અદાણી કોર્પોરેટ હાઉસમાં યોજાયો સેલિબ્રિટી દિવ્યાંગોનો દરબાર

અમદાવાદઃ અમદાવાદમાં અદાણી કોર્પોરેટ હાઉસમાં યોજાયો એક અનોખો કાર્યક્રમ. અદાણીના આંગણે દેશના સેલિબ્રિટી દિવ્યાંગોનો દરબાર ભરાયો હતો. ગ્રીન ટોક્સ નામના આ કાર્યક્રમમાં પોતાની શારીરિક મર્યાદાઓનો ટક્કર આપીને અકલ્પનીય લક્ષ્યો હાંસિલ કરનાર પ્રેરણારૂપ વ્યક્તિઓની ગાથા ઉપસ્થિતો સમક્ષ વર્ણવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોતાની ખુમારી સાથે વિવિધ ક્ષેત્રોમાં આવડતના કામણ પાથરનાર દેશના જાજરમાન દિવ્યાંગ વ્યક્તિઓની સફળતાની વાતો કરવામાં આવી હતી. ઉપસ્થિત સમક્ષ આ દિવ્યાંગોની સફળતાની ગાથા રજૂ કરવામાં આવી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણી, અદાણી ફાઉન્ડેશનના ડો. પ્રીતિબહેન અદાણી, જીત ગૌતમ અદાણી, ભુષણ પુનાની, અલીના તરૂણ સહિતે દિવ્યાંગોના આ જુસ્સાને બિરદાવ્યો હતો.
દેશની પ્રતિષ્ઠિત અમદાવાદ આઈઆઈએમમાં દૃષ્ટિની ખામી ધરાવતા સૌ પ્રથમ પીએચ.ડી.ના વિદ્યાર્થી તરૂણ વશિષ્ઠ, દેશના સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા સ્કાય ડાઈવરનું માન મેળવનારા ડો. અનિતા શર્મા, સિટી કાફેથી પોતાની ઓળખ બનાવનારા અલિના આલમ સહિતના દિવ્યાંગ સેલિબ્રિટીઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. જન્મથી જ આથ્રોગ્રિપોઝમ નામનો રોગ ધરાવતા નિપુણ મલ્હોત્રાએ કહ્યું હતું કે, તેમણે અડગ મનના સહારે પોતાનાં ભાવિને ઘડયું છે. તેઓ આયોગની ડિસેબિલિટી સબ કમિટીના પૂર્વ અધ્યક્ષ, વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સહિતની મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. 33 વર્ષના અજયકુમાર રેડીએ ભારતની રાષ્ટ્રીય અંધ ક્રિકેટ ટીમને 2017ના ટી-20 વર્લ્ડકપ, 2018માં બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપનો ખિતાબ ભારતના ખોળે મૂકવામાં મહત્વનો ફાળો આપ્યો છે. મુંબઈના રશ્મિ પાટિલે લીપ રીડિંગ શીખીને ભરતનાટયમને આત્મસાત કરવા સાથે માસ્ટર ડિગ્રીની ઉપાધિ મેળવી છે. તેમણે 40 જેટલા કાર્યક્રમો, નૃત્યની સાથે મોડેલિંગ કૂકિંગમાં પ્રતિભા ઝળકાવી છે. અંકિતાબહેન પટેલે પોતાની શારીરિક ખામીનાં રોદણા રોવાના બદલે તેમણે અનેકવિધ ભાષામાં ગીતો ગાઈને કારકિર્દી બનાવી છે. અદાણી કોર્પોરેટ હાઉસમાં તેમણે પોતાના કંઠનાં કામણ પાથર્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here