બ્રિટિશ સંસદમાં દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાને ‘ઈન્ડિયન ઓફ ધ વર્લ્ડ’ એવોર્ડ અપાયો

 

લંડન: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને બ્રિટિશ સંસદમાં ‘ઈન્ડિયન ઓફ ધ વર્લ્ડ’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. અમૃતા ફડણવીસે ટ્વીટ કરી કહ્યુ, બ્રિટનની સંસદમાં ભારત-બ્રિટન સંબંધો મુદ્દે બોલવુ સન્માનની વાત હતી અને બ્રિટનના સંસદમાં ઈન્ડિયન ઓફ ધ વર્લ્ડનો એવોર્ડ પણ મળ્યો. બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યુ કે તેમના પ્રયાસોથી ભારત-બ્રિટનના સંબંધ મજબૂત થયા છે અને સંઘીય, રાજ્ય અને સ્થાનિક સ્તરે આનો વિસ્તાર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમૃતા ફડણવીસ ૨૯ જૂને લંડન પહોંચ્યા અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જઈને દર્શન કર્યા. જ્યાં તેમણે વિશેષ પૂજા કરી અને મહારાષ્ટ્રની સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરી. યુનાઈટેડ કિંગડમનો તેમનો પ્રવાસ એ સમયે થયો જ્યારે મહારાષ્ટ્ર એક મોટા રાજકીય સંકટનો સામનો કરી રહ્યુ હતુ. જોકે આનો અંત ૩૦ જૂનની રાતે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેના મુખ્યમંત્રી બનવા અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસના નાયબ મુખ્યમંત્રી બનવાની સાથે થયો.