બગાડ કલ્ચરની બોલબાલા

0
1175

(ગતાંકથી ચાલુ)
કૃષ્ણે ગીતાના સોળમા અધ્યાયમાં દંભને આસુરી વૃત્તિના પ્રથમ લક્ષણ તરીકે દુર્ગુણોનો આદ્યપિતા ગણાવ્યો અને આપણે દંભને પ્રાણવાયુને સ્થાને બેસાડી દીધો. કૃષ્ણને સહજ કર્મ દોષયુક્ત હોય તોય ત્યજવા યોગ્ય ન લાગ્યું, પરંતુ આપણે કૃત્રિમતાના દુકાનદાર બની બેઠા. કૃષ્ણે સખા અર્જુનની બધી દલીલો ધીરજપૂર્વક સાંભળીને ગીતામાં ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા જીવનયોગનું રહસ્ય બતાવ્યું. આપણને સંતાનોની સાચી દલીલો સાંભળવાની ફુરસદ પણ ન મળી. કૃષ્ણે કુબ્જાનો સ્વીકાર કર્યો, પરંતુ કેટલાક સ્વાદઘેલા પતિદેવોએ ‘દાળ બરાબર નથી’ એમ કહીને પત્નીઓ પર હાથ ઉગામ્યો. પત્ની પતિવ્રતા બને એવું ઇચ્છનારા પુરુષોએ પત્ની ‘મિત્રવ્રતા’ બને એ માટે ઉત્સાહ ન બતાવ્યો. આપણને સહજપણે આવી મળેલા કર્મને કૃષ્ણે સ્વધર્મ ગણાવીને બિરદાવ્યો, પરંતુ આપણે ભ્રષ્ટાચારને રાષ્ટ્રના ચોકમાં રોપીને પ્રતિષ્ઠિત કર્યો. કૃષ્ણની દ્વારિકામાં ‘કનકકોટ ચળકારા કરે’ એવી સમૃદ્ધિ હતી. આપણે આળસની સાધના કરીને ગરીબીને ગળે વળગાડી.
બધી નિરાશા વચાળે હજી કેટલાય પરિવારોમાં ગોકુળ સચવાયું છે. ભારતમાં એવા તો કરોડો પરિવારો છે, જ્યાં સરળતા, સજ્જનતા અને સમભાવનું વૃંદાવન જળવાયું છે. કેટલાય પરિવારો એવા છે, જેમાં પતિ અને પત્ની વચ્ચે મિત્રત્વનું સૌંદર્ય જળવાયું છે. કેટલાય પરિવારોમાં કૃષ્ણનું સાહિત્ય વંચાય છે. લાખો પરિવારોમાં રામાયણનું પારાયણ થાય છે. કેટલાય પરિવારોમાં નિશાળે જતી વખતે સંતાનો માબાપને જેશ્રીકૃષ્ણ કહે છે. કેટલાય પરિવારો નિર્વ્યસની જીવન ગાળીને સહજ સુખનો અનુભવ કરે છે. કેટલાંય ઘરો એવાં છે, જ્યાં કામવાળી સાથે (પરિવારના સભ્ય સાથે થાય એવો) ભદ્ર વ્યવહાર થાય છે. કેટલાય પરિવારોમાં સંતાનો વિવેકપૂર્વક માતાપિતા સાથે તીવ્ર દલીલબાજી કરી શકે છે અને કેટલાંય માતાપિતા સંતાનોની સાચી વાત સ્વીકારે પણ છે. આવા પરિવારોનું યોગક્ષેમ સાચવી લેવા માટે લીલાપુરુષ એવા સર્વલોકમહેશ્વર કૃષ્ણ ટાંપીને બેઠા છે. આપણી અર્જુનતા સચવાઈ જાય તો પાર્થસારથિ સામે જ બેઠા છે. આવા પવિત્ર પરિવારોમાં મહેમાનનું અભિવાદન સો ટચના ઉમળકા સાથે થતું હોય છે. ઉમળકા વિનાનું ઘર એ કંસનું ઘર છે. વેરભાવથી ભરેલો માણસ શિશુપાલ છે. ઈર્ષ્યા અને દ્વેષથી ભરેલો માણસ દુર્યોધન છે. મોહમાં અંધ બનેલો નેતા ધૃતરાષ્ટ્ર છે. હે ગોવિન્દ! અસ્તિત્વનો ઉત્સવ ચાલતો હોય એવા નિર્મળ પરિવારોને બચાવી લેજો. શ્રાવણનાં ઝરમરિયાં મનને કૃષ્ણસુગંધથી અને સ્મરણમધુરા રાધાની ભક્તિથી ભરી દેનારાં છે. જ્યાં પ્રસન્ન પરિવાર હોય ત્યાં પ્રેમાનંદના શબ્દો સાચા પડે છેઃ અઢળક ઢળિયો રે શામળિયો!
