ગેહલોત આ ઉંમરે ખોટા દોડાદોડી કરી રહ્યા છેઃ ગૃહમંત્રી અમીત શાહ

રાજસ્થાનઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર તેજ બન્યો છે. આ અભિયાનને આગળ વધારવા માટે આજે ઉદયપુર પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધતા કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોત આ ઉંમરે કોઈ ખોટી દોડાદોડી કરી રહ્યા છે. કોઈ તેમને આ મીટિંગનો વિડિયો મોકલે, તેમને ખબર પડશે કે તેમની સરકારનો જવાનો સમય આવી ગયો છે. ગેહલોતનું લક્ષ્ય તેમના પુત્ર વૈભવને મુખ્યમંત્રી બનાવવાનું છે.
ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસ પર પણ ગેહલોત રાજનીતિ કરી રહ્યા છે. ગેહલોત હત્યારાઓને પકડવા પણ નહોતા માંગતા, NIAએ તેમને પકડ્યા અને ગેહલોત જૂઠું બોલે છે કે કોઈ કાર્યવાહી થઈ નથી. હું કહું છું કે જો સુનાવણી વિશેષ અદાલતમાં થઈ હોત તો હત્યારાઓને ફાંસી આપવામાં આવી હોત. એટલું જ નહીં, ગેહલોત સરકારના એડવોકેટ જનરલ પાસે જયપુર બ્લાસ્ટના આરોપીઓને સાંભળવાનો સમય પણ નથી.
છેલ્લા દિવસોમાં પટનામાં 21 પક્ષોના લોકો એકઠા થયા હતા. આ લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. જો મોદી ફરી વડાપ્રધાન બનશે તો ભ્રષ્ટાચારીઓ જેલના સળિયા પાછળ જશે. 21 પક્ષોનું લક્ષ્ય તેમના પુત્રોનું ભવિષ્ય છે. સોનિયા ગાંધીનો ઉદ્દેશ્ય રાહુલને વડાપ્રધાન બનાવવાનો છે, લાલુ યાદવનો હેતુ પુત્ર તેજસ્વીને મુખ્યમંત્રી બનાવવાનો છે, મમતા બેનર્જીનો હેતુ ભત્રીજા અભિષેકને મુખ્યમંત્રી બનાવવાનો છે અને અશોક ગેહલોતનો હેતુ તેમના પુત્ર વૈભવને મુખ્યમંત્રી બનાવવાનો છે.
યુપીએ સરકાર 10 વર્ષ સુધી ચાલી. આદિવાસી બાળકોને ભણાવવા માટે માત્ર 90 શાળાઓ હતી. ભાજપે 500થી વધુ શાળાઓ બનાવી છે. અગાઉ આદિજાતિ મંત્રાલયનું બજેટ 1000 કરોડ હતું, વડાપ્રધાન મોદીએ તેને વધારીને 15000 કરોડ કરી દીધું. અટલ બિહારી વાજપેયીએ જ આદિજાતિ મંત્રાલયની રચના કરી હતી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ભૈરોં સિંહ શેખાવતે આદિવાસીઓ માટે અનામત વધાર્યું હતું.
વડાપ્રધાન જ્યારે G-7 સમિટમાં ગયા ત્યારે કોઈ તેમના ઓટોગ્રાફ લેવામાં વ્યસ્ત હતા, તો કોઈ તેમના ચરણ સ્પર્શ કરી રહ્યું હતું. આ સન્માન મોદી કે ભાજપનું નહીં પણ મેવાડ, રાજસ્થાન અને દેશના લોકોને વિશ્વમાં મળી રહ્યું છે. દેશભરમાં મોદીજી માટે જે સમર્થન જોવા મળી રહ્યું છે તેના પરથી એ નિશ્ચિત છે કે મોદીજી 2024માં ફરી એકવાર 300થી વધુ સીટો સાથે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. 2023માં રાજસ્થાનમાં ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે.
અગાઉ જ્યારે વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે જાહેર સભામાં અમિત શાહને ભાષણ માટે બોલાવ્યા ત્યારે તેમણે વસુંધરા રાજેને બોલવા માટે ઈશારો કર્યો હતો. અમિત શાહના કહેવા પર વસુંધરાએ ભાષણ આપ્યું હતું. વસુંધરા પહેલા પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ ભાષણ આપ્યું હતું, ત્યારબાદ સીધા જ અમિત શાહના ભાષણનો કાર્યક્રમ હતો. શાહના પગલાનું રાજકીય મહત્વ પણ કાઢવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here