સાદગી, સખાવત અને સંયુક્ત પરિવારના પ્રતિનિધિઃ ભગવતીભાઈ પટેલ

ખંભાત નજીક મેતપુર. શ્રીમદ્ રાજચંદ્રનો વડવા આશ્રમ ત્યાં. જ્યાં હીરાના હિંડોળા થાય તે ખ્યાતનામ સ્વામિનારાયણ મંદિર ત્યાં. મેતપુરના પાટીદાર માત્ર સ્વામિનારાયણી. મોટા ભાગના પાટીદાર રત્ન અને હીરાના વેપારી. ઇંગ્લેન્ડ, પેરિસ, બેંગકોક, હોંગકોંગ, મુંબઈ, જયપુર, હૈદરાબાદ, સુરત એ બધામાં વેપાર-ધંધા માટે તેઓ વસ્યા છે. અકીકના ઉદ્યોગમાં પણ તેમનો ડંકો વાગે. મેતપુરમાં જાણીતા પરિવારોમાંનો એક તે વસંતભાઈ મુખી પરિવાર, જે સાદગી, સખાવત અને સંપથી શોભે છે.
વસંતભાઈ મુખી આજે હયાત નથી, પણ એ પરિવારના મુખ્ય પ્રતિનિધિ છે ભગવતીભાઈ પટેલ. વસંતભાઈના પિતા મંગળદાસ પટેલ મેતપુરમાં સ્વામિનારાયણ સત્સંગમાં જોડાનારામાં પ્રથમ હતા, તેવી જ રીતે ગામમાં રત્ન, ઝવેરાતનો વ્યવસાય કરવામાં આરંભની વ્યક્તિઓમાંના એક. તેમના પુત્ર વસંતભાઈને ત્રણ પુત્ર. આમાં સૌથી મોટા ભગવતીભાઈ, વચેટ જગદીશભાઈ અને સૌથી નાના જયંતીભાઈ. ત્રણેય મુંબઈમાં ઝવેરાતના વ્યવસાયમાં સ્થાયી છે.
સગવડ માટે ત્રણેય ભાઈ અલગ અલગ રહે છે. તેમનાય પુત્રો છે. બધા ઝવેરાતના વ્યવસાયમાં અલગ અલગ ઓફિસોમાં બેસે છે. આમ છતાં બધા ‘એક ડાળનાં પંખી અમે સૌ’ બનીને ધંધામાંય ભેગા છે. બધાનો ધંધો સહિયારો છે, જેમ ધંધાથી એક છે તેમ દાન આપવામાં પણ બધાં દાન વસંતભાઈ મુખી પરિવારના નામે આપે છે, તે રીતે પણ એક છે. તેમનો ધંધો અને સંપ જોઈને ઇઝરાયલનાં સહકારી ગામ હિબુત્ઝની યાદ આવે. હિબુત્ઝમાં સૌ પોતાના ઘરમાં અલગ રહે, પણ તેમનું ઉત્પાદન સહિયારું અને નફો પણ સહિયારો. સૌ પોતાના ગજા અને આવડત મુજબ કામ કરે, પણ નફો બધાનો ભેગો ગણાય. વસંતભાઈ મુખી પરિવારમાં બ્રિટિશ જમાનામાં અને આઝાદી પછી થોડાં વર્ષ વંશપરંપરાગત મુખીપણું હતું. આ મુખી પરિવાર એમની એકતા અને આત્મીયતા માટે સમાજમાં જાણીતો છે.
આ સંપીલા પરિવારના પ્રતિનિધિ અને મોવડી, 1949માં જન્મેલા ભગવતીભાઈ છે. ભગવતીભાઈ મુંબઈ યુનિવર્સિટીના કોમર્સ ગ્રેજ્યુએટ છે. ભગવતીભાઈ ભાઈઓ અને ભત્રીજાઓનો પ્રેમ પામવામાં સફળતા પામ્યા છે. તેઓ જે કરે તે પરિવારના હિતમાં જ હોય તેવો સૌને વિશ્વાસ છે. મિત અને મિષ્ટભાષી ભગવતીભાઈ સાદગીને વરેલા છે. તેઓ સમજના સાગર છે. પરિવારમાં સૌને શું ગમશે અને શું નહિ ગમે તે વિચારીને જ નિર્ણય લે છે.
