ભારત અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયનઃ ચોથી વાર વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ

0
1146
કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન પૃથ્વી શોના નેતૃત્વમાં ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમે શનિવારે ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને આઇસીસી અન્ડર-19 વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2018 જીતી લીધો હતો. ભારત ચોથી વાર અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. વિજેતા ભારતીય ટીમ તિરંગા અને વર્લ્ડ કપ સાથે નજરે પડે છે. ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સડોટકોમ)
(ફોટોસૌજન્યઃ એનડીટીવી સ્પોર્ટ્સ ડોટકોમ) (વચ્ચે) કાલરાએ 102 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે કાલરાએ અણનમ 101 રનની વિજયી સદી ફટકારી હતી. (
વર્લ્ડ કપ સાથે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન પૃથ્વી શો. (ફોટોસૌજન્યઃ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા)

માઉન્ટ મોન્ગેનીઃ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન પૃથ્વી શોના નેતૃત્વમાં ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમે શનિવારે ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને આઇસીસી અન્ડર-19 વનડે ક્રિકેટ વર્લ્ડ કપ 2018 જીતી લીધો હતો. ભારત ચોથી વાર અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ અગાઉ કોઈ ટીમ ચાર વાર વર્લ્ડ ચેમ્પિયન બની નથી.
મનજોત કાલરાની સદી અને બોલરોની સહાયથી ટીમને સફળતા મળી હતી. સૌરાષ્ટ્રના હરવિક દેસાઈએ અણનમ 47 રન ફટકાર્યા હતા અને તેણે વિનિંગ શોટ માર્યો હતો. કાલરાએ 102 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ 101 રનની વિજયી સદી ફટકારી હતી. કાલરાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે શુભમન ગિલને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. શુભમન ગિલે 124ની સરેરાશથી 372 રન બનાવ્યા હતા.

ન્યુ ઝીલેન્ડના માઉન્ટ મોન્ગેની સ્ટેડિયમમાં ચારે બાજુ ભારતીય ચાહકોએ તિરંગો લહેરાવ્યો હતો અને યુવા ખેલાડીઓનો સતત ઉત્સાહ વધાર્યો હતો. યુવા ખેલાડીઓ વર્લ્ડ કપ જીતતાં ભારતમાં પણ ક્રિકેટચાહકો અને ખેલાડીઓના પરિવારજનોએ ઉજવણી કરી હતી.

સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમ છવાઈ ગઈ હતી અને ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી ગયા વગર ફાઇનલમાં પ્રવેશી હતી. પ્રથમ લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યા પછી ભારતે ત્રણ વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલા ઓસ્ટ્રેલિયાને જ હરાવ્યું હતું. ભારતે 38.5 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવી 220 રન બનાવી વર્લ્ડ કપ જીત્યો હતો.

ભારતે વર્લ્ડ કપ જીત્યો પછી થોડી વારમાં જ બીસીસીઆઇએ ટીમના દરેક ખેલાડીને રૂ. 30-30 લાખ અને કોચ દ્રવિડને રૂ. 50 લાખના પુરસ્કારની જાહેરાત કરી હતી, જ્યારે અન્ય સ્ટાફને રૂ. 20-20 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો હતો, પણ મેચ જીતી શકી નહોતી. ઓસ્ટ્રેલિયા 47.2 ઓવરમાં 216 રનમાં ઓલઆઉટ થયું હતું. મેરલોએ સૌથી વધુ 76 રન કર્યા હતા.

ભારતે 18 વર્ષના પૃથ્વી શોની આગેવાનીમાં વર્લ્ડ કપ જીતી ઇતિહાસ સર્જ્યો હતો. આ સાથે પૃથ્વી સૌથી યુવાવયે અન્ડર-19 વર્લ્ડ કપ જીતનારો કેપ્ટન બન્યો હતો. પૃથ્વી શોએ કહ્યું કે વર્લ્ડ કપની અમારી યાત્રા યાદગાર રહી છે. વર્લ્ડ કપ જીતવો અમારા માટે મોટી બાબત છે. મારી લાગણી વ્યક્ત કરવા શબ્દો મળતા નથી.

દ્રવિડે જણાવ્યું કે મારી સાથે સમગ્ર સ્ટાફ પણ અભિનંદનનો અધિકારી છે. નિષ્ઠા અને ધ્યેય સાથે છેલ્લા 14 માસથી વર્લ્ડ કપ જીતવાનું સપનું સેવી અમે અથાગ મહેનત કરી તેનું આ ફળ મળ્યું છે.
નોંધનીય છે કે 1975થી યોજાતા સિનિયરોના વર્લ્ડ કપમાં ભારત બે વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે, જ્યારે 1998થી યોજાતા જુનિયરોના વર્લ્ડ કપમાં ભારત ચોથી વાર વર્લ્ડ ચેમ્પિયન થયું છે.

ભારત પ્રથમ વાર સન 2000માં વર્લ્ડ કપ જીત્યું હતું અને તેણે શ્રીલંકાને છ વિકેટે હરાવ્યું હતું. આ પછી 2008માં સાઉથ આફ્રિકાને 12 રને હરાવ્યું હતું અને બીજી વાર વર્લ્ડ કપ જીત્યું હતું. 2012માં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવી ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન થયું હતું. (ગુજરાત ટાઇમ્સ સંકલન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here