ગંભીરતા વગરનું જીવન એટલે આત્મા વગરનો દેહ!

0
1093

જીવન એક ગંભીર ઘટના છે. એની ઠેકડી ન ઉડાવો. ગંભીરતા વગરનું માનવજીવન આત્મા વગરના દેહ જેવું છે. જે જીવનમાં ગંભીરતા નથી, એ જીવન જ નથી.
જીવન એ કંઈ હા… હા… હી… હી… નથી.
ઉપરના જેવાં સેંકડો વાક્યો મેં સાંભળ્યા છે. તમે પણ સાંભળ્યાં હશે. હું આખો દિવસ ટુચકા કહ્યા કરું છું ને હા… હા… હી… હી… કર્યાં કરું છું એ જાણી અમારા એક વડીલે એક વર્ષ સુધી મને રિમાન્ડ પર લીધેલો. દરરોજ અર્ધો-પોણો કલાક તેઓ મને ગંભીર થવા સમજાવવામાં ગાળતા. એમનાં સઘળાં વચનો મને મોઢે થઈ ગયાં છે. એક વાર મારા કેટલાક મિત્રો સમક્ષ એમની મિમિક્રી કરી, મિત્રોને હસાવતો હતો અને તેઓ આવી ચડ્યા. આ કેસ નહિ સુધરે એવું મારા પિતાજીને કહીને, એમણે અમારે ઘેર આવવાનુંય ઓછું કરી નાખ્યું; પરંતુ, ગાંધીજીએ સત્યના પ્રયોગો કર્યા હતા એનાથીયે વધુ ગંભીરતાથી વડીલે મારી પાસે ગાંભીર્યના પ્રયોગો કરાવ્યા હતા એ હું હજુ ભૂલ્યો નથી.

મારો ચહેરો કુદરતી રીતે જ દયામણો અને ગરીબડો લાગે છે. એટલે હું ખૂબ ગંભીર છું એવી ગેરસમજ પણ પ્રવર્તે છે. આમાં કશું નુકસાન ન હોવાથી મેં આ ગેર-સમજ ચાલવાય દીધી છે, પરંતુ હું હાસ્યલેખક છું એવી અફવા જેમ જેમ પ્રસરવા માંડી તેમ તેમ વળી મારી ગણતરી હા… હા… હી… હી… કરવા-કરાવવાવાળામાં થવા માંડી. હું ગંભીર ગણાઉં કે ન ગણાઉ એ અંગે મારાં ઓળખીતાંઓમાં તીવ્ર મતભેદ પ્રવર્તે છે. હું પોતે પણ હવે આ અંગે કશું ખાતરીપૂર્વક કહેવાની સ્થિતિમાં નથી. અલબત્ત, સ્મશાનમાં કે શોકસભામાં હું ક્યારેય જોક કહેતો નથી, પરંતુ શોકસભામાં કોઈ વક્તાને હદ બહારનો શોક પ્રગટ કરતાં જોઉં છું ત્યારે હસવાનું રોકતાં મને ઠીક-ઠીક મુશ્કેલી પડે છે.

એક વાર એક શોકસભામાંથી મારે સીધું એક લગ્નના રિસેપ્શનમાં જવાનું થયું. શોકસભાના એક વક્તાને ત્યાં જોઈ મને નવાઈ લાગી શોકસભામાંથી તેઓ ત્યાં આવ્યા એટલે નહીં, એ તો મેંય એમ જ કર્યું હતું ને! પણ શોકસભામાં એમના વક્તવ્ય વખતે પહેલાં એ ગળગળા થઈ ગયા હતા પછી રીતસર ડૂસકાં સ્ટાર્ટ થયાં હતાં ને પછી તો એમના ગળે એવો ડૂમો ભરાયો કે આગળ બોલી જ નહોતા શક્યા. સ્ટેજની બન્ને બાજુથી બબ્બે જણ પાણીના ગ્લાસ ભરી દોડી આવ્યા હતા. આ

