બ્રિટનનાં સ્વાસ્થ્યમંત્રી નદિન ડોરિસ પણ કોરોના વાઇરસની ઝપેટમાં

 

લંડનઃ ચીન બાદ વિશ્વના અનેક દેશોમાં કોરોના વાઇરસે દેખા દીધો છે. ત્યારે બ્રિટનનાં સાંસદ અને સ્વાસ્થ્યમંત્રી નદિન ડોરિસનો પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે મંગળવારે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે મારો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હું મારા પરિવારથી અલગ રહું છું. મંત્રી નદિન કઈ રીતે અને ક્યાં વાઇરસના સંપર્કમાં આવ્યાં એ બાબતની તપાસ ચાલી રહી છે. 

કોરોના વાઇરસ સામે લડવા કાનૂની નિયમો તૈયાર કરવામાં મદદ કરનારાં ડોરિસ બ્રિટનનાં પહેલાં રાજનેતા છે, જે કોરોના વાઇરસથી સંક્રમિત છે. તપાસ થઈ રહી છે કે તેમણે જેની સાથે મુલાકાત કરી તે લોકો પણ આ વાઇરસથી સંક્રમિત થયા તો નથી ને! એક રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં તેઓ ઘણા લોકોના સંપર્કમાં આવ્યાં છે, જેમાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનનો પણ સમાવેશ થાય છે. તેઓ શુક્રવારે બીમાર પડ્યાં. જોકે એ દિવસે જ તેમણે કોરોