સેવા અને સખાવતના વ્યસનીઃ ડો. વિજય દવે


દરેક વસ્તુને બે પાસાં હોય છે. કોઈ એકમાં સંપૂર્ણ દુર્ગુણ ભંડાર હોય અને બીજામાં માત્ર સદ્ગુણ હોય તેવું નથી. વ્યસન ખરાબ છે તો સારું પણ છે. દારૂ, જુગાર, ચા, ધૂમ્રપાન, ડ્રગ્ઝનું વ્યસન જેને વળગે તે વખોડાય, પણ કેટલાંક વ્યસન માનવીને વખાણ પણ આપે છે. ડો. વિજય દવે આવા એક વ્યસની છે. તેમનું વ્યસન છે જનસેવા.
સેવા અને સખાવતનું વળગણ જેમનું વ્યસન છે એવા ડો. વિજય દવે નોખી ભાતના, સૌને ભાવતા, ફાવતા અને ગમતા વિરલ અને વિશિષ્ટ માનવી છે.
ઈડર તાલુકાનું નાનકડું ગામ વસઈ તે એમના બાપદાદાનું વતન. વિજયભાઈ મુંબઈમાં ઊછર્યા અને ભણ્યા. ડો. પિતા ભોગીલાલના એ વહાલસોયા દીકરા. મુંબઈમાં ભણ્યા અને ઘડાયા.
વિજયભાઈના દાદા ગૌરીશંકર 1944માં સોળ વર્ષની વયે મુંબઈ આવીને વસ્યા. બ્રાહ્મણ જીવ. મુંબઈના કાલબાદેવીમાં આવેલા રામજી મંદિરે બેસે. ભજન-કીર્તન કરે અને બોલાવે તેને ત્યાં પૂજાપાઠ કરવા પહોંચે. આમાંથી પરિચયે વેપારી બન્યા. દીકરા ભોગીલાલને ભણાવીને ડોક્ટર બનાવ્યા. ભોગીલાલ દર્દીમાં દેવ જોનારા, પૈસાને બદલે પરમાર્થના પૂજક. એમના મોટા દીકરા વિજયભાઈ. વિજયભાઈ બાપની જેમ ડોક્ટર થયા અને 1973માં શિકાગો આવ્યા. 1975 સુધી વિજયભાઈ શિકાગો રહ્યા. આ પછી આવ્યા ઇન્ડિયાના રાજ્યના મનસ્ટરમાં. તેઓ મેરીલવિલ અને હોબાર્ટ વિસ્તારમાં. ચાર દશકાની એમની સેવાથી ખ્યાતિ પામ્યા છે. તેઓ પાંચ પાંચ હોસ્પિટલોમાં સેવા આપે છે. તેઓ હાર્ટના ખૂબ જાણીતા ડોક્ટર છે. સંખ્યાબંધ દર્દીઓને તેઓ મોતના મુખમાંથી પાછા લાવ્યા છે. વિના ઓળખાણે, માત્ર પહેલી જ મુલાકાતમાં દર્દીની જરૂરિયાત જોઈને તેમણે ફી જતી કરી હોય તેવા સેંકડો કિસ્સા છે. વધારામાં પોતાની પાસેના સેમ્પલની દવા પણ આપે. ખૂટે તો પોતાના પૈસે લાવીને આપે.
વિજયભાઈએ 1973થી 1975 સુધીનાં બે વર્ષમાં 5000 કરતાં વધારે દર્દીનું મેડિકલ ચેક-અપ કર્યું હશે. રજાના દિવસે પણ કામ કરવાની ત્યારે પડેલી ટેવ ચાર દશકા કરતાં વધારે સમયથી ચાલુ રહી છે.
