ઘણું ધન પહેલેથી હોવાથી ચીનને લોન ન આપોઃ ટ્રમ્પનું વર્લ્ડ બેન્કને નિવેદન

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ બેન્કને કહ્યું હતું કે ચીનને લોન આપવાનું હવે બંધ કરો. ટ્રમ્પે શુક્રવારે ટ્વીટમાં અમુક સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે વર્લ્ડ બેન્ક શા માટે ચીનને લોન આપી રહી છે? એની પાસે પહેલાંથી ઘણું ધન છે અને જો નથી તો પેદા કરવું જોઈએ. ટ્રમ્પના આરોપોનું નાણામંત્રી સ્ટીવન ન્યુકિને પણ સમર્થન કર્યું. ન્યુકિને કહ્યું હતું કે ચીન પહેલાંથી જ નાના દેશોને અરબો ડોલર લોન તરીકે આપી રહ્યું છે તો પછી એને લોનની શું જરૂરત છે. સંસદમાં આપેલા નિવેદનમાં નાણામંત્રીએ કહ્યું હતું કે અમેરિકાએ ચીનને મળનારા બહુવર્ષીય લોન કાર્યક્રમ પર આપત્તિ દર્શાવી છે.
વર્લ્ડ બેન્કે ચીનને ૨૦૧૯ના નાણાકીય વર્ષમાં લગભગ ૧.૩ અરબ ડોલર (૯૨૬૮ કરોડ રૂપિયા)ની લોન આપી હતી. એ ૨૦૧૭ની ૨.૪ અરબ ડોલર(૧૭૧૧૧ કરોડ રૂપિયા)ની સરખામણીએ અડધી છે. છેલ્લાં પાંચ વર્ષમાં વર્લ્ડ બેન્કે ચીનને એવરેજ ૧.૮ અરબ ડોલર(૧૨૮૩૩ કરોડ રૂપિયા)ની લોન આપી છે. વર્લ્ડ બેન્ક બોર્ડે ગુરુવારે જ ચીનને આધારભૂત અને પર્યાવરણીય માળખામાં સુધારા માટે પાંચ વર્ષના લોન કાર્યક્રમ પર વિચાર શરૂ કર્યો છે. બેન્કે ચીનની મદદ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. જોકે બોર્ડનું કહેવું છે કે દર વર્ષે મળનારી લોન ટૂંક સમયમાં જ સમાપ્ત થશે. વર્લ્ડ બેન્કમાં ચીન મામલાઓના નિર્દેશક માર્ટિન રેજરે કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં જ ચીનને મળનારી લોનમાં કપાત કરીશું. એ અમારી વચ્ચેના સંબંધોના વિકાસને દર્શાવશે. અમારો સંબંધ માત્ર અમુક મુખ્ય મુદ્દાઓ પર રહેશે. વર્લ્ડ બેન્ક તરફથી ઉધાર ઘટાડવાના આશ્વાસન છતાંય અમેરિકાએ ચીનને લોન આપવા પર આપત્તિ દર્શાવી છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે ચીન બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે અને પોતે એની જરૂરિયાત પૂરી કરી શકે છે. વર્લ્ડ બેન્કને માત્ર ગરીબ દેશોની ભલાઈ માટે એનાં આર્થિક સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ.
ટ્રમ્પ તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ચીન નવા વેપાર કરાર પર સહમતી બનાવવા માટે કામ કરી રહ્યા છે. અમેરિકા હમણાં ચીનના ૫૫૦ અરબ ડોલર(લગભગ ૩૯ લાખ કરોડ રૂપિયા)નાં ઉત્પાદનો પર ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવી ચૂક્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલાં મે મહિનામાં ચીનના ૨૫૦ અરબ ડોલર(લગભગ ૧૮ લાખ કરોડ રૂપિયા)ની આયાત પર ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરી દીધી છે. ત્યાર બાદ તેમણે પહેલી સપ્ટેમ્બરથી ૩૦૦ અરબ ડોલરના વધારાની ચાઇનીઝ આયાત પર ૧૦ ટકા ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here