અનુપમ મિશનમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠાઃ શાલીન માનવ રત્ન અવોર્ડ અપાયા

આણંદઃ મોગરી અનુપમ મિશનની તપોભૂમિ બ્રહ્મજ્યોતિમાં સંત ભગવંત જશભાઈ સાહેબના સાંનિધ્યમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. આ સમારોહમાં માનવસેવા અર્થે સમર્પિત સમાજના મોભીઓને શાલીન માનવરત્ન અવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
અનુપમ મિશન મોગરીમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અનુપમ શોભાયાત્રામાં ઠાકોરજી મહારાજના વિશિષ્ટ દર્શન થતાં હતાં. સંત ભગવંત પૂ. જશભાઈ સાહેબ તથા સંતો-મહંતો, શ્રેષ્ઠીઓ, મહાનુભાવોએ સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. આ રેલીમાં પાંચ હજાર કરતાં વધુ ભાઈ-બહેનો જોડાયાં હતાં. રેલી દરમિયાન વિદ્યાનગરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રી ઠાકોરજી મહારાજ અને સાહેબજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યોજાયેલા શાલીન માનવરત્ન સન્માન સમારોહમાં ઉપસ્થિત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે નર રત્નોને શોધીને તેમને સન્માન કરવા બદલ પ. પૂ. જશભાઈ સાહેબજીનો આભાર વ્યક્ત કર્યો હતો. અનુપમ મિશનમાં સંતોનો પહેરવેશ જોતાં પ્રથમ દષ્ટિએ એમ ના લાગે કે તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિશ્વ વિભૂતિ છે. સંતોનો પહેરવેશ સામાન્ય નાગરિક જેવો જ છે. અમે સમાજમાં છીએ, સમાજ સાથે અને સમાજ માટે, ભક્તો માટે અને સંપ્રદાય માટે છીએ, અમે જુદા નથી એ પ્રમાણે અનુપમ મિશનના સંતો કામ કરે છે.
આ પ્રસંગે સંત ભગવંત જશભાઈ સાહેબ, અધ્યાત્મનંદ સ્વામી, પ. પૂ. દ્વારકેશલાલજી મહારાજના આશીર્વાદ સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે માનવસેવા અર્થે સમર્પિત મહાનુભાવોને શાલીન માનવરત્ન અવોર્ડ એનાયત કરીને સન્માનિત કરાયા હતા, જેમાં એલિકોન ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર પ્રાયસ્વીનભાઈ પટેલ, મધુભાન રિસોર્ટનાં સીઇઓ તરુણાબહેન પટેલ, નડિયાદના દાતા-ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા), વડોદરાનાં શ્રેય મંદિર ટ્રસ્ટનાં સેક્રેટરી મોના પટેલ, ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટક, સામાજિક કાર્યકર-બેંગકોકના સુરેન્દ્રભાઈ પટેલને અનુપમ મિશન પ્રેરિત શાલીન માનવરત્ન સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
સન્માનિત મહાનુભાવોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે દાતા અને સેવકોનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે અમેરિકાનાં હિતેશ પટેલ, પૂર્વા પટેલ, મનનભાઈ, વિજયભાઈ પંચાલ, સુનીલ પંડ્યાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ પ્રસંગે અનુપમ મિશનના પૂ. રતિકાકા, પૂ. શાંતિભાઈ, પૂ. અશ્વિનભાઈ, યુકેથી ખાસ પધારેલા વર્તન મેલકોનિયન, એનડીબીનાં પૂર્વ ચેરમેન ડો. અમૃતા પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલ, માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ-ચાન્સેલર ડો. આર. વી. વ્યાસ, પૂર્વ વાઇસ-ચાન્સેલર ડો. એન. સી. પટેલ સહિત, ચરોતરના શ્રેષ્ઠીઓ, તબીબો, વકીલો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં દેશ-વિદેશથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here