મેરીલવિલની હોસ્પિટલમાં ડો. દવે કામ કરે છે ત્યાં ડોક્ટરો અને હોસ્પિટલના સંચાલકો આ અલગારી જીવની સેવાથી પ્રસન્ન અને પ્રભાવિત છે. આ હોસ્પિટલમાં કુલ 304 ડોક્ટર છે. આમાં 35 જેટલા ભારતીય ડોક્ટર હશે, છતાં વર્ષોથી ડો. વિજયભાઈ દવે બધા ડોક્ટરોનું મેનેજમેન્ટમાં પ્રતિનિધિત્વ કરે છે. એવા એ સૌના પ્રિયજન અને વિશ્વાસુ છે.
ડો. દવેનો સવા ચાર દશકાથી ચાલતો સેવાયજ્ઞ અતૂટ અને અખંડ રહ્યો છે. 1971માં ઇન્ડિયા કોમ્યુનિટી લીગ સ્થપાતાં તેઓ તેમાં જોડાયા. શિકાગો વિસ્તારમાં આવેલા યુગાન્ડાના નિરારશ્રતોનો કાયદાકીય, આરોગ્ય વિષયક, ઇમિગ્રેશન, નોકરી વગેરેમાં મદદ કરવાનો લીગનો હેતુ હતો. 1975માં ડો. દવે આના પ્રેસિડેન્ટ થયા. 1994 અને 1995 એમ બે વર્ષ ઇન્ડિયાના સ્ટેટની બેક કાઉન્ટી મેડિકલ સોસાયટીમાં પ્રેસિડેન્ટ બન્યા. તે સમયે ‘ચિનગારી’ નામનું અંગ્રેજી માસિક કોમ્યુનિટી લીગ તરફથી શરૂ કરવામાં અને ચલાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો હતો.
ડો. દવેની જીવતેજીવ પ્રતિમા બનાવીને સેન્ટ મેરી હોસ્પિટલે તેનું ઉદ્ઘાટન ઇન્ડિયાનાના ગર્વનર પાસે કરાવ્યું, ત્યારે ગવર્નરે તેમની સેવાઓને બિરદાવીને રાજ્યનો સિવિલ ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ ‘સેગામોર ઓફ ધ વબાશ’ એમને આપ્યો. વધારામાં હોસ્પિટલે પોતાના એક વિભાગને ડો. વિજય દવે કોર્નર તરીકે નામાંકિત કર્યો અને ડો. વિજય દવે મેડિકલ એજ્યુકેશન સેન્ટરની સ્થાપના કરી. 2006માં ગુજરાત રાજ્યના ગવર્નર નવલકિશોર શર્માના હસ્તે તેમને ‘ગુજરાત ગૌરવ’ના એવોર્ડથી સન્માન્યા હતા. 2009માં સ્વામિનારાયણ સંપ્રદાયની ક્રાંતિકારી શાખા અનુપમ મિશને તેમને ‘શાલીન માનવરત્ન’ એવોર્ડ આપીને બિરદાવ્યા.
2015 શિકાગોના ઇન્ડિયા ટ્રિબ્યુને તેમને ‘લાઇફટાઇમ એચિવમેન્ટ’ એવોર્ડથી સન્માન્યા હતા. તેમની ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિએ સેવાની કદર બહુમાનથી કરી હતી. આ બધાં સન્માન ભારત અને અમેરિકામાં મળ્યાં. આ ઉપરાંત મેસોડોનિયા દેશ જેના મહાન સિકંદરે તે જમાનામાં સભ્ય જગતનો મોટો ભાગ જીતી લીધા પછી ભારતના પંજાબ સુધીના પ્રદેશ જીત્યો હતો. તે દેશના ઓહરિડનગરે તેમને વિશિષ્ટ સેવા બદલ વિશિષ્ટ રીતે સન્માન્યા છે. તેનું કારણ તે નગરની હોસ્પિટલના ડોક્ટર નિકોલાઈ અમેરિકામાં અદ્યતન તાલીમની આશાએ આવેલા. ક્યાંય ગોઠવાયું નહિ ત્યારે નિરાશ થઈને પાછા જવાની તૈયારીમાં હતા. હોસ્પિટલના પૈસા પાણીમાં ગયા એમ માનીને નિરાશ થયા હતા. આવા સંજોગોમાં ડો. દવેનો ભેટો થયો. તેમણે તાલીમની વ્યવસ્થા કરી આપી. વતન પાછા જાય ત્યારે ઓહરિડનગરની હોસ્પિટલને અહીંની હોસ્પિટલમાં વપરાયેલાં, પણ ઉપયોગમાં લઈ શકાય તેવાં લાખો ડોલરની કિંમતનાં અદ્યતન સાધનોની ભેટ અપાવી. ડો. નિકોલાઈનો ફેરો સફળ બનાવ્યો અને ઓહરિડનગરની હોસ્પિટલની કાયાપલટ થઈ.
