દ્રૌપદી મુર્મૂની સાદગી, સરળતા ઊડીને આંખે વળગી

 

ક્લાસના મોનિટરથી લઈને દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનારા દ્રૌપદી મુર્મૂની સાદગી શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઉડીને આંખે વળગી. જ્યારે તેઓ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટે શપથ લેવા માટે સંસદ ભવન પહોંચ્યા તો તેમની સાદગી બધાને સ્પર્શી ગઈ. સંથાલી સાડી, સફેદ હવાઈ ચપ્પલમાં તેમણે સંસદના કેન્દ્રીય કક્ષમાં દેશના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ઓડિશાના મયૂરભંજ જિલ્લાથી રાયસીના હિલ્સની સૌથી મોટી ઈમારતમાં ડગ ભરનારા દ્રૌપદી મુર્મૂની સરળતામાં કોઈ જ કમી નથી આવી. 

દ્રૌપદી મુર્મૂએ સંથાલી સાડી પહેરીને રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. સંથાલી સાડીઓના એક છેડે કેટલીક ધારીઓનું કામ હોય છે અને સંથાલી સમુદાયની મહિલાઓ તેને ખાસ અવસરે પહેરે છે. સંથાલી સાડીઓમાં બંને છેડે એક સમાન ડિઝાઈન હોય છે. આ ખાસ અવસરે મુર્મૂએ પણ આ જ પ્રકારની સાડી પહેરી. 

દેશના સર્વોચ્ચ પદ માટે શપથ લેનારા દ્રૌપદી મુર્મૂએ આ સમયે પણ સાદગી છોડી નહિ. સફેદ રંગની સાડી પર લીલા અને લાલ રંગની ધારીની ડિઝાઈન, સફેદ હવાઈ ચપ્પલ પહેરીને તેઓ સંસદના કેન્દ્રીય કક્ષમાં પહોંચ્યા. તેમને દેશના ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ શપથ લેવડાવ્યા. 

આગામી પાંચ વર્ષ સુધી દ્રૌપદી મુર્મૂ દેશના રાષ્ટ્રપતિ ભવનમાં નિવાસ કરશે. જ્યારે તેઓ ઝારખંડના રાજ્યપાલ હતા ત્યારે પણ તેમની સાદગી ચારેકોર ચર્ચામાં રહેતી હતી. હવે રાષ્ટ્રપતિ ભવનમાં પણ મુર્મૂની એ જ સરળતા જોવા મળશે.