વક્તામહાશયને મુક્ત હાસ્ય કરતાં-કરતાં મિષ્ટાન્ન આરોગતાં જોઈ મને શોકસભામાં નહોતો લાગ્યો એટલો શોક લાગ્યો હતો.
કેટલાક એમ માને છે કે જીવન એક ગંભીર ઘટના છે. આ સત્યનું વિસ્મરણ ન થાય એ માટે સતત ગંભીરતાની સાધના કરવી જોઈએ એમ તેઓ માને છે. એક વાર એક શોકસભામાં મારી પાસે બેઠેલા સજ્જને મને પૂછ્યું, જેની શોકસભા છે એ શું હતા? કોણ મૃત્યુ પામ્યું છે તેની પણ ખબર ન હોવા છતાં શોકસભામાં આવવાનો સમય કાઢનાર આ સંવેદનશીલ સજ્જન માટે મને ખરેખર માનની લાગણી થઈ. મેં કહ્યું, એ આપણી ભાષાના મોટા લેખક હતા.

એમ કે! એમ કહી પાછા એ ગંભીરતાપૂર્વક પ્રવચન સાંભળવામાં મશગૂલ થઈ ગયા. મને આ સજ્જનમાં રસ પડ્યો. શોકસભા પૂરી થયા પછી મેં એમને પૂછ્યું, તમે આપણા આ લેખક વિશે ખરેખર કશું જાણતા નહોતા?
જરાય નહિ. એમનું નામ પણ મેં ક્યારેય સાંભળ્યું નહોતું. સ્વર્ગસ્થ આટલા મોટા લેખક હતા એની પણ મને અહીં જ ખબર પડી.

સ્વર્ગસ્થ આટલા મોટા લેખક હતા એવી ખબર તો તમારી જેમ ઘણાને આજે જ પડી હશે; મને પણ આજે જ ખબર પડી. એમને લેખક જ ન ગણનારા વિદ્વાનોએ આજે એમને મોટા લેખક તરીકે અંજલિ આપી; પરંતુ, તમે તો એમનું નામ સુધ્ધાં સાંભળ્યું નહોતું અને છતાં આપ એમની શોકસભામાં આવ્યા તેથી, સાચું કહું છું, મને થોડી નવાઈ લાગી છે.

આમ આવો, સમજાવું! કહી તેઓ મને બાજુમાં આવેલી ચાની લારી પર લઈ ગયા અને બોલ્યા, જુઓ, હું માનું છું કે જીવન એ પ્રભુની મહામૂલી બક્ષિસ છે. મૃત્યુ આપણને આ સત્યની ઝાંખી કરાવે છે. એટલે આપણે જીવન કરતાં મૃત્યુનો વિચાર વધારે કરીએ તો જીવનમાં ગંભીરતા આવે. તેથી હું દરરોજ સવારે છાપામાં બેસણાંની જાહેરાત વાંચું છું. કોઈ એક બેસણામાં ગયા વગર જમવું નહિ એવું મેં વ્રત લીધું છે. પહેલાં તો ગમે તેટલા દૂરના વિસ્તારમાં બેસણું હોય તોય જતો. નજીક-નજીકમાં બે બેસણાં હોય તો બેયમાં જાઉં. હવે રિક્ષાનાં ભાડાં બહુ વધી ગયાં છે એટલે દૂરના વિસ્તારોમાં નથી જઈ શકતો, પણ અમદાવાદમાં તમે કહો ત્યાં હું તમને લઈ જાઉં. આપણા કોઈ મેયર કે મ્યુનિસિપલ કમિશનરે નહીં જોયા હોય એટલા વિસ્તારો મેં બેસણાંઓને કારણે જોયા છે. પણ મરનારને ઓળખતા ન હો, મરનારનાં સગાંઓને ઓળખતા ન હો તો પણ બેસણામાં જાઓ?

