હિમાચલમાં મહિલાઓને દર મહિને મળશે રૂ. 1500ઃ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના છ ધારાસભ્યો બળવો કરી ચૂક્યા છે. જોકે, કોંગ્રેસનું કહેવું છે કે રાજ્ય સરકારમાં બધું બરાબર છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ મોટી જાહેરાત કરી છે. હવે સુખ્ખુ સરકાર રાજ્યની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપશે.મુખ્યમંત્રી સુખ્ખુએ આ બાબતની જાણકારી આપી છે. તેમણે પોસ્ટર જારી કરતા લખ્યું કે, આ નાણાકીય વર્ષથી અમારી 18 વર્ષથી વધુ ઉંમરની તમામ માતાઓ અને બહેનોને દર મહિને 1500 રૂપિયા મળશે.
મુખ્યમંત્રી સુખ્ખુએ આ એલાન કરતા કહ્યું કે, હિમાચલ પ્રદેશની મારી આદરણીય માતાઓ અને બહેનો રાજ્યને આગળ લઈ જવામાં તમારુ અતુલ્ય યોગદાન છે. હું તમને બધાને નમન કરતા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી રહ્યો છું. ઈન્દિરા ગાંધી પ્યારી બહેના સુખ સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યની તમામ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. અમારી સરકાર તમારા સન્માન અને તમારા અધિકારો માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. હિમાચલ પ્રદેશમાં 18 વર્ષથી 59 વર્ષની દરેક મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે. તેમાં સરકારનો દર વર્ષે 800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેનાથી રાજ્યની લગભગ 5 લાખ મહિલાઓને લાભ મળશે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી 10 ‘ગેરંટી’માંથી આ એક હતી. આ સાથે જ 10 માંથી પાંચ ચૂંટણી વચનો પૂરા થઈ ગયા છે અને પુનરોચ્ચાર કર્યો કે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવી છે જેનાથી રાજ્યના 1.36 લાખ કર્મચારીઓને ફાયદો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here