અમદાવાદની રીતુ જાદવાનીને ક્લિન્ટન ફાઉન્ડેશન દ્વારા અમેરિકાનું આમંત્રણ

 

 

અમદાવાદઃ આજકાલ પોતાના ક્ષેત્રોથી દૂર ભાગતા હોય છે એવા ક્ષેત્રોમાં અનેરી કામગીરી કરી પરિસ્થિતિ બદલી દેતા લોકો માટે ક્લિન્ટન ફાઉન્ડેશન દ્વારા અમેરિકામાં ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. ન્યુ યોર્ક સ્થિત યોજાયેલી આ કોન્ફરન્સમાં દુનિયાભરમાંથી ૩૦૦ લોકોએ ભાગ લીધો હતો. જેમાં જર્મની, અમેરિકા, યુગાન્ડા, નાઇઝિરિયા, ભારત સહિત અનેક દેશોમાં ખાસ કામગીરી કરનારી વ્યક્તિઓ એકત્રિત થઈ હતી. જેમાં અમદાવાદના હોટેલીયર જયકિશન જાદવાનીની પુત્રી ફેશન ડિઝાઇનર રીતુ જાદવાનીને પણ આમંત્રણ મળ્યું હતું. 

રીતે જાદવાનીએ તેની કારકિર્દીની શરૂઆતમાં સેવા, ગ્રામશ્રી, અપંગ માનવ મંડળ તથા સોચ અને ક્રીડા જેવી સંસ્થાઓ સાથે કામગીરી કરતી વખતે કચ્છના વિસ્તારની મહિલાઓમાં રહેલું અનેરું કૌવત જોયું હતું. ગ્રામીણ મહિલાઓને જો થોડો સહકાર મળે તો તેઓ ઘણું જ સારું કામ કરી શકે છે. એ જોઈને રીતુ જાદવાનીએ તેમની સાથે કામ કરવાની શરૂઆત કરી હતી અને કચ્છની મહિલાઓની કામગીરીને તૈ વૈશ્વિક સ્તરે લઈ જવા સફળ થઈ છે. કચ્છનું બ્લોક પ્રિન્ટિંગ, અજરખ, બાંધણી અને બાટીકની દુનિયાભરમાં માગ છે. હાલમાં ગ્રામીણ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ડિઝાઇન્સનાં કપડાં વિદેશીઓની ખાસ પસંદગી બની રહ્યા છે. કચ્છ ઉપરાંત તેલંગણાનું ઇકથ અને ડાબુ તથા રાજસ્થાની ક્રાફ્ટની પણ ખૂબ ડિમાન્ડ છે. 

રીતુના જણાવ્યા મુજબ હાલમાં ઓનલાઇન માર્કેટમાં ક્રાફ્ટ ઉપરાંત લેધરનું પણ સારી એવી માગ છે. જેથી ગ્રામીણ મહિલાઓ દ્વારા તૈયાર થતી પ્રોડક્ટસને સારું માર્કેટ મળી રહે અને ગ્રામીણ મહિલાઓ પોતાના પગભર થઈ શકે. પોતાના ક્ષેત્રમાં આવી કામગીરી કરનારા માટે ક્લિન્ટન ફાઉન્ડેશન દ્વારા ખાસ સેમિનાર રાખવામાં આવ્યો હતો. આ સેમિનારમાં દુનિયાભરના ૮૦૦૦ અરજદારો પૈકી ૩૦૦ ચેન્જ મેકર્સને આમંત્રિત કરાયા હતા. જેમાં અમદાવાદની રીતુ જાદવાનીનો સમાવેશ થયો હતો.

રીતુએ આ સેમિનારમાં ગ્લોબલ ઓડિયન્સ સમક્ષ પોતાની કામગીરી રજૂ કરી હતી. જોકે દુનિયાના દેશો અને ભારત વચ્ચેનો એક તફાવત નજરે પડે તેવો છે કે અન્ય દેશોમાં કંઈ નવું કરનારાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, જ્યારે આપણા દેશમાં તેની કદર નથી થતી. આ સેમિનારમાં બિલ ક્લિન્ટનના પુત્રી ચેલ્સા ક્લિન્ટન, ઇન્દ્રા નુયી સહિત ઘણી પ્રતિભાઓ હાજર રહી હતી.