પાક.ની ચાર સબમરીન્સ અરબી સમુદ્રમાં ઊતરીઃ રિલાયન્સ, કંડલા, સિક્કા ટાર્ગેટ

ભુજઃ પાકિસ્તાન-ભારત વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમાના અતિસંવેદનશીલ એવા અરબી સમુદ્રના સરક્રિક વિસ્તારમાં પાકિસ્તાને ગોરીલા હુમલો કરી શકે એ હેતુથી એકસાથે ચાર-ચાર મિની સબમરીન્સ ઉતારતાં હડકંપ મચી જવા પામ્યો છે અને ભારતીય સુરક્ષાદળોએ આ હિલચાલને અતિગંભીર ગણાવી છે. તુર્કી બનાવટની આ મિની સબમરીન્સ રડાર પર સરળતાથી ડિટેક્ટ કરી શકાતી નથી, તેથી આ મામલો વધુ ગંભીર બનવા પામ્યો છે.
દરમિયાન ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન દ્વારા ભારતમાં ટાર્ગેટ કરવાનું એક નવું લિસ્ટ બનાવાયું છે, જેમાં ગુજરાતનાં ખાસ કરીને કચ્છમાં આવેલાં મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક મથકોનો સમાવેશ કરાયો છે.
આ નવી નાપાક યાદીમાં પોરબંદરના નેવલ બેઝ ઉપરાંત કચ્છમાં આવેલા ભુજ અને નલિયા એરબેઝનું નામ બીજા જ ક્રમે હોવાને કારણે ભારતીય સુરક્ષાદળો ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ઊઠી છે.
થોડા દિવસ પહેલાં જ તુર્કીના સેનાધ્યક્ષની પાક મુલાકાત બાદ ભારત-પાક વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમાના અતિસંવેદનશીલ સરક્રિકના વિસ્તાર માટે ખાસ તૈયાર કરાયેલી આ ચાર મિની સબમરીન્સ હાલ કરાંચીના કેટી બંદર પાસેના કિયોમારી પોર્ટ પર રખાઈ છે, જે ટૂંકમાં કચ્છને અડકીને આવેલા પાકિસ્તાનના ક્રિક વિસ્તારમાં ફરતી થઈ જશે. ભારતીય સુરક્ષાદળો દ્વારા આ મહત્ત્વની બાબત અંગે કેન્દ્રના ગૃહ વિભાગને જાણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પરંપરાગત રીતે સબમરીન કરતાં વધુ નાની દેખાતી આ ટર્કીશ બનાવટની પનડુબ્બીને ડિટેક્ટ કરવી વધુ મુશ્કેલ હોવાથી સમગ્ર મામલો ચિંતાનો વિષય બન્યો હોવાનું ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીનાં સૂત્રો માની રહ્યાં છે.
ક્રિકના છીછરા પાણીમાં હાલની સબમરીન કામ ન લાગતી હોવાની સ્થિતિમાં આ નવી મિની સબમરીન નાપાક ઇરાદા પાર પાડવા માટે તહેનાત કરાઈ છે. નવી નાની સબમરીનના આવવાથી અત્યારસુધીમાં પાક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ઇટાલિયન બનાવટની એમજી ૧૧૦ પનડુબ્બીને હટાવવામાં આવશે. આ ચાર સબમરીન્સમાં પાક.ના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના નેવલ કમાન્ડોઝ તહેનાત રહેશે એવું માનવામાં આવી રહ્યું છે.
હવે પાકિસ્તાનના નવા નાપાક ટાર્ગેટ લિસ્ટમાં કચ્છના કંડલા બંદર ઉપરાંત સિક્કા પોર્ટ અને જામનગરની રિલાયન્સ ઓઇલ રિફાઇનરીનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here