આજનો માણસ એવા ભગવાનની શોધમાં છે, જે એની ઝંખનાનો આદર કરે. જીવન સતત બે પ્રદેશોમાં આવનજાવન કરતું રહે છેઃ એક છે ધર્મપ્રદેશ અને બીજો છે ઝંખનાપ્રદેશ. ધર્મપ્રદેશનો સંબંધ માણસ કેવો હોવો જોઈએ તેની સાથે છે. ઝંખનાપ્રદેશનો સંબંધ માણસની પ્રકૃતિદત્ત ઝંખના સાથે છે. ગમે તેવો મોટો ધર્મપુરુષ પણ ઝંખનામુક્ત નથી હોતો. ઝંખનાપ્રદેશ અને ધર્મપ્રદેશ વચ્ચે બાપે માર્યાં વેર નથી. માણસે પોતાની ઝંખનાને ધર્માનુકૂલ બનાવવા મથવાનું છે. ઝંખનાનો ધરાર અનાદર કરવામાં પ્રતિક્રિયાના ઉકરડા સર્જાય છે. કૃષ્ણ ગીતામાં સ્પષ્ટ કહે છેઃ ‘ધર્મથી વિરુદ્ધ નહિ એવો કામ હું છું.’ (7, 11) કૃષ્ણની આવી ખૂબીનો જોટો જડે તેમ નથી. કહે છે કે કામદેવને બે પત્નીઓ હતી (1) રતિ અને (2) પ્રીતિ. રતિ માનવીની દેહપ્રધાન કામઝંખનાનું પ્રતીક છે. પ્રીતિ માનવીની આત્મપ્રધાન પ્રેમઝંખનાનું પ્રતીક છે. રતિની અવગણના ધર્મને નામે ન થવી જોઈએ. રતિ સાથે જોડાયેલા ઝંખખાપ્રદેશને વટાવીને પ્રીતિના ધર્મપ્રદેશમાં પ્રવેશવાનું છે. રાસલીલામાં રતિ અને પ્રીતિ એકમેકને પામે છે. રતિ અને પ્રીતિ વચ્ચેનું આવું સમ્યકદર્શન કૃષ્ણની મૌલિક ભેટ છે. આવું ઊર્ધ્વારોહણ સમગ્ર વિશ્વને વૃંદાવનના સૌંદર્ય, માધુર્ય અને સાહચર્યથી રળિયામણું બનાવશે.
બગાડ કલ્ચરની બોલબાલા
લગ્નના રિસેપ્શનમાં જવાનું બને ત્યારે ઝીણી નજરે એક બાબત જોતાં રહેજો. લોકો પ્લેટ ભરીને વાનગીઓની ઢગલી કરે છે અને છેવટે અડધોઅડધ અન્ન છાંડે છે. આવો ગુનો ફોજદારી ગુનો નથી ગણાતો એથી કોઈ સજા થતી નથી. અન્નનું અપમાન એ બ્રહ્મનું અપમાન છે. ઈશ્વર હોય કે ન હોય, બ્રહ્મ (કોસ્મોસ) તો છે જ! લોકો મોટી સંખ્યામાં ભૂખે મરતા હોય ત્યારે અન્નનો આવો બગાડ દેશદ્રોહ ગણાવો જોઈએ. સુખી માણસ એટલે એવો માણસ, જે ખાય ઓછું ને બગાડે વધારે!
