યાત્રાધામ અંબાજીમાં રૂ. ૯૭.૩૨ કરોડના જન હિતલક્ષી કામોને મંજૂરી

અંબાજીઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ આદ્ય શક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા ૯૭.૩૨ કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી, ઝરીવાવ, ચીખલા, જેતવાસ, પાન્‍છા, રીંછડી, કોટેશ્વર અને કુંભારિયા મળીને ૮ ગામો સમાવિષ્ટ છે. અંબાજી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ પિલગ્રીમેજ ટુરીઝમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને ઘનચરા નિકાલની કામગીરી માટે તૈયાર કરાયેલા ડીટેઇલ્ડ રિપોર્ટને ઓથોરિટીની બોર્ડ બેઠકે મંજૂરી આપીને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પાણી પુરવઠા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના સમગ્રતયા રૂ. ૯૭.૩૨ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજીમાં ઉત્તરોત્તર થઈ રહેલા યાત્રિક સુવિધાના વિકાસ કામો તથા પ્રવાસન આકર્ષણોને પરિણામે આ યાત્રાધામમાં દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા રહે છે. અંબાજી અને આસપાસના ગામોમાં હવે આ નવા વિકાસ કામો હાથ ધરાવાને પરિણામે સ્વચ્છતા જળવાશે અને યાત્રી સુવિધા સુખાકારીમાં પણ વૃદ્ધિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here