અમદાવાદમાં વર્લ્ડ જૈન કોન્ફડરેશન દ્વારા ત્રીજી ઈન્ટરનેશનલ જૈન કોન્ફરન્સનું આયોજન

અમદાવાદઃ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં વર્લ્ડ જૈન કોન્ફડરેશન (મુંબઈ), જૈના (યુ.એસ.એ.) અને શ્રુતરત્નાકર (અમદાવાદ)ના સંયુક્ત ઉપક્રમે ત્રીજી ઈન્ટરનેશનલ જૈન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય વિષય પર્યાવરણ ચેતના અને જૈનદષ્ટિ રાખવામાં આવ્યો છે.
આજના જગતની સહુથી મોટી સમસ્યા પર્યાવરણ અને પ્રદૂષણ છે. માનવજાતે પર્યાવરણના તત્ત્વોનું સતત દોહન કર્યું છે અને અત્યારે પણ કરી રહી છે. તેના કારણે જમીનનું તાપમાન વધી રહ્યું છે. પાણી વધુને વધુ પ્રદૂષિત થઈ રહ્યું છે. વાયુમાં છોડવામાં આવતા ઝેરી ગેસના કારણે મોટા શહેરોનું વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે જેના કારણે શહેરોમાં જાતજાતના જીવલેણ રોગોની વૃદ્ધિ થઈ રહી છે. જંગલોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. તેથી વરસાદ આદિની સ્થિતિ અનિયમિત થઈ ગઈ છે. નદીઓ સુકાઈ રહી છે. અનેક જીવોની પ્રજાતિઓ નષ્ટ થઈ રહી છે. આવી પરિસ્થિતિને કારણે માનવજાત વિનાશને આરે આવીને ઉભી રહી છે. જો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિની રક્ષા કરવામાં નહીં આવે તો અકલ્પનીય વિકટ પરિણામો ભોગવવા પડશે. આવી અનેકવિધ સમસ્યાઓનો ઉકેલ જૈનધર્મમાં સદીઓ પૂર્વે આપવામાં આવ્યો છે. ગૃહસ્થોની જીવનશૈલી તથા કયા પ્રકારના વ્યવસાયો કરવા જેથી જીવોનો ઓછામાં ઓછો વિનાશ થાય. જૈન જીવનશૈલી, વ્યાપાર કુશળતા, સાધુચર્યા અને સામાજિક વ્યવસ્થા જે સમગ્ર જીવો માટે કલ્યાણકારી છે. તેની ચર્ચા આ કોન્ફરન્સમાં કરવામાં આવશે. ભારતના શ્રેષ્ઠ પર્યાવરણવિદ્ પ્રકાંડ જૈન વિદ્વાનો અને વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકો આ કોન્ફરન્સમાં પોતાના શોધનિબંધો પ્રસ્તુત કરશે.
વિશ્વવિખ્યાત સંગીતકાર કુમારચેટર્જીની સંગીત સંધ્યા: મૂળે બંગાળી પણ આચરણ અને કર્મે જૈન એવા કુમારભાઈ આ કોન્ફરન્સના પ્રથમ દિવસે સાંજે ભક્તિગીતોથી ભક્તજનોના હૈયાને ડોલાવી દેશે. તેઓ અધ્યાત્મયોગી પૂ. આનંદઘનજીના પદો તથા સ્તવનો ગાશે. તેમની સમગ્ર મંડળી ભકતામરના શ્લોકોથી સંધ્યા સંગીતમય બનાવશે. તથા પદ્માવતીદેવીના સ્તોત્રથી વાતાવરણને અત્યંત પવિત્ર પાવન બનાવી દેશે. તેમના કંઠેથી આ ભક્તિગીતો સાંભળવા એક લહાવો છે. આ પ્રકારના કાર્યક્રમથી ભારતીય સંગીતની ગહનતા જણાશે.
પ્રભાવશાળી વક્તા યુવાહૃદય સમ્રાટ શ્રી રાહુલ કપૂર: રાહુલ કપૂર એક એવું નામ છે જેની વાણીમાં જાદુ છે. તેની પ્રસ્તુતીમાં પ્રભાવકતા છે અને યુવાનોને હૃદય સુધી સ્પર્શી શકે તેવી કળા છે. તેઓ પરસ્પરોપગ્રહો જીવાનામ્ (જીવો અને જીવવા દો) એ વિષય ઉપર વક્તવ્ય આપશે. રાહુલ કપૂર મોટીવેશનલ ગુરુ છે અનેક મોટાં ઉદ્યોગગૃહોમાં તેમના સેમિનાર યોજાય છે. વિશ્વના અનેક દેશોમાં તેમના કાર્યક્રમો આયોજિત થાય છે. અમદાવાદને આંગણે રાહુલ કપૂરનો કાર્યક્રમ એટલે સોનામાં સુગંધ.
