સુપ્રીમ કોર્ટને અરજ કરતી કેન્દ્ર સરકારઃ આપ નામદારનો નિર્ણય અયોગ્ય છે.. સ્ટે મૂકો સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકવાનો સાફ ઈન્કાર કર્યો!

0
1045

અનુસૂચિત જાતિ અને જનજાતિ વિષયક કાનૂન – એસસી- એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા સુધારાને અમલી બનાવવા પર સ્ટે ઓર્ડર મૂકવાની કેન્દ્ર સરકારની અરજને સુપ્રીમ કોર્ટ દ્વારા નકારવામાં આવી હતી. એટર્ની જનરલ વેણુ ગોપાલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલત એવા કોઈ સુધારા કે નિયમ બનાવી ના શકે જે સંસદ દ્વારા સ્વીકૃતિ પામ્યા હોય. એવા કોઈ નિયમ ન બનાવી શકે જે બંધારણીય કાનૂન કરતા વિપરીત હોય. એટર્ની જનરલ વેણુ ગોપાલે જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ અને જસ્ટિસ ઉદય યુ લલિતની ખંડપીઠ સમક્ષ એવી દલીલ કરી હતી કે, અદાલત દ્વારા આપવામાં આવેલો ફેંસલો ખોટો છે. એના પર તાત્કાલિક સ્ટે ( મનાઈ હુકમ) મૂકવો જોઈએ. આ મામલાને વિસ્તૃત ખંડપીઠને મોકલીને એની સુનાવણી થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ સુધારાને કારણે જાન-માલની હાનિ થઈ હતી. સુપ્રીમ કોર્ટની આ ખંડપીઠે પોતે ગત 20મી માર્ચના લીધેલા નિર્ણયને યોગ્ય ઠરાવીને જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ – જનજાતિ વિષયક કાનૂન અંગે તેણે કરેલા સુધારાનો નિર્ણય લેવા અગાઉ તેણે દરેક પાસાઓ અંગે તલસ્પર્શી ચર્ચા- વિચારણા કરી હતી. ઉપરોક્ત ખંડપીઠે કહ્યું હતું કે, અનુસૂચિત- જાતિ- જનજાતિ સમુદાયના અધિકારોની રક્ષા કરવાના  અને તેમના પર અત્યાચાર ગુજારનારા દોષીઓને સજા કરવાના વિચાર સાથે સો ટકા સંમતિ ધરાવે છે. આ કાનૂન હેઠળ તત્કાળ ધરપકડ કરવાની જોગવાઈઓમાં અદાલત દ્વારા કરાયેલા સુધારા અંગે ફેર વિચારણા કરવા માટે ગત બીજી એપ્રિલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે સૂચવેલા સુધારાઓનો વિરોધ કરવા માટે અનસૂચિત જાતિ- જનજાતિના અનેક સંગઠનોએ ભારતબંધનું આયોજન કર્યું હતું. ભારતબંધ દરમિયાન કેટલાક સ્થળે હિંસાત્મક ઘટનાઓ બનવા પામી હતી. જેમાં આઠ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. હવે આ મામલાની વધુ સુનાવણી આગામી 16મેના કરવામાં આવશે એમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here