સુરેન્દ્રનગરમાં 72મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

સુરેન્દ્રનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝાલાવાડની ધરતી પરથી 72માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી દરમિયાન તિરંગો લહેરાવી તેને સલામી આપી પ્રજાજોગ સંદેશમાં ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા આલેખી હતી. તેમણે ગુજરાતને સામાજિક સમરસતા, સૌહાર્દભર્યા નવા ગુજરાતના નિર્માણ સાથે ‘સૌનો સાથ સૌનો વિકાસ’નો મંત્ર આ સરકારે ચરિતાર્થ કર્યો હોવાનું જણાવ્યું હતું. સુરેન્દ્રનગરમાં હકડેઠઠ જનમેદનીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વમાં રાષ્ટ્રભક્તિનો પ્રચંડ જુવાળ જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રીએ પ્રવચનના પ્રારંભે આઝાદી સંગ્રામના શિરમૌર એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, અદિવાસી વન બંધુઓના ક્રાંતિ સંગ્રામના પ્રણેતા ગોવિંદા ગુરુ, રવિશંકર મહારાજ, કનૈયાલાલ મુનશી, જેવા અનેક વીર સપૂતોનું સ્મરણ કરી તેમને વંદન કર્યાં હતા અને ગુલામી કાળ ન જોયો હોય એવી નવી પેઢીને સ્વરાજ્ય મળ્યા બાદ સુરાજ્યની રચનામાં લાગી જવા આહ્વાન કર્યું હતું.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે આપણા દેશમાં એક મોટી પેઢી એવી છે જેણે ના તો ગુલામી જોઇ છે, ના ગુલામીની યાતનાની એને કલ્પના છે. તેથી આઝાદીનું મુલ્ય અને આઝાદીનું જતન સંવર્ધન માટે પેઢીને પણ પ્રેરિત કરીને આપણે સૌએ મહામુલ્ય આઝાદીના જતન માટે સહિયારો પુરુષાર્થ કરવો પડશે.
તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી અને 31 ઓક્ટોબરે સરદાર પટેલના જન્મ દિને નર્મદા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દઘાટનની વિગતો આપી હતી. આગામી જાન્યુઆરી માસમાં વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજનારી સમિટમાં મધ્યમ અને નાનાકદના ઉદ્યોગો પર લક્ષ્ય આપવામાં આવશે, તેમ જણાવ્યું હતું. મુખ્ય સચિવ જે. એન. સિંઘ તથા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા મુખ્યમંત્રીને ધ્વજવંદન તરફ દોરી ગયા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપી હતી. હર્ષધ્વની સાથે ઉપસ્થિત જનમેદનીએ તિરંગાને દેશભાવ સાથે સલામી આપી હતી.
બાદમાં મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં બેસી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. રંગારંગ અને દિલધડક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થઇ હતી. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.