મુખ્ય પ્રધાને સરપ્રાઈઝ વિઝિટ કરીઃ ગોલથરા પ્રાથમિક શાળાની મુલાકાત

કલોલઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી બે દિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની ગોલથરા પ્રાથમિક શાળાની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા. સમગ્ર રાજ્યમાં ૧ર અને ૧૩ના દિવસો દરમિયાન યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવા ભૂપેન્દ્ર પટેલ આ ગોલથરા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ સિવાય પહોંચી ગયા હતા. શાળામાં અચાનક આવેલા જોઇને શિક્ષકો, બાળકો અને વાલીઓએ આનંદ સહ આશ્ચર્યની અનૂભુતિ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે આ ગોલથરા પ્રાથમિક શાળામાં પ્રતિકરૂપે બે બાળકોને ધોરણ-૧ અને બાલવાટિકામાં પ્રવેશ કરાવી શાળા પ્રવેશ કીટ અર્પણ કરી હતી. આ ગોલથરા અને લક્ષ્મીપૂરા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૯પ, આંગણવાડીમાં ર૪ અને ધોરણ-૧ માં પ બાળકોનું પ્રવેશોત્સવ અન્વયે નામાંકન થયું છે. માહિતી ખાતાએ આપેલી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૬૦૧ શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ માં મળીને કુલ અંદાજે ૧૪,૬૬૭ બાળકોનું નામાંકન કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આ વર્ષે ધો-૧ માં અંદાજે ર.૩૦ લાખ અને બાલવાટિકામાં ૯.૭૭ લાખ મળી અંદાજે ૧૨.૭ લાખ બાળકોનો શાળા પ્રવેશ કરાવાશે.