ઇમ્તિયાઝ નામના મેમણ મુસ્લિમ યુવક, જેના દાદા મૂળે ગુજરાતી, પણ ધંધા માટે ચેન્નઈ વસેલા. ઇમ્તિયાઝ ભારતમાં એમ.બી.બી.એસ. થઈને ભાવિ જીવનનાં સોનેરી સપનાં સાથે વિઝિટર વિઝા પર શિકાગો આવેલો. તેને અમેરિકામાં સ્થાયી થઈને વધુ અભ્યાસ કરવો હતો. વિઝિટર વિઝાથી આવેલા તેના માટે આ શક્ય નહોતું. ડો. દવેનો વાયા વાયા ભેટો થયો. ડો. દવેએ તેને અમેરિકન સિટિઝનને પરણવા સલાહ આપી, જેથી રહેવાનો પ્રશ્ન ઊકલે અને અહીં રેસિડન્સી કરવી સરળ બને. ઇમ્તિયાઝના પરિવારને અહીં સંપર્કો હોવાથી છોકરી શોધી, છોકરીનાં માબાપને વિશ્વાસ ન બેસે. ડો. દવેને આ માબાપ મળ્યાં. તેમણે ઇમ્તિયાઝના ઉજ્જવળ ભવિષ્ય, મહેનતુ સ્વભાવની વાત છોકરીનાં માબાપને કરી.
માબાપને વિશ્વાસ બેસતાં લગ્ન થયું. ડો. દવેએ ઇમ્તિયાઝને રેસિડન્સી મેળવવામાં મદદ કરી. ઇમ્તિયાઝને રહેવાની સગવડ કરાવી. તેને કાર ખરીદવામાં જામીન થયા. તેના કેટલાક હપ્તા પણ ભર્યા. આજે ઇમ્તિયાઝ સફળ ડોક્ટર છે. નાત, જાત, ધર્મ કે રંગના ભેદ વિના અત્યાર સુધી સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ડો. દવેની યોગ્ય સલાહ, આર્થિક મદદ અને ક્યારેક તો ડો. દવેએ પોતાને ત્યાં રાખીને કરેલી મદદથી ડોક્ટર બન્યા છે.
ડો. દવેએ જેમ વિદ્યાર્થીઓને, દર્દીને મદદ કરી છે તેમ વિના ઓળખાણે કેટલાકને મહિનો બે મહિના નહિ, પણ એકથી ત્રણ વર્ષ પોતાને ત્યાં ખર્ચો લીધા વિના રાખ્યા છે. અમેરિકાના વ્હાઇટ હાઉસમાં જેનાં પેઇન્ટિંગ્સ છે એવા જાણીતા ગુજરાતી કાર્તિક ત્રિવેદીને તેમની કલાથી ખુશ થઈને પોતાને ત્યાં રાખીને, ચિત્રોનું પ્રદર્શન પોતાના વિશાળ ઘરમાં ગોઠવવા દીધેલું. તેમનાં વેચાયેલાં ચિત્રોને પોતાના ખર્ચે તેમણે ખરીદનારને ત્યાં પહોંચાડેલાં. માત્ર મદદની ભાવનાથી પોતે પૂરા પૈસા આપીને તેમનાં ચિત્રો ખરીદ્યાં અને મિત્રોને ખરીદવા પ્રેર્યા.
