કૌન બનેગા કરોડપતિ?

0
1030

[કૌન બનેગા કરોડપતિ?ની વધુ એક શ્રેણી અત્યારે શરૂ થઈ છે. અગાઉ આ શ્રેણી એની લોકપ્રિયતાની ટોચે હતી એ વખતની વાત છે.]
તમે વાંચ્યું? એક મિત્રે ટેલિફોન પર પૂછ્યું. આ મિત્ર હંમેશાં અધ્ધરથી જ વાતની શરૂઆત કરવા માટે ટેવાયેલા છે. આપણા ટેલિફોનતંત્ર પર એમને એટલો બધો ભરોસો છે કે ટેલિફોનમાં રોંગ નંબર પણ ક્યારેક લાગે એવું એ માનતા નથી. એમનો આત્મવિશ્વાસ પણ એટલો બધો જબ્બર છે કે પોતાનાથી ક્યારેક રોંગ નંબર પણ જોડાઈ જાય એવું પણ એ માનતા નથી, એટલે ફોન જોડાય કે તરત એ વાત શરૂ કરી દે, અને તે પણ સાવ અધ્ધરથી! રોંગ નંબર પર પાંચ મિનિટ સુધી વાત કર્યે રાખવાનો એમનો રેકોર્ડ છે. આજે પણ એમણે એમ જ અધ્ધરથી વાત શરૂ કરી.
શું વાંચવાની વાત કરો છો? અઠવાડિક રાશિ ભવિષ્ય? આ વખતના મારા અઠવાડિક રાશિ ભવિષ્યમાં છે કે તબિયત નરમ-ગરમ રહેશે. મારી તબિયત ગરમ તો ક્યારેય રહેતી નથી, પણ નરમ થવાની રાહ જોઈ રહ્યો છું. આજ સવારથી સહેજ સહેજ માથું દુખવા માંડ્યું છે. મેં કહ્યું, શું તમેય યાર, અધ્ધરતાલ દીધે રાખો છો. હું કે.બી.સી.ના ગુજરાત સ્પેશિયલની વાત કરું છું. કે.બી.સી. શું છે? આપણા દેશનું તંત્ર જે રીતે ચાલે છે એને માટે કે.બી.ડી. ‘કોના બાપની દિવાળી’ એવો રૂઢિપ્રયોગ દેશ આઝાદ થયો ત્યારથી પ્રચલિત છે એ હું જાણું છું.
કે.બી.સી એટલે કૌન બનેગા કરોડપતિ? સામાન્ય જ્ઞાનની કસોટીના આ કાર્યક્રમના ટૂંકાક્ષરી નામનું પણ તમને સામાન્ય જ્ઞાન નથી. તમને શું કહેવું?
તમે મિત્ર છો, જે ઇચ્છો તે કહી શકો છો; પણ, હું આ શો જોઉં છું; અમિતાભ બચ્ચન મારા પ્રિય અભિનેતા છે; એમના વ્યક્તિત્વની શાલીનતા પણ મને ખૂૂબ ગમે છે. વળી, મારા જ્ઞાન કરતાં મારું અજ્ઞાન કેવું અગાધ છે એની ખબર મને આ શોના દરેક હપ્તા વખતે પડે છે. આ કારણે મારી નમ્રતામાં ઠીક-ઠીક વધારો થયો છે.
અજ્ઞાન તો બધાંમાં હોય, પણ આવું અજ્ઞાન?
તમે જે અજ્ઞાન વિશે કહી રહ્યા છો એના વિશે પણ હું અજ્ઞાત છું. પ્લીઝ, જરા ફોડ પાડીને કહો.
કે.બી.સી.નો ગુજરાત સ્પેશિયલનો કાર્યક્રમ હતો.
ગુજરાત સ્પેશિયલ એટલે? વળી મેં મારું અજ્ઞાન પ્રગટ કર્યું.
મને લાગે છે કે હું ખોટા માણસ જોડે વાત કરી રહ્યો છું. મિત્ર નારાજ થઈ ગયા.
