અમને મળ્યો નહિ રજુઆતનો સમય, નહિ તો મજાનો હોત મુલાકાતનો સમય!

0
979

‘શેઠ આજે નહિ મળે શકે…’ આગંતુક તરફ તદ્દન નીરસ રીતે જોઈ નોકર કહી રહ્યો હતો.
‘ભાઈ, હું શેઠનો લંગોટિયો મિત્ર છું… મારે એમનું બીજું કંઈ કામ નથી.’
આવનાર વ્યક્તિ અધિકારપૂર્વક કહી રહી હતી. અંતે આ સંવાદ દરમિયાન જ શેઠ બહાર આવી ગયા અને પોતાના મિત્રને અંદર કેબિનમાં લઈ ગયા. આગંતુક મિત્ર પોતાના બચપણના દોસ્તની જાહોજલાલી અને દબદબો જોઈ રહ્યો હતો. પોતાના આ મિત્રને મળવાવાળા મુલાકાતીઓની લાઇન લાગી હતી.
‘આવું તો એના વ્યક્તિત્વમાં કશું હતું નહિ…’ એ મનોમન બોલી રહ્યા હતા. ‘આ તો એક સામાન્ય પરિવારનો સામાન્ય છોકરો હતો, જે શાળા અભ્યાસ દરમિયાન બોલતા પણ ગભરાતો હતો. અભ્યાસમાં પણ સાધારણ. એના પરિવારમાં પણ એવી કોઈ પરંપરા નહોતી. તો આ બધું થયું કઈ રીતે?’ તેમના મનમાં અનેક પ્રશ્નો થઈ રહ્યા હતા. આ મિત્રને તે વર્ષોથી ઓળખતા હતા. એમને સરખામણી કરતાં મનોમન લાગી રહ્યું હતું કે એના કરતાં પોતે આગળ વધવાની બાબતમાં ઘણી લાયકાતો ધરાવતા હતા. છતાંય આજે વર્ષો બાદ હકીકત કંઈક જુદી હતી. જે માણસને પોતે એક સાધારણ વ્યક્તિ સમજતા હતા એને મળવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. આ બધું ન સમજાય તેવું હતું!
આ લાગણી આમ જોઈએ તો આગંતુક મિત્ર પૂરતી સીમિત રહેતી નથી. અને આ બાબત પણ બે અંતરંગ મિત્રો વચ્ચેની નહિ રહેતાં એક સાર્વત્રિક પ્રતિભાવનું જાણે પ્રતિબિંબ બની રહે છે. મને તમને સૌને જીવનમાં કોઈ ને કોઈ તબક્કે આપણી ચિરપરિચિત વ્યક્તિ કે સંબંધોને સફળતા કે વૈભવમાં જોયા પછી આવું જ થાય છે. ‘અરે… આના કરતાં તો મારી લાયકાત ઘણી હતી. પણ શું થાય, મને સંજોગો જ બરાબર મળ્યા નહિ. રજૂઆતનો સમય જ મળ્યો નહિ. જીવન જાણે આપણું જ ન હોય એમ છૂટી પડવા માટેના આવા ઉદ્ગારો હકીકતમાં તો આપણી હતાશા અથવા ખાલીપણાને વ્યક્ત કરતા ભાવો જ હોય છે! આપણે શું ખરેખર એવું માનીએ છીએ કે પ્રારબ્ધ માત્ર અમુક વ્યક્તિઓની બાબતમાં મદદરૂપ થાય છે અને અમુક માટે હંમેશાં દૂર ને દૂર ભાગતું પરિબળ છે? આવું બનતું હોય તો પણ એ તમામ માણસોને લાગુ પડતું નથી. હકીકત એ છે કે સંજોગોની એરણ ઉપર સૌ કોઈએ ચડવું પડે છે. કેટલાક લોકો પોતાની સહનશક્તિથી કે કુનેહથી કે જીવન જીવવાની કલાથી એવા વિકટ વળાંકોને આસાનીથી પાર કરી જાય છે અને એ પછી થોડોક સમય ધોરીમાર્ગ કે સીધો સરળ રસ્તો પણ મળી જતો હશે, પરંતુ આ બધી પરિસ્થિતિઓ કાયમી હોતી નથી. આમાં સ્થાયીરૂપ કોઈ બાબત હોય તો એ આપણો જીવન જીવવાનો અભિગમ હોય છે! સફળ લાગતી