેની એનાઉન્સમેન્ટ થઈ રહી હતી. મારા હસબન્ડના લીધે મારા સિવાય બેઝ કેમ્પમાં લગભગ દરેકને આ સરપ્રાઇઝ બર્થડે સેલિબ્રેશનની જાણ હતી. મારા જીવનનો સૌથી યાદગાર બર્થડે મેં સાંકરીમાં ઊજવેલો. અને જીવનભર યાદ રહી જાય એવી હટકે કેક પણ કટ કરી, કારણ કે મને જાણવા મળેલુ કે મારા હસબન્ડના અથાગ પ્રયત્નો પછી પણ સાંકરીમાં કેક જેવી વસ્તુ મળી શકી નહોતી, આથી એમણે મસ્કાબનને કેકનું સ્વરૂપ આપી એમણે મારા બર્થડે સેલિબ્રેશનને વધુ સ્પેશિયલ બનાવી દીધું. બર્થ ડેની ઘણી બધી શુભેચ્છાઓ મેળવી અને 2016નું વેલકમ કર્યું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી. મ્યુઝિક અને ડાન્સે અમારો બધો થાક થોડા સમય માટે તો ભુલાવી જ દીધેલો, પણ અમારી સફર હજી બાકી હતી અને અમારે વહેલી સવારે દહેરાદૂન જવા નીકળવાનું હતું. આથી અમે બધો સામાન પેક કરી ઊંઘવાની તૈયારીમાં લાગી ગયા.

1.1.2016
અમે બપોર થતાં દહેરાદૂન પહોંચ્યા અને એ દિવસ લોકલ સાઇટ સીઇંગ માટે ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. અમે ધર્મશાળામાં રોકાયાં. અહીં ધર્મશાળાનો ઉલ્લેખ એટલા માટે કર્યો, કારણ કે અમારો મતલબ ફક્ત રાત રોકાવાનો અને નહાવા-ધોવાનો જ હતો, કારણ કે બાકીનો સમય અમે ફરવામાં જ વિતાવવાનાં હતાં. અને મેં જેમ આગળ કહ્યું એમ અમે ટુરિસ્ટ નહિ, ટ્રાવેલર હતા અને ટ્રાવેલર માટે જરૂરી છે કે જ્યાં થઈ શકે ત્યાં કરકસર કરીને કામ ચલાવવું. અને આમ પણ અમે એડવેન્ચર ટ્રિપ પર હતા, નહિ કે લક્ઝ્યુરિયસ હોલિડે પર.