હા, હા! એમાં શું વાંધો? બેસણામાં ક્યાં કોઈ પૂછે છે કે તમે કોણ છો? હવે માત્ર અવસાનનોંધ આપી હોય એવા બેસણામાં નથી જતો. એક વાર અવસાનનોંધવાળું બેસણું નજીકમાં હતું એટલે ગયો, પણ ત્યાં તો બે-ત્રણ જણ જ બેઠા હતા એટલે પાછો વળી ગયો. ફરી ઘેર આવી જાહેરાતવાળા બેસણામાં ગયો, કારણ કે ન જાઉં તો તે દિવસે ઉપવાસ કરવો પડે. મેં જોયું છે કે જાહેરાતવાળા બેસણામાં હંમેશાં ઝાઝાં માણસો બેઠેલાં હોય છે. બેસણામાં પાંચ મિનિટ બેસવાનું, મૃત્યુનું ચિંતન કરવાનું, જેથી દિવસ આખો ગંભીરતા જળવાઈ રહે. કોઈ દિવસ શોકસભાની નોંધ કે જાહેરાત વાંચું તો સવારે બેસણામાં ને સાંજે શોકસભામાં પણ જાઉં. એમની લાંબી સ્પષ્ટતાથી હું સાવ અવાક્ થઈ ગયો. આવા પણ માણસો હોય છે આ જગતમાં!
સાવ આવા નહિ, પણ લગભગ આવા મારા એક ઓળખીતા છે. એમની પોતાની તબિયત ઘણી સારી રહે છે, પણ એમણે મૃત્યુનું ચિંતન એટલું બધું કર્યું છે કે કોઈ જરા સરખું માદું પડે તો એમને એ વ્યક્તિના મૃત્યુના જ વિચાર આવ્યા કરે. એમનાં પત્ની જ્યારે માંદાં પડે ત્યારે એ બધાં ઓળખીતાંને કહે છે, તમારાં બહેન હવે ઝાઝા દિવસ કાઢે એવું નથી લાગતું. એમની ગંભીરતા જોઈ હું આટલાં વર્ષમાં દસેક વાર એમનાં પત્નીની ખબર પૂછવા જઈ આવ્યો છું. એ પોતે કોઈની ખબર કાઢવા જાય તો દર્દીને અને દર્દીનાં સગાંઓને દર્દીના મૃત્યુ માટે માનસિક રીતે લગભગ તૈયાર કરી દેઃ

ડેન્ગ્યુ છે? ભાઈ, જરા ગંભીરતાથી લેજો હો! સાદા મલેરિયાની વાત જુદી છે, પણ ડેન્ગ્યુમાંથી તો ભાગ્યશાળી જ ઊભા થાય. મારી ઓફિસના એક ભાઈ બેદરકાર રહ્યા ને બે દિવસમાં ઊપડી ગયા, શું?

છાતીમાં દુખાવો રહેતો હોય તો હળવાશથી નહિ લેવાનું! હાર્ટને તો ફુગ્ગાની જેમ ફૂટી જતાં વાર ન લાગે. તમે વહેલી તકે નિદાન કરાવો. હાડકામાં ક્રેક છે, ફ્રેક્ચર નથી એટલા ભાગ્યશાળી; પણ બેદરકાર ન રહેશો. મારા એક ઓળખીતા બેદરકાર રહ્યા, પૂરો આરામ ન લીધો, એમાં ડાયાબિટીસ નીકળ્યો ને ગગરિન થઈ ગયું તે પગ કપાવવો પડ્યો, શું?

આમના આવા ગંભીર અભિગમને કારણે હવે એમનાં ઓળખીતાં એમને કોઈની માંદગીની ખબર ન પડે એની બહુ કાળજી લે છે, છતાં એમને ખબર પડે અને એ આવે તો એમના ગયા પછી એમણે માંદા માણસના મન પર રેકોર્ડ કરેલું ભૂંસવામાં બધાંને બહુ મહેનત પડે છે. એમના કેટલાંક ઓળખીતાંએ હાસ્યની ડીવીડીઓ વસાવી લીધી છે. એ ખબર કાઢીને જાય પછી

એકાદ-બે ડીવીડી વગાડી માંદા સ્વજનનું મન પ્રફુલ્લિત કરે છે.
સારઃ ગંભીરતાપૂર્વક હસમુખા (સિરિયસ હ્યુમર્સ) બનો, પરંતુ બીજા તમારા પર હસે એવા ગંભીર (હ્યુમર્સલી સિરિયસ) ન બનો.

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here