આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું સાપુતારા આદિવાસી સંગ્રહાલય

0
2070

સંગ્રહાલય સામાન્ય પ્રજાજનો અને અભ્યાસુઓ માટે એક શૈક્ષણિક સંસ્થાની ગરજ સારે છે. સંગ્રહાલયમાં સંગ્રહિત મૂળ વસ્તુઓ વડે જ્ઞાન સાધના થતી હોવાથી તે વિદ્યાનું સ્થાન છે, જે તેના માટે વપરાતા મ્યુઝિયમ શબ્દથી સ્પષ્ટ થાય છે. શાળાઓ, કોલેજો કે અન્ય સંશોધન કેન્દ્રોમાં ચાલતા અભ્યાસક્રમોમાં દર્શાવાતા વિચારો તથા જ્ઞાનનો સંગ્રહાલયો પ્રત્યક્ષ પરિચય આપે છે, જે અભ્યાસુઓની તુલના કરવાની શક્તિ, કલ્પનાશક્તિ અને સંશોધનક્ષમતા વધારે છે.
ગુજરાત રાજ્ય, સંગ્રહાલયની સંખ્યાની દષ્ટિએ ભારતમાં ત્રીજો ક્રમ ધરાવે છે. જોકે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હજી સંગ્રહાલયો નથી. ગુજરાતમાં વિવિધ વસ્તુઓ, વિષયો કે વ્યક્તિવિશેષ સંગ્રહાલયો આવેલાં છે. માનવશાસ્ત્ર અને આદિવાસી સંગ્રહાલયોમાં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં, છોટાઉદેપુર, ભૂજમાં ભારતીય સાંસ્કૃતિક દર્શન (કચ્છ), સાપુતારા તેમ જ રાજકોટમાં સૌરાષ્ટ્રની લોકકલા અને સંસ્કૃતિનું સંપદા સંગ્રહાલય છે.
સમગ્ર ગુજરાતની પૂર્વ પટ્ટીના ડુંગરાળ અને મોટા ભાગે વનસ્પતિ જંગલોના વિસ્તારમાં આદિવાસી પ્રજાનો વસવાટ મુખ્ય છે. આ આદિવાસી જાતિઓના વૈવિધ્યસભર સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ, કલા-કૌશલ્ય, આભૂષણો, વિભિન્ન જીવનચર્યાઓ અને ચીજવસ્તુઓને પ્રદર્શિત કરતાં અનેક સંગ્રહાલયો દેશભરમાં વિકસ્યાં છે. આ લુપ્ત થતી સંસ્કૃતિ કદાચ હવે પછીનાં વર્ષોમાં આદિવાસી સમાજમાં જોવા ન પણ મળે, કારણ કે શહેરી સંસ્કૃતિ, વિકાસ અને આધુનિકતાનો રંગ ત્યાં પણ આવવા લાગ્યો છે. આ સંસ્કૃતિને કાયમી સાચવી રાખતાં સંગ્રહાલયો ગુજરાતમાં ઉપર જણાવેલાં પાંચ સ્થળોએ છે. અન્ય કેટલાંક સંગ્રહાલયમાં પણ એક અલાયદા વિભાગ તરીકે આદિવાસી સંસ્કૃતિનું દર્શન કરાવાય છે. આવા એક સંગ્રહાલયમાં સાપુતારા સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આદિવાસી પ્રજાનાં ડુંગરાળ જંગલોના પ્રદેશ ડાંગમાં આ સંગ્રહાલય ઊભું કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે પ્રવાસીઓ સંગ્રહાલયમાં ઓછા જતા હોય છે, એમાં પણ બાળકોને સંગ્રહાલનું ખાસ આકર્ષણ હોતું નથી, પરંતુ સાપુતારા આદિવાસી સંગ્રહાલયની વાત તદ્દન જુદી છે. સાપુતારા પોતે એક નાનું પ્રવાસી સ્થળ છે. તેમાં પણ તેનું મુખ્ય બજાર ઘણું નાનું. આવા મુખ્ય બજારને અડીને આ સંગ્રહાલય આવેલું છે અને આથી જ અહીં આવતા દરેક પ્રવાસીની એ નજરમાં આવે છે તથા દરેક પ્રવાસી આ સંગ્રહાલયની મુલાકાત લે છે. આવો, આજે આપણે પણ સાપુતારાની સફરે જઈને આ સંગ્રહાલયને શબ્દથી નિહાળીએ.


સ્થાપનાઃ સંગ્રહાલયની સ્થાપના 1970માં કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારામાં સ્થાપિત આ સંગ્રહાલય ડાંગ જિલ્લાના મુખ્ય રહેવાસી આદિવાસીઓની સમગ્ર જીવનશૈલી, પોશાક, ઘરેણાં, તહેવારો, ઓજારો, હથિયારોનો ખ્યાલ આપે છે. ડાંગ જિલ્લાનાં 300 ગામમાં વસતા ભીલ, કસબી, દુબળા, વાર્લી, ગામિત આદિવાસીઓની સંસ્કૃતિની ઝાખી કરાવે છે.
સંગ્રહઃ આ સંગ્રહાલયના ચાર મુખ્ય વિભાગો છે. તેમાં આદિવાસીઓનાં સંગીતવાદ્યો, પોશાકો, આભૂષણો તેમ જ પ્રાગૈતિહાસિક યુગનાં ઓજારો મુખ્ય છે. ડાંગ જિલ્લામાં મુખ્યત્વેે વાંસનાં જંગલો આવેલાં છે. એટલે કે વાંસ આદિવાસીની તમામ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. વાંસમાંથી બનેલા નમૂનાઓ પણ અહીં પ્રદર્શિત છે. આદિવાસીઓનાં કપડાં, વાસણો, પરંપરાગત વસ્તુઓ, ઘરનાં ઉપયોગી સાધનો, સંગીત વાદ્યો, ગાડાં, આભૂષણો વગેરે મુખ્ય છે. આ ઉપરાંત આદિવાસીનાં દોરાતાં ચિત્રો, ટેટૂ, પથ્થરોનાં સુશોભનો, લાકડા (થડ)નું નકશીકામ, માટીનાં વાસણો, માટીનાં સુશોભનો, રમકડાંનો સંગ્રહ પણ છે.
પ્રવાસન સ્થળે વિકસિત આ સંગ્રહાલય અહીં આવતાં દરેક પ્રવાસીઓ, બાળકોને આકર્ષિત કરે છે.
સંપર્કઃ સાપુતારા સંગ્રહાલય, મુ. સાપુતારા જિલ્લોઃ ડાંગ.
જિલ્લોઃ 026317 – 37235
સમયઃ 10થી 5 બુધવાર અને જાહેર રજાઓેએ બંધ.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here