સિટિઝન કાયદાનો હિંસક વિરોધ દુઃખદઃ વડા પ્રધાન મોદીની શાંતિની અપીલ

નવી દિલ્હીઃ વિદ્યાર્થીઓ, એક્ટિવિટ્સો દ્વારા દેશભરમાં કેન્દ્ર સરકારના નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે, જેમાં અનેક શહેરોમાં હિંસાની ઘટના સામે આવી છે. આસામ, દિલ્હીમાં હિંસક દેખાવો થયા હતા અને લોકોએ સરકાર સમક્ષ આ કાયદાને પરત લેવા માગણી કરી હતી. આ પરિસ્થિતિ વચ્ચે દેખાવકારો અને હિંસા ફેલાવનારાઓને તેમનાં કપડાંના આધારે ઓળખી કાઢો, એવું કહેનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે કહ્યું છે કે આ પ્રદર્શન અતિ દુઃખદ, સાથે લોકોને હિંસા ન કરવાની અપીલ કરી હતી.
મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ચર્ચા વિચારણા થવી જોઈએ અને દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે, પણ એનો અર્થ એમ નથી કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે. આપણે દેશના ભાગલા પાડનારાં સંગઠનોથી દૂર રહેવાની જરૂર છે. નાગરિકતા સુધારા કાયદાથી દેશના કોઈપણ નાગરિકને નુકસાન નહિ થાય, એક પણ નાગરિકે આ કાયદાથી ડરવાની જરૂર નથી, એમ તેમણે કહ્યું હતું.
મોદી સરકાર દ્વારા નાગરિકતા કાયદામાં કરવામાં આવેલા સુધારાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાજપે હિંસક દેખાવો માટે વિપક્ષને જવાબદાર ઠેરવ્યો હતો. ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના રિલોન્ચિંગ માટે જ શનિવારે કોંગ્રેસે ભારત બચાવો રેલી યોજી હતી અને એના બીજા જ દિવસે હિંસા ભડકી હતી. વિરોધ કરનારા વિદ્યાર્થીઓ હોઈ શકે છે, પણ તેઓ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે એ યોગ્ય નથી.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે વિદ્યાર્થી એક્ટિવિઝમમાં નક્સલીઓ, જેહાદીઓ અને અલગાવવાદીઓ ભળી રહ્યા છે એ દુઃખદ છે. દેશભરમાં અનેક સ્થળે કાયદાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મોદીએ ટ્વીટ કરીને આ વિરોધ અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે કેટલીક તાકાત આ દેશના ભાગલા પાડવા માગે છે, પણ એને સફળ નહિ થવા દેવાય. તેમણે આ આરોપ ત્યારે લગાવ્યા છે જ્યારે વિપક્ષ દાવો કરી રહ્યું છે કે કેન્દ્ર સરકાર જે કાયદામાં સુધારા કરી રહી છે એ ધર્મના આધારે ભાગલા પાડનારો અને કોમવાદી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here