સમગ્ર પરિવારમાં સંપ છે. પરિવારની બીજી વિશિષ્ટતા છે સખાવતની. પરિવારનાં મોટા ભાગનાં દાન ધર્મ અને જાહેર કલ્યાણને ખ્યાલમાં રાખીને થતાં હોય છે. પરિવાર એનાં ડિમડિમ પીટતો નથી, પણ આ બધું લાંબો વખત અજાણ ન જ રહે.
મેતપુર ગામ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા માટે વડતાલ ગાદીના સંતો અને આચાર્યશ્રીનું માનીતું છે. મેતપુરના ઝવેરાતના વ્યવસાયીઓ વડતાલમાં અને મેતપુરમાં દાન આપે છે. વડતાલમાં થતાં ધાર્મિક બાંધકામ કે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની જગ્યાઓના નવીનીકરણમાં આવાં દાન આપ્યા કરે છે. વડતાલમાં પણ મેતપુરના સતત સંપર્કમાં રહેનાર સંતો, સત્સંગીઓના સંપર્કમાં રહેતા હોય છે. સ્વામી કૃષ્ણજીવનદાસજીના સમયથી આ પરંપરા ચાલતી આવે છે. મુંબઈમાં સો વર્ષ પહેલાં સ્વામિનારાયણ મંદિર સ્થપાયું હતું. નજીકના દિવસોમાં જ એનો શતાબ્દી સમારોહ પૂરો થયો. ત્યાંના સંતો પણ મેતપુરના મુંબઈસ્થિત હરિભક્તોનો સંપર્ક સાચવી રાખે છે.
મેતપુરના હરિભક્તોના સંપર્કમાં રહેતા સંત ગોવિંદ સ્વામીને તાજેતરમાં મળવાનું થયું. તે કહે, વડતાલમાં ભગવાન સ્વામિનારાયણના જમાનાની પ્રસાદીની જગ્યાઓ – સ્મૃતિ બધું જળવાઈ રહે એવા પ્રકારનાં કામોમાં મેતપુરના સત્સંગીઓના પૈસા ખર્ચાય છે અને એમાં પણ મોટા ભાગના પૈસા વસંતભાઈ મુખી પરિવારના જ હોય છે.
કોઈ પણ ધર્મમાં નવાં નવાં બાંધકામ માટે શ્રદ્ધાળુ ભક્તો દાન આપવા પડાપડી કરે છે. જૂનાં બાંધકામને જાળવવા, એનો પુનરુદ્ધાર કરવાનાં દાન આપનાર ઓછા હોય છે. ભગવતીભાઈએ મુખી પરિવાર વતી વડતાલની ગોમતીનું નવીનીકરણ કર્યું. ભગવાન સ્વામિનારાયણના સમયનાં પ્રસાદીનાં સ્થાનોનો પુનરુદ્ધાર કર્યો. ત્યાં ખાસ છત્રીઓ તૈયાર કરાવી.
ભગવાન સ્વામિનારાયણ જ્યાં રહેતા તે રામપ્રસાદજીના બંગલાનું તેમણે નવીનીકરણ કરાવ્યું. જોબન પગીની કુળદેવી ખોડિયાર માનું મંદિર, મંદિર સામેનું મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે દરવાજો, સંતોની ધર્મશાળા જ્યાં ભગવાન સ્વામિનારાયણે 496 વખત સંતોને સ્વહસ્તે પીરસ્યું તેનું નવીનકરણ પણ વસંતભાઈ મુખી પરિવારે કરાવ્યું. આવી જ રીતે નૂતન પ્રવેશદ્વાર પણ પરિવારના દાનમાંથી થયું છે.
