અમેરિકામાં રેલ યાર્ડમાં કર્મચારીનો ગોળીબાર, શિખ શખ્સ સહિત આઠ વ્યક્તિનાં મોત

 

સેન જોસઃ અમેરિકાના કેલિફોર્નિયામાં રેલ યાર્ડમાં એક કર્મચારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં આઠ લોકોનાં મૃત્યુ થયા છે. મૃત્કોમાં એક ભારતીય મૂળનો શિખ વ્યક્તિ પણ સામલે હોવાની પુષ્ટિ પોલીસે કરી છે. ગોળીબાર કરનાર શખ્સે પણ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. કોરોના વાઇરસ સામે લડી રહેલા અમેરિકામાં છેલ્લા થોડા સમયથી ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે સવારે સાડા છ વાગ્યે વેલી ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની બે બિલ્ડિંગમાં ગોળીબાર થયો હતો. વીટીએ સાંતા ક્લારા કાઉન્ટીમાં બસ, લાઈટ રેલ તેમજ અન્ય પરિવહન સેવા ઉપલબ્ધ કરાવે છે. આ કાઉન્ટી સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં સૌથી મોટી છે અને અહીં સિલિકોન વેલી પણ છે. સાંતા ક્લારા કાઉન્ટીના શેરિફ લોરી સ્મિથે જણાવ્યું કે, અમારા અધિકારીઓ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં ગોળીબાર ચાલુ હતો. આઠ મૃતકોની ઓળખ થઈ ગઈ છે. મોટાભાગના લોકો કંપનીમાં લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓ હતા. મૃતકે પણ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.    

મૃતકોમાં એક ભારતીય મૂળ શિખ શખ્સનો પણ સમાવેશ થાય છે જેનું નામ તપતેજદિપ સિંહ હતું. તેના પિતરાઈ ભાઈ બગ્ગા સિંહે  જણાવ્યું કે તેનો ભાઈ આ કંપનીમાં છેલ્લા આઠ-નવ વર્ષથી લાઈટ રેલ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને તેને એક પત્ની તેમજ બે સંતાનો પણ છે. હુમલાખોરની ઓળખ ૫૭ વર્ષીય સેમ્યુલ (સેમ) કેસિડી તરીકે થઈ છે. સામૂહિક હત્યા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે હુમલાખોર ગોળીબાર કરી રહ્યો હતો. પોલીસ આવી પહોંચી છે તેનો ખ્યાલ આવતા જ તેણે પોતાને ગોળી મારી દીધી હતી.

કેલિફોર્નિયા રેલ યાર્ડમાં આઠ લોકોને ગોળી મારી ઢાળી દેનાર કંપનીના કર્મચારીએ એક દાયકા અગાઉ તેની પૂર્વ પત્નીને કામના સ્થળે કેટલાક લોકોની તેણે હત્યા કરી હોવાની વાત જણાવી હતી. તેની પૂર્વ પત્નીએ તે સમયે જણાવ્યું કે, ત્યારે મેં તેનો વિશ્વાસ કર્યો નહતો અને આવું ફરી બન્યું નહતું. વધુમાં તેણે જણાવ્યું કે તેનો પતિ જ્યારે ઘરે આવતો ત્યારે તે અકળાયેલો અને ગુસ્સામાં રહેતો કારણ કે તેને જે કામ સોંપવામાં આવતું તે તેના મતે અયોગ્ય હતું. ૨૦૦૫માં પત્નીએ ૧૦ વર્ષના લગ્નજીવન બાદ સેમ સાથે છૂટાછેડા લીધા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here