રશિયાએ રાસાયણિક હૂમલાની તૈયારી કરી લીધી: ઝેલેન્સ્કીએ આપી ચેતવણી

યુક્રેન: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ઘમાં હવે રાસાયણિક હથિયારોનો ઉપયોગનો ખતરો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે રશિયા યુક્રેન વિ‚દ્ઘ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. તેમણે પશ્ર્ચિમી દેશોને આ સંભવિત હૂમલાને રોકવા માટે વધુ કડક પ્રતિબંધો લાદવા હાકલ કરી હતી. ઝેલેન્સકીની ચેતવણી એવા સમયે આવી છે જયારે કેટલાક અપ્રમાણિત અહેવાલો સૂચવે છે કે દિક્ષણ યુક્રેનના મેરીયુપોલમાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઝેલેન્સ્કીએ પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે અમે આને ખૂબ ગંભીરતાથી લઇ રહ્યાં છીએ. હું વિશ્ર્વના નેતાઓને યાદ અપાવવા માંગુ છું કે રશિયા દ્વારા રાસાયણિક હથિયારોના સંભવિત ઉપયોગની ચર્ચા થઇ ચૂકી છે. તે સમયે તેનો અર્થ એ થયો કે રશિયન આક્રમણ સામે વધુ કઠોર અને ઝડપથી પ્રતિક્રિયા આપવી હિતાવહ છે. ઝેલેન્સકીએ જણાવ્યું ન હતું કે કેમિકલ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ.

અમેરિકા અને બ્રિટેનનું કહેવું છે કે તેઓ એવા અહેવાલોથી ખૂબ જ ચિતિત છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સૈન્યએ મેરીયુપોલ બંદર પર હુમલો કરવા માટે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો છે. યુક્રેનની એઝોવ રેજિમેન્ટે જણાવ્યું હતું કે ‘ઝેરી પદાર્થ’ દ્વારા કરવામાં આવેલા હૂમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. જો કે, રાસાયણિક હથિયારોના ઉપયોગ અંગે હાલમાં કોઇ પુરાવા નથી. બાઇડેન વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા યુક્રેનને જીવન રક્ષક ઉપકરણો પ્રદાન કરી રહ્યું છે. જેનો ઉપયોગ રશિયાના સંભવિત રાસાયણિક અને જૈવિક શસ્ત્રોને દૂર કરવા માટે થઇ શકે છે. તેમ રોઇટર્સના અહેવાલમાં જણાવાયું છે. અહેવાલ મુજબ ઘણા સાધનોની ડિલિવરી થઇ ચૂકી છે. યુરોપિયન યુનિયને કહ્યું કે રશિયા પર વધુ પ્રતિબંધો લાદવા એ એક વિકલ્પ છે.