ના, ના, વાત તો તમે સાચા માણસ જોડે જ કરી રહ્યા છો. ટેલિફોનમાં આપણે જે નંબર જોઈતો હોય તે જ નંબર જોડાય એવા જે કિસ્સાઓ બને છે એવો જ આ કિસ્સો છે. તમે વાત કરો.
કે.બી.સી.એ પ્રદેશવાર સ્પર્ધકો બોલાવવાનું પણ આયોજન કર્યું છે. બે દિવસ પહેલાં ગુજરાતનો વારો હતો. એમાં પ્રથમ દસ સ્પર્ધકોને અમિતાભે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટવાળા પ્રશ્નમાં દ્વારકા, સોમનાથ, કંડલા, પોરબંદર આ ચાર સ્થળોને દક્ષિણથી ઉત્તર તરફ ક્રમસર ગોઠવવાનું કહ્યું. સ્થળો ગુજરાતનાં હતાં, ઉત્તરદાતાઓ પણ ગુજરાતના જ હતા અને છતાં દસમાંથી માત્ર એક જ ગુજરાતીનો જવાબ સાચો પડ્યો. બોલો!
આમ જુઓ તો હું એ દસમાં હોત તો મારું સ્થાન પણ વિશાળ બહુમતીની જોડે જ હોત! હું બોલ્યો.
હેં? તમને ગુજરાતનાં સ્થળોની દિશાની પણ ખબર નથી? મિત્રે તુચ્છકારથી કહ્યું.
મિત્ર! મારી સોસાયટીમાં હું ચાલીસ વરસથી રહું છું, પણ એનો મોટો દરવાજો કઈ દિશામાં છે ને નાનો દરવાજો કઈ દિશામાં છે એની મને ખબર નથી.
તમને પીએચ.ડી.ની ડિગ્રી કોણે આપી? મારા બદલે યુનિવર્સિટી પર અને મારા પીએચ.ડી.ના પરીક્ષકો પર મિત્રે હુમલો કર્યો.
સામાન્ય જ્ઞાનના વિષય પર મેં પીએચ.ડી. નથી કર્યું અને જે વિષય પર પીએચ.ડી. કર્યું છે એમાં પણ મારું જ્ઞાન ઘણું સામાન્ય છે.
આ પછી અમારી વાતચીત આગળ ન ચાલી. જે કંઈ થોડી વાત ચાલી એમાં પણ મિત્રે મુખ્યત્વે મારા અજ્ઞાન અંગે મારા પર ફિટકાર વરસાવ્યો.
મારું જ્ઞાન ઘણું સામાન્ય છે અને મારું અજ્ઞાન અસામાન્ય છે એ સાચું છે. બીજાઓ તો આ જાણે જ છે, પણ હુંય જાણું છું. સોમનાથથી દ્વારકા કઈ દિશામાં છે કે અમદાવાદથી સોમનાથ કઈ દિશામાં છે તે હું જાણતો નથી. વેરાવળ અનેક વાર ગયો છું, પણ સ્ટેશને ટ્રેનની રાહ જોતો ઊભો હોઉં એ વખતે કોઈ અજાણ્યો મુસાફર ટ્રેન કઈ બાજુથી આવશે એમ પૂછે છે ત્યારે હું એનો ઉત્તર વાળી શકતો નથી. શાળામાં ભણતો ત્યારે વિજ્ઞાનના પેપરમાં ખાલી જગ્યાના પ્રશ્નમાં હોકાયંત્રની સોય હમેશાં ……. દિશા તરફ જ હોય છે એવી ખાલી જગ્યાના જવાબો સવારે જ ગોખ્યા હોવાને કારણે હંમેશાં સાચો જવાબ જ લખતો, પણ એસ.એસ.સી. થયા પછી રેલવેની નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હોકાયંત્રની સોય કઈ દિશા બતાવે છે એવા સવાલનો જવાબ મને આવડ્યો નહોતો. હું રેલવેના ડ્રાઇવરની નોકરીના ઇન્ટરવ્યુમાં નહોતો ગયો તો પણ મને દિશાનો પ્રશ્ન શા માટે પૂછ્યો એવો પ્રશ્ન મને થયેલો. આમ છતાં, સોમનાથ કે દ્વારકાના મંદિરમાં જવાનું થાય છે ત્યારે દિશા વિશેના મારા અજ્ઞાનને કારણે પ્રભુ નારાજ થયા હોય એવું મને ક્યારેય લાગ્યું નથી.