વ્યક્તિઓનું ગ્લેમર કે બાહ્ય ચળકાટ જ આપણને દેખાતા હોય છે. હકીકતમાં આ માટે થઈને એમણે કરેલા પરિશ્રમ, મથામણો કે સંઘર્ષોની આંતરિક હકીકતો કદાચ આપણે જોઈ શકતા નથી અને દરેક મહાન કે સફળ વ્યક્તિનું એ આગવું લક્ષણ હોય છે કે પોતાનાં દુઃખો કે મુશ્કેલીઓને એ સહજ જીવનક્રમ માને છે. અને વનનું સાતત્ય ગુમાવ્યા વગર એ સતત વહેતા રહે છે. પંડિત નેહરુએ પોતાના ટેબલ ઉપર એક વાક્ય કોતરાવ્યું હતું, ‘આ દિવસો પણ વહી જશે.’ અર્થાત્ કઠોર સંજોગો કાયમી હોતા નથી. હકીકતમાં મુશ્કેલ પરિસ્થિતિ કે અણગમતો સમય કાળક્રમે વહી જતો હોય છે, પરંતુ સામાન્ય રીતે આપણને ધીરજ હોતી નથી. સુખ મેળવવાની તાલાવેલી કે તલસાટમાં આપણે દુઃખની મહોલાતને માણી શકતા નથી. વાસ્તવમાં દરેક દુઃખ એ કશુંક નવું શીખવતું પરિબળ હોય છે.
‘જે જે મળતો ઉપાધિયોગ
બની રહો એ જ સમાધિયોગ…’
આપણી ભાષાના મહાન કવિ ઉમાશંકર જોશીનું આ જીવનદર્શન છે. જે સંજોગો માટે આપણો અભિગમ કેવો હોવો જોઈએ એને આબેહૂબ વ્યક્ત કરે છે.
વિકટ સંજોગો માટે આપણી તૈયારી હોતી નથી. ક્યારેક આપણે શાહમૃગ વૃત્તિથી છટકી પણ જતા હોઈએ છીએ. પરિપાકરૂપે આપણું ધ્યેય કે લક્ષ્ય પણ ખોડંગાઈ જતું હોય છે. જીવનમાં આગળ વધનાર વ્યક્તિ એ કોઈ પણ ક્ષેત્રમાં હોય એ ગતિશીલ હોય તે અત્યંત જરૂરી છે. આપણી સંસ્કૃતિ પણ કહે છેઃ ‘ચરૈવતિ ચરૈવતિ…’
અલબત્ત, પ્રસ્તુત કિસ્સામાં જે વૈભવશાળી ઠાઠ ધરાવતા બાળપણનો સાધારણ ગોઠિયો છે એ હકીકતમાં રાતોરાત કે અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગની માફક ફટાફટ આ સ્થાને નહિ જ પહોંચ્યો હોય. આ બધાની પાછળ એની જીવન સમજણ, મથામણો કે પરિશ્રમનો પરિપાક કારણભૂત પરિબળો હશે. એને મળનાર વ્યક્તિ માત્ર એને ભૂતકાળના સાધારણપણાથી જ માપ્યે રાખે છે. આપણી ફૂટપટ્ટી એની એ જ રહે છે. હકીકતમાં સામાન્ય માણસને સંજોગો સામે મૂકવામાં આવે અને સંઘર્ષમય રીતે જીવવાનું ભાથું આપવામાં આવે તો તેનું સાધારણપણું ક્રમશઃ અદશ્ય થઈને આપણી કલ્પનામાં ન આવે તેવી સફળ કે વિજયી વ્યક્તિમાં પરિવર્તિત થતી જોવા મળે છે.
જગતમાં આવાં અનેક દષ્ટાંતો અને સફળ દાખલાઓ મોજૂદ હોવા છતાં આ હકીકતોને આત્મસાત્ નહિ કરી શકનાર વ્યક્તિ કેવળ નિઃશ્વાસ અને વસવસો કરનાર વ્યક્તિ જ બની રહે છે. ‘એમને જો રજૂઆતનો સમય મળ્યો હોત તો મજાનો હોત મુલાકાતનો સમય.’ પરંતુ રજૂઆતનો સમય અવશ્યપણે દરેકને મળતો જ હોય છે. તકલીફ એ હોય છે કે આપણે હંમેશાં આવા સમયની પ્રતીક્ષા કરવામાં જ એની ઇતિશ્રી સમજતાં હોઈએ છીએ.

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here