વડતાલ ગાદીના તાબા હેઠળ નવાં થતાં 35 હરિમંદિરમાં પૂરું દાન અને જીર્ણોદ્ધાર થતાં 170મા કોઠારી સ્વામી કે આચાર્ય મહારાજના સૂચનથી નોંધપાત્ર દાન કર્યું છે. આમાંની કોઈ વિગત ભગવતીભાઈએ પોતે આપી નથી.
આ પરિવારના અગાઉના વડા વસંતભાઈએ વડતાલની ગૌશાળા માટે દાન આપેલું. શુદ્ધ ગીર ઓલાદની ગાયો અહીં છે. અહીંની ગાયોનું દૂધ ઉત્પાદન એની લેવાતી કાળજીને લીધે અન્યત્ર કરતાં વધારે છે. ગીર ઓલાદની ગાય અને વાછરડા-વાછરડીની સંખ્યા 450 છે.
છેલ્લાં 20 વર્ષથી આ પરિવાર દર પૂનમે વડતાલ આવતા યાત્રીઓને પોતાના તરફથી ચા-નાસ્તો પૂરો પાડે છે. ઉતારા માટેની પાંચ રૂમોનું દાન આ પરિવારનું છે.
ભગવતીભાઈના પરિવારે મેતપુર અને ખંભાતમાં નોંધપાત્ર દાન આપ્યાં છે. મા ઉજમબહેનના સ્મરણાર્થે ગામની પ્રાથમિક શાળામાં પ્રાર્થનામંદિર બાંધી આપ્યું છે તો હાઈ સ્કૂલમાં વસંતભાઈએ પિતા મંગળદાસના નામે પ્રાર્થનામંદિર બાંધેલું. વસંતભાઈના નામે આંગણવાડીનું મકાન બનાવ્યું છે.
ગામમાં સ્વામિનારાયણ આરોગ્ય ધામ સ્થાપ્યું છે. આમાં અનુભવી અને જાણકાર વૈદ છે, જેનો પગાર પરિવાર આપે છે. રોજની પૂરી દવા માત્ર બે રૂપિયામાં આપવામાં આવે છે. આવી જ રીતે ખંભાતમાં સ્વામિનારાયણ આરોગ્યધામ કર્યું છે, જેમાં એલોપથીની દવાઓ, તપાસ અને લેબોરેટરીમાં તપાસ બધું માત્ર રોજના પાંચ રૂપિયામાં થાય છે. ખંભાતની જનરલ હોસ્પિટલમાં ડેન્ટલ વોર્ડ, સોનોગ્રાફી, તાત્કાલિક સારવાર અને પુરુષોનો વોર્ડ – આ બધું પરિવારના દાનથી અદ્યતન થયું છે. ભગવતીભાઈ ખંભાત જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી છે.
આ સિવાય પણ પરિવાર ઘણાં દાન આપે છે, જેમાં નામ કે તકતીનો આગ્રહ હોતો નથી. સમગ્ર પરિવાર વ્યસનવિહોણો છે. શિક્ષાપત્રી મુજબનું જીવન જીવે છે અને તે રીતે દર વર્ષે લાખો રૂપિયાની રકમ ધર્મકાર્યમાં વર્ષોથી ખર્ચે છે. ભગવતીભાઈ 40 વર્ષથી મુંબઈમાં વસે છે, પણ મેતપુરનો લગાવ ઘટ્યો નથી. વડતાલનું આકર્ષણ અને ભક્તિ યથાવત્ છે. દર પૂનમે પરિવારના સભ્યો વડતાલ આવવાનું ભાગ્યે જ ચૂકે છે. બધા પરસ્પર ધીમેથી બોલે છે. ગુસ્સે થઈને બોલવાનું કે ઊંચા સાદે બોલવાનું બનતું નથી. બધા ભગવતીભાઈની આમન્યા સાચવે છે. આ રીતે પરિવાર વિશિષ્ટ છે.

લેખક અમેરિકાસ્થિત સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here