જીવન સામાન્ય જ્ઞાનથી નહિ, પણ સામાન્ય સમજથી જીવવાનું હોય છે એટલું જ સામાન્ય જ્ઞાન જીવનમાં પૂરતું છે. દુનિયાનું વધુમાં વધુ વસતિવાળું શહેર કયું, એનો જવાબ જીભને ટેરવે રાખવા કરતાં આપણું કુટુંબ ઓછી વસતિવાળું રાખવાની સમજ કેળવવી એમાં વધુ ડહાપણ રહેલું છે. જગતના નકશામાં કોઈ પણ શહેર ફટાક કરતું શોધી આપનાર ભૂગોળના અધ્યાપક એવા મારા એક મિત્ર કોઈના ઘરે ગમે એટલી વાર ગયા હોય તો પણ જો છેલ્લે ગયાને ઝાઝો સમય થઈ ગયો હોય તો પોતાની મેળે એ ઘર શોધી શકતા નથી! અમારા બીજા એક મિત્ર છાપામાં સામાન્ય જ્ઞાનની કોલમ લખે છે. ન્યુ યોર્ક અમદાવાદથી કઈ દિશામાં આવેલું છે; એટલું જ નહિ, કયા ખૂણે, કેટલે અંશે આવેલું છે એની પણ એમને ખબર છે; પરંતુ, એમને એક વાર અમાસની રાત્રે પાલડી બસસ્ટેન્ડ પર ઊભાં ઊભાં મેં પૂછેલું કે નવરંગપુરા પોસ્ટઓફિસ અહીંથી જે દિશામાં આવેલી હોય એ દિશાનું નામ બતાવો. તો એ એકદમ મૂંઝાઈ ગયેલા. શાકભાજીનાં નામ, પ્રકાર, કયા શાકભાજીને કેટલો વરસાદ જોઈએ, કેવી જમીન જોઈએ, કયા શાકભાજી કઈ ઋતુમાં થાય, કયા શાકભાજીમાંથી કયાં વિટામિનો મળે વગેરેની સઘળી માહિતી જીભને ટેરવે રાખનાર અમારા એક મિત્રને શાક લેતાં આવડતું નથી! કેટલાંક શાકભાજી એ જોયે ઓળખતા પણ નથી. બ્લેડ વિશે ઝીણામાં ઝીણી માહિતી ધરાવતા અમારા એક સ્નેહીને આજે પણ હાથે દાઢી કરતાં આવડતું નથી. દાઢી કરાવવાના ભાવ આટલા વધી ગયા તો પણ એમને કેશકર્તનકારની સહાય લેવી પડે છે. અલબત્ત, અસ્ત્રા વિશે એ કેશકર્તનકાર કરતાંય એ વધુ ઊંડાણથી જાણે છે! ઘઉં વિશે અનેક યુનિવર્સિટીઓમાં વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો આપી ચૂકેલા અમારા એક મિત્રનાં પત્ની ઘઉં ખરીદવામાં આ જ્ઞાની પતિની મદદ લેવાનું જોખમ ક્યારેય લેતાં નથી.
મુદ્રણકલા વિકસી નહોતી ત્યારે વેદ અને ઉપનિષદ પણ મોઢે રાખવા પડતા, પણ હવે એ જરૂરી નથી. હવે તો આ કોમ્પ્યુટરયુગ છે. આંગળીનું ટેરવું અડે અને વિશ્વઆખાનો જ્ઞાનકોશ તમારી સામે ઠલવાઈ જતો હોય તો બધું જીભને ટેરવે ચોંટાડી રાખવાની શી જરૂર? સબકો સન્મતિ દે ભગવાન!

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here