વિશ્વમાં સૌથી મોંઘી કેરીઃ બે કિલોના ભાવમાં કાર આવી જાય, એક કિલોના રૂ. ૨.૭૦ લાખ

મિયાઝાકીઃ કેરીને ફળોનો રાજા કહેવાય છે. ઉનાળા સાથે દેશમાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. વિશ્વમાં ભારતને કેરીની વિવિધ જાતો માટે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં ઉત્પાદિત થતી કેરીની વિશ્વના અનેક દેશોમાં નિકાસ પણ થાય છે. ભારત દશેરીથી લઈને લંગડા અને આલ્ફોન્સોથી લઈને બંબૈયા સુધીની મીઠાસ વિશ્વભરમાં ફેલાવે છે. જોકે, હવે કેરીની નવી વેરાયટી માર્કેટમાં આવી ગઇ છે, જેને વિશ્વની સૌથી મોંઘી કેરી કહેવામાં આવી રહી છે. દેશમાં મોંઘવારી વધી રહી છે, એટલે ભારતના ૯૯.૯૯ ટકા લોકો પાસે આ ફળ ખરીદવાની ક્ષમતા નથી તેમ કહી શકાય. આ કેરી વિશ્વની સૌથી મોંઘી કેરી છે કારણ કે, ધનવાન લોકોના પરિવારો પણ આખી સિઝનમાં આ કેરીઓ ખાઈ શકતા નથી. આ કેરી આપણા દેશમાં ઉગાડવામાં આવતી કેરીની ખાસ જાત જેવી જ છે. સિંદુરિયા સિઝનના મધ્યમાં અહીં સામાન્ય માર્કેટમાં આવી જાય છે. આ કેરી ખૂબ જ સુંદર દેખાવ ધરાવે છે, આ કેરી પોતાના સ્વાદ માટે નહીં પરંતુ કિંમતના કારણે જાણીતી છે. જો સ્વાદની વાત કરીએ તો, દેશમાં લંગડા, દશેરી અને આલ્ફોન્સો પ્રખ્યાત છે. આજે આપણે જે વેરાયટી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેની કિંમત ૨.૭૦ લાખ રૂપિયા પ્રતિ કિલો છે. તેનું ઉત્પાદન જાપાનના મિયાઝાકી શહેરમાં થાય છે. આ કેરીને મિયાઝાકી કહેવામાં આવે છે. સામાન્ય રીતે કેરીના ઉત્પાદનની બાબતમાં આપણો દેશ ભારત વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ, આ મિયાઝાકી કેરીના નામની પાછળ તેના ઉત્પાદન પ્રદેશની ઓળખ છુપાયેલી છે. આ કેરીની ખેતી જાપાનના કયુશુ પ્રદેશના મિયાકાજી શહેરમાં થાય છે. તેથી જ તેનું નામ મિયાકાજી કેરી પણ છે. જાપાનીઝ કેરીનું વજન લગભગ ૩૫૦ ગ્રામ હોય છે અને તેમાં લગભગ ૧૫ ટકા શુગર જોવા મળે છે. દુનિયાની સૌથી મોંઘી કેરીના ભાવ પર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ કિલો ત્રણ લાખ રૂપિયા છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૧માં તે ૨.૭૦ લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. વિશ્વમાં કેરી મુખ્યત્વે ભારતીય ઉપખંડમાં ઉગાડવામાં આવે છે. ભારત સહિતના દેશોની તમામ જાતોની કેરીનો રંગ મુખ્યત્વે પીળો અને લાલ હોય છે. પરંતુ, આ જાપાનીઝ મિયાઝાકીનો રંગ જાંબલી હોય છે. જાપાનના મિયાઝાકી લોકલ પ્રોડક્ટ એન્ડ ટ્રેડ પ્રમોશન સેન્ટરના જણાવ્યા અનુસાર આ કેરીનું ઉત્પાદન એપ્રિલથી ઓગસ્ટ થાય છે. સમગ્ર જાપાનમાં વેચાતી આ કેરી દક્ષિણ એશિયામાં ઉગાડવામાં આવતી કેરીથી સંપૂર્ણપણે અલગ છે. મિયાઝાકી લોકલ પ્રોડક્ટ એન્ડ ટ્રેડ પ્રમોશન સેન્ટરના જણાવ્યા અનુસાર આ કેરીમાં વિશેષ પોષક જોવા મળે છે. આ કેરીમાં એન્ટીઓક્સીડેન્ટ બીટાકેરોટીન અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. સેન્ટરનો દાવો છે કે આ બંને વસ્તુઓ આંખોની રોશની માટે ખૂબ જ અસરકારક છે, નબળી દ્રષ્ટિને દૂર કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરતા પહેલા દરેક કેરીની યોગ્ય ચકાસણી કરવામાં આવે છે. જાપાનમાં ૧૯૭૦-૮૦ના દાયકાથી આ કેરીની ખેતી કરવામાં આવી રહી છે. જોકે હવે પાંચ દાયકા બાદ આ મિયાઝાકીના છોડ ભારત, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને ફિલિપાઈન્સ જેવા દેશોમાં વાવવામાં આવ્યા હોવાના અહેવાલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here