પાકિસ્તાનમાં લોકો શ્રીલંકાની જેમ રસ્તા પર ઉતરશેઃ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાનખાનની ચેતવણી

ઈસ્લામાબાદઃ આર્થિક મોરચે બરબાદ થઈ ચુકેલા પાકિસ્તાનમાં જો ચૂંટણી કરાવવામાં નહીં આવે તો લોકો રસ્તા પર ઉતરશે તેવી ચેતવણી પૂર્વ પાકપ્રધાનમંત્રી અને તહેરિક એ ઈન્સાફ પાર્ટીના ચેરમેન ઈમરાનખાને આપી છે. તેમનુ કહેવુ છે કે, જો ચૂંટણી નહીં યોજાય તો દેશમાં હિંસક દેખાવો થઈ શકે છે. પાકિસ્તાનની સ્થિતિ શ્રીલંકા જેવી થઈ શકે છે. આ મારી ચેતવણી પણ છે અને એનાલિસિસ પણ છે. લોકો અત્યારે રેલીઓમાં શાંતિ રાખી રહ્યા છે. કારણકે તેમને આશા છે કે, બહુ જલ્દી ચૂંટણી થશે. ઈમરાને પાર્ટીના કાર્યકરો સાથે વાત કરતા કહ્યુ હતુ કે, મતદાન કરવાના અધિકારથી જો લોકોને વંચિત રાખવામાં આવ્યા તો તેઓ રસ્તા પર ઉતરી શકે છે. તે વખતે સ્થિતિ કાબૂ બહાર જતી રહેશે. અત્યારની સરકાર ચૂંટણી ટાળી રહી છે. કારણકે તેને હારનો ડર છે. અમે ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટે કરેલી અપીલ બાદ સરકાર સાથે વાતચીત કરવા માટે સંમત થયા છે. તમામ પક્ષોએ ઈમાનદારી સાથે વાતચીતના ટેબલ પર આવવુ પડશે. અમારી ટીમ વાતચીત કરવા માટે તૈયાર છે અને જો સરકાર લોકસભા તેમજ તમામ રાજ્યોની વિધાનસભાનો ભંગ કરીને એક સાથે તમામ ચૂંટણી કરાવવાની પ્રતિબધ્ધતા દર્શાવશે તો વાતચીત આગળ વધશે. હવે દેશની નજર સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોએ મતભેદો ભુલાવીને દેશ માટે એક થવાની જરુર છે. મારી પાર્ટી ઈસ્લામાબાદ, લાહોર અને પેશાવરમાં સોમવારે શ્રમિક દિવસ નિમિત્તે રેલી યોજશે.