ઈડર નજીક ડુંગર પર કાંકરેશ્વરી માતાનું મંદિર જીર્ણ હાલતમાં હતું. આસપાસનાં ગામોના બ્રાહ્મણ, આંજણા પટેલ અને બીજા લોકો આ માતાને કુળદેવી માનતા. લગ્ન પછી અહીં છેડાછેડી છોડવાનો, પૂજા કરવાનો, નવજાત બાળકને પગે લગાડવાનો રિવાજ. મંદિરમાં જ જવાનો રસ્તો કાચો અને ખાડાટેકરાથી ભરેલો હતો. પર્વત પર જવાનો સરખો રસ્તો નહિ. ડો. દવેએ મંદિર સુધી પહોંચવા 280 પગથિયાંનો રસ્તો બનાવ્યો. રસ્તામાં લાઇટની વ્યવસ્થા કરી. મેરીલ વિલના સનાતન મંદિરમાં 50,000 ડોલરથી વધારેનું તેમનું દાન છે. આવી જ રીતે ગ્રેટર શિકાગોના હિન્દુ ટેમ્પલમાં 50,000 ડોલરનું દાન આપ્યું છે. અમદાવાદમાં ખાનપુરમાં કામા હોટેલ નજીકના રિમાન્ડ હોમમાં એક કરોડ રૂપિયાનું દાન અને એક વાન આપી છે.
વતનના ગામ વસઈમાં જમીન ખરીદીને તેના પર માતા શારદાબહેનના નામે બાલમંદિરનું મકાન બાંધી આપ્યું છે. ડો. દવેનાં મોટા ભાગનાં દાન લેનાર અને દેનાર જ જાણે તેવાં હોય છે. તેમની પાસે માગનાર ભાગ્યે જ નિરાશ થાય.
કરોડો રૂપિયાની રકમનાં એમનાં દાન કરતાંય મોટું દાન છે સમયદાન. ડો. દવે લગભગ બધા દિવસ સવારે હોસ્પિટલ પહોંચી જાય છે. સાંજે આઠ નવ વાગ્યે તે ઘેર પાછા ફરે છે. પત્ની રંજનબહેન વર્ષોની આ પદ્ધતિથી ટેવાયાં છે. માને છે કે, ‘ટકટક કે કંકાસ કરવાથી પણ પતિદેવનો સ્વભાવ બદલાવાનો નથી. પરિવાર માટે કે અંગત કામ માટે એમની પાસે સમય જ નથી. પોતે જાણે કે પૈસા કમાવાનું મશીન છે. કમાઈને દાન જ આપવાનું. પોતાના માટે કમાણી ખર્ચવાનો સમય જ નથી. જેમ દારૂડિયાને દારૂનું વળગણ હોય અને છોડવું મુશ્કેલ પડે તેમ અહીં ડો. દવેને સેવા અને સખાવતનું વળગણ વ્યસન છે. દર્દીમાં જ એમને દેવ દેખાય છે.
હા, બીજા શોખ પણ છે. તેઓ ટપાલની ટિકિટો અને સિક્કાના મોટા સંગ્રાહક છે. અપ્રાપ્ય પુસ્તકો અને વિવિધ એન્સાઇક્લોપીડિયાનો ખજાનો એમણે સાચવ્યો છે. વાચનરસિયા છે. વિદ્યાર્થી અવસ્થમાં તેઓ નાટકોમાં ભાગ લેતા. હવે એ બધું એમના માટે સ્મૃતિશેષ છે.
સેવા અને સખાવતના વ્યસની ડો. દવે દર્દીઓના માનીતા અને મિત્રોના લાડીલા છે.

લેખક સાહિત્યકાર-કેળવણીકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here