અન્નના બગાડની હરીફાઈ કરે એવો બીજો વીજળીનો બગાડ છે. બેડરૂમમાંથી બહાર નીકળતી વખતે એસી બંધ કરવાની જરૂર સુખી માણસને જણાતી નથી. બાથરૂમ છોડીને બહાર નીકળનાર બાથરૂમની લાઇટ ચાલુ જ રાખે છે. રસોડું છોડીને ઘરમાં સૌ ડ્રોઇંગરૂમમાં આવી જાય તોય રસોડાની લાઇટ ચાલુ! કોના પિતાશ્રીની દિવાળી? મંત્રીઓનાં ઘરમાં વીજળીનો બગાડ સૌથી વધારે થાય છે, કારણ કે વીજળીનું બિલ સરકાર ચૂકવે છે. એવો જ બગાડ પેટ્રોલ અને ડીઝલનો થતો રહે છે. ગરીબી હઠીલી છે. બગાડ આપણી બેદરકારીનું સંતાન છે. અમીરી અને બગાડ વચ્ચે લવ-અફેર હોય છે.
પાણીના બગાડની તો વાત જ કરવા જેવી નથી. કેટલાય બાથરૂમ એવા છે, જેમાં ગરમ પાણી નળમાં આવવા માંડે એ પહેલાં ત્રણ-ચાર બાલદી ઠંડું પાણી લોકો અમથું ઢોળી દેતા હોય છે. વાસણ માંજવા બેસતી કામવાળી પાંચ વાસણ સાફ થઈ શકે એટલા પાણીમાં એક વાસણ સાફ કરે છે. પાણીની તકલીફ હવે કેવળ ઝૂંપડપટ્ટીમાં રહેનારને સતાવે છે. ખરેખરી તકલીફ નપાણિયાં ગામોમાં વસનારી સ્ત્રીઓ ભોગવતી રહે છે. વિનોબા કહે છેઃ ‘જળ ઈશ્વરની એક વિભૂતિ છે.’ ખુલ્લો રહી ગયેલો નળ એટલે અમથી વહી જતી બેદરકારી!
સહેલાઈથી ટાળી શકાય એવો બગાડ કરવાની ટેવ અસભ્યતાનું લક્ષણ છે. ગરીબીનો પ્રશ્ન ન હોય તોય બગાડ કરવાનું બરાબર નથી. અન્ન, વીજળી અને પાણી ઉપરાંત બગાડ કલ્ચરની બોલબાલા બધેબધ જોવા મળે છે. લોકોને સમય વેડફી મારવાની કુટેવ હોય છે. એ જ રીતે ઘણા માણસો શબ્દો વેડફી મારે છે. સમય, શબ્દ અને પુષ્પ ન વેડફે એ માણસ સંસ્કારી ગણાય. પૈસો હોય એ ઘરમાં સંસ્કાર હોય જ એવું થોડું છે? સોનામાં સુગંધ ભળે એવું વારંવાર નથી બનતું, બંગલા બે જાતના હોય છે. એક બંગલામાં સુખ, શાંતિ, સંસ્કાર અને સમૃદ્ધિ સંપીને રહે છે. બીજા બંગલામાં શાંતિ, સંસ્કાર અને સુખ ન હોય તોય પૈસો જરૂર હોય છે. પહેલા પ્રકારના બંગલામાં લક્ષ્મી હોય છે, જ્યારે બીજા પ્રકારના બંગલામાં કેવળ ધન હોય છે. બીજા પ્રકારના બંગલામાં મહેમાન થવાનું ટાળવું જોઈએ.

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here