શાનદાર શાંતિલાલ ગુલેચ્છા: શાંતિભાઈ ગુલેચ્છા એટલે ટૂંકી વાર્તાકારોમાં અજોડ વાર્તાકાર. વર્તમાન જગતમાં ટૂંકી વાર્તાઓ દ્વારા જનજન સુધી પહોંચવામાં શાંતિભાઈનું નામ મોખરે છે. તેઓ ઐતિહાસિક ઘટનાઓ દ્વારા સમસામયિક પ્રશ્નોનો ઉકેલ રજૂ કરે છે ત્યારે સાંભળનારના હૃદય ડોલી ઉઠે છે. તેમને પ્રત્યક્ષ સાંભળવાનો લાહવો ચૂકવા જેવો નથી. અમદાવાદમાં આ કોન્ફરન્સ દરમિયાન અજ્ઞાત એવી ઐતિહાસિક ઘટનાઓ-વાર્તાઓ સાંભળવા મળશે. તેમની કથાઓ માણવાનો આ મહામૂલો અવસર અમદાવાદને આંગણે ભજવાશે.
શ્રેષ્ઠ નાટયકાર, દિગ્દર્શક મનોજભાઈ શાહ દિગ્દર્શિત મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, એક પાત્રીય અભિનય: અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં છેલ્લા આઠ દશકમાં અનેક જૈનો અભ્યાસ માટે અને વ્યારબાદ વ્યવસાય માટે ગયા અને પછી ત્યાંજ સ્થાયી થઈ ગયા. તે બધા જૈનો દેશ, સંસ્કૃતિ અને ધર્મથી વિખૂટા પડી જવાને કારણે ભાષા, સંસ્કૃતિ અને ધર્મ તથા સંસ્કારો ભૂલવા લાગ્યા હતા. આચાર વિચારો પણ બદલાવા લાગ્યા હતા. તેવા સમયે પોતાના મૂળને મજબુત બનાવવાનું અને બીજ ને સિંચવાનું કામ ગુરુ ચિત્રભાનુજીએ કર્યું. તેમણે અનેક અમેરિકનોને શાકાહારી બનાવ્યા. જૈના નામની સંસ્થ ની સ્થાપના કરી. બધા જ જૈનોને એકજ માળામાં પરોવવાનું અદભુત કાર્ય કર્યું તથા અનેક શહેરોમાં જિનાલયોની સ્થાપના કરી. જૈેન સંસ્કારો ને નવું બળ આપ્યું.
ગુજરાતની પંચતીર્થી ગુજરાતમાં જૈનધર્મના મૂળિયા ઊંડા ગયેલા છે. અનેક મહાત્માઓના વિચરણથી આ ભૂમિ પાવન થયેલી છે. અનેક શ્રેષ્ઠીઓએ કલાના ઉત્તમ નમૂનારૂપ જિનાલવોનું નિર્માણ કર્યું છે. તીર્થોનો ભવ્ય ઈતિહાસ છે. અનેક જિનાલયોની કોતરણી બેનમૂન છે. જૈનધર્મનું સર્વોત્કૃષ્ઠ તીર્થ અને મંદિરોની નગરી તરીકેની ખ્યાતિ પામેલ શત્રુંજય તીર્થ, ૨૨ મા તીર્થંકર નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણકો જે ભૂમિ પર થયા તેવું ગિરનાર મહાતીર્થ, પરમાર્હત રાજા કુમારપાળ નિર્મિત તારંગાનું અજિતનાથ જિનાલય, કલાધામ દેલવાડા કોતરણીના અનુષમ નમૂના સ્વરૂપ કુંભારિયાજી તીર્થ તથા પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ ભગવાનનું શંખેશ્વર તીર્થ આ પાંચ તીર્થોનો ઈતિહાસ, શિલ્પ અને સ્થાપત્યના અનુપમ ફોટોનું પ્રદર્શન તથા લઘુ ફિલ્મ દર્શાવવામાં આવશે.
જૈનધર્મના વર્તમાનકાલીન ગચ્છોના ગચ્છાધિપતિઓના જીવન અને કાર્યો વિશેનું પ્રદર્શન એક વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. છેલ્લા સો વર્ષમાં અનેક પ્રકારની આપત્તિઓ તથા શાસનમાં વિકટ પ્રશ્નો ઉભા થયાં છે. તેમાં ગચ્છાધિપતિઓની ભૂમિકા વિશિષ્ટ પ્રકારની રહી છે. તેમણે ઉત્તમ આચરણ, જ્ઞાનદર્શન અને ચારિત્રની ઉત્તમ છાપ ઉભી કરી સમાજને માર્ગદર્શન આપ્યું છે. દુષ્કાળમાં, અતિવૃષ્ટિમાં, અનાવૃષ્ટિમાં, શિક્ષાક્ષેત્રે, ધર્મક્ષેત્રે અદ્ભુત કાર્યો કર્યા છે. તે ઇતિહાસ જૈન ધર્મનો ગૌરવવંતો ઇતિહાસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here