કમલ હસન ન્યુ યોર્ક સિટીની ઇન્ડિયા ડે પરેડમાં ગ્રાન્ડ માર્શલ બનશે

ન્યુ યોર્કઃ તાજેતરમાં રાજકારણમાં ઝંપલાવનાર જાણીતા ભારતીય અભિનેતા કમલ હસન ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ (એફઆઇએ-એનવાય-એનજે-કનેક્ટિકટ) દ્વારા આયોજિત 38મી ઇન્ડિયા ડે પરેડમાં ગ્રાન્ડ માર્શલ તરીકે ઉપસ્થિત રહેશે. આ પરેડ 19મી ઓગસ્ટ, રવિવારે બપોરે 12 વાગ્યે ન્યુ યોર્ક સિટીમાં યોજાશે, જેની શરૂઆત 38મી સ્ટ્રીટ અને મેડિસન એવન્યુથી થશે. આ ઇન્ડિયા ડે પરેડ ભારતના 72મા સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે યોજાશે.
કમલ હસનની પુત્રી શ્રુતિ હસન ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગેસ્ટ ઓફ ઓનર તરીકે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સ, ગાયક કલાકારો શિબાની કશ્યપ અને મિકી સિંહ ઉપસ્થિત રહેશે.
બોલીવુડના ગાયક કૈલાસ ખેર મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે જ્યારે કોમ્યુનિટી ગ્રાન્ડ માર્શલ તરીકે એમનિલ ફાર્મસ્યુટિકલ્સના ચેરમેન ચિંટુ પટેલ ઉપસ્થિત રહેશે. આ વર્ષની પરેડની થીમ વસુધૈવ કુટુંબકમ્ છે, જેનો અર્થ સમગ્ર વિશ્વ એક પરિવાર થાય છે. 28મી જૂને ન્યુ યોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલમાં આયોજિત કર્ટેઇન રેઇઝર પ્રસંગે એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખે જણાવ્યું હતું કે અમારી થીમને નજર સમક્ષ રાખીને અમે યુનિસેફ યુએસએનો આભાર માનીએ છીએ, જેઓ ભારતીય અમેરિકન ડાયસ્પોરાના સમર્થનમાં આ વર્ષની પરેડમાં અમારી સાથે જોડાશે અને આ પરેડને સફળ બનાવવા માટે અમારી ટીમ સખત મહેનત કરી રહી છે. પરેડના ભાગરૂપે કૈલાસ ખેર, શિબાની કશ્યપ અને મિકી સિંહનું પરફોર્મન્સ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત યોજાશે, જેનું આયોજન મેડિસન એવન્યુમાં 24મી અને 26મી સ્ટ્રીટ વચ્ચે થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here