2.1.2016
આગલો દિવસ આરામ કરી અમે વહેલી સવારે ફરી તૈયાર થઈ ગયાં, બીજા એડવેન્ચર માટે, જે હતું વાઇટ વોટર રાફ્્ટિંગ કે રિવર રાફ્્ટિંગ, જે હૃષીકેશમાં થતું હતું. પહાડો અને ખડકાળ પ્રદેશમાંથી પસાર થતી નદી રસ્તામાં આવતા ઢોળાવ, પથ્થરો અને ખડકો પર વેગથી અથડાવાથી ખૂબ જ તોફાની અને વેગીલી બને છે. આ નદીના પ્રવાહમા 6-8 વ્યક્તિની ક્ષમતાવાળી રબરની હવા ભરેલી બોટ જેને રાફ્્ટ (તરાપો) કહેવાય છે એમાં બેસીને ખૂબ જ સ્ફૂર્તિથી હલેસાં મારીને વચ્ચે આવતાં રેપિડ પાર કરવાના, અહીં નદીની લહેરો ખૂબ જ મોટી અને ઊંચી-નીચી થઈ જાય છે, જો સ્ફૂર્તિથી હલેસાં ન મારીએ તો બોટ ઊંધી પણ થઈ શકે છે અને આપણે પાણીમાં તણાઈ શકીએ. રેપિડ 6 પ્રકારના હોય છે. ઇઝીથી એક્સટ્રીમ ડિફિકલ્ટ અને એ પ્રોફેશનલ ટ્રેઇન્ડ ગાઇડના માર્ગદર્શન હેઠળ જ પાર કરવાના હોય છે. હૃષીકેશમાં રિવર રાફ્્ટિંગ બુકિંગ ઓફિસથી અમને રાફ્્ટિંગના સ્ટાર્ટિંગ પોઇન્ટ સુધી વાહનમાં લઈ જવામાં આવ્યાં, જેનું અંતર લગભગ 18-20 કિલોમીટર હતું. સલામતી અને સુરક્ષા માટે અમને ફોમ-વેસ્ટ અને સેફ્ટી હેલ્મેટ પહેરાવવામા આવ્યા. દસ મિનિટના બ્રીફિંગ, ગાઇડન્સ અને ઇન્સ્ટ્રક્શન્સ પછી અમે રાફ્્ટિંગ ચાલુ કર્યું. એકબીજાને પાણીની છોળો ઉડાડતાં અમે આગળ વધ્યાં. રેપિડમાં પ્રવેશ કરતાં જ હૃદયના ધબકારા વધી ગયા અને એને નજર સામે જોતાં જ લાગ્યું, હવે આ વમળમાંથી નીકળવું શક્ય જ નથી. થોડી ક્ષણો માટે શાંત વહેતી ગંગાએ જાણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અમારી બોટ પણ કાગળની હોડીની જેમ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહી હતી. ગંગાની લહેરો એટલી મોટી હતી કે હલેસાં મારવા છતાં એ આખી બોટને સમાવી લેતી હતીસ પણ જેવા લહેરમાંથી બહાર નીકળીએ એટલે એવું લાગે કે નવું જીવન મળી ગયું. ક્ષણવાર માટે પાણીના આ રૌદ્ર સ્વરૂપે અમને કુદરતની પ્રચંડ તાકત સામે મનુષ્યની ક્ષમતા સમજાવી દીધી હતી. રેપિડમાંથી બહાર નીકળતાં જ અમે રાહતનો શ્વાસ લીધો, પણ હજી તો અમે એક જ રેપિડ પાર કર્યું હતું, આગળ ઘણા બાકી હતા અને અમારે આ રીતે 18કિલોમીટરનું સાહસ ખેડવાનું હતું. જેમ જેમ આગળ વધતા ગયા એમ એમ નાના-મોટા રેપિડ આવતા ગયા અને સમય જતાં અમારો આત્મવિશ્વાસ પણ પાછો આવતો ગયો અને એના લીધે અમે રિવર રાફ્્ટિંગ એડવેન્ચરનો આનંદ માણી શક્યાં. હૃષીકેશમાં લોકલ સાઇટ સીઇંગ કર્યું અને હરિદ્વારની સાયં આરતીનો લાભ લઈ અમે દહેરાદૂન પાછાં ફર્યાં. દહેરાદૂનથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદનું રિર્ટન ટ્રેન બુકિંગ અમે કરાવેલું જ હતું.

અમે અમદાવાદ પહોંચી છૂટાં પડ્યાં એ પ્રોમિસ સાથે કે બીજી ટ્રિપ આના કરતાં પણ યાદગાર કરીશું. ત્યાં સુધી વાગોળવા માટે અમે ઘણી બધી યાદો, પછી એ ખુશીની હોય કે મુશ્કેલીની, હસવાની હોય કે રડવાની, અમારી દરેક સિદ્ધિ, દરેક સારી-નરસી પળો ભેગી કરી લીધી હતી, અમારા કેમેરામાં, ફેસબુકમાં, વોટ્સએપમાં, અમારી વાતોમાં અને સૌથી મહત્ત્વનું અમારા સંસ્મરણોમાં કે જે કદાચ કેમેરા, ફેસબુક કે વોટ્સ-એપમાંથી દૂર થઈ શકે, પણ અમારાં સંસ્મરણો હવે જીવન પર્યંત અમારી સાથે રહેવાનાં હતાં. (સમાપ્ત)
(સૌજન્ય ‘કુમાર’ સામયિક)

લેખિકા પ્રવાસશોખીન છે અને સાહિત્યપ્રેમી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here