કેનેડામાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવામાં આવી

Image of Mahatma Gandhi from the Reuters archives

ટોરોન્ટોઃ કેનેડામાં તાજેતરમાં જ ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે જેમાં હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા મિસીસૌગામાં એક રામ મંદિરને ભારત વિરોધી ભીતચિત્રોથી વિકૃત કરવામાં આવ્યું હતું. કેનેડાના બર્નાબીમાં યુનિવર્સિટી કેમ્પસમાં મહાત્મા ગાંધીની બીજી પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે. વૈંકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ અંગે માહિતી આપી હતી. મળતી માહિતી પ્રમાણે આ પ્રતિમા સિમોન ફ્રેઝર યુનિવર્સિટીના બર્નાબી કેમ્પસમાં પીસ સ્ક્વેરમાં મૂકવામાં આવી હતી.
કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કર્યું કે, અમે સિમોન ફ્રેઝર યુનિવર્સિટીના બર્નાબી કેમ્પસમાં શાંતિના પ્રણેતા મહાત્મા ગાંધીની પ્રતિમાની અપમાનની સખત નિંદા કરીએ છીએ અને કેનેડિયન સત્તાવાળાઓને આ મામલાની તાત્કાલિક તપાસ કરવા અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા વિનંતી કરીએ છીએ. ગત વર્ષે જુલાઈમાં કેનેડાના રિચમંડ હિલમાં વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી જેની ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા સખત નિંદા કરવામાં આવી હતી.
દૂતાવાસે એક ટ્વિટમાં કહ્યું હતું કે, રિચમંડ હિલના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાના અપમાનથી અમે વ્યથિત છીએ. તોડફોડના આ ગુનાહિત ધિક્કારપાત્ર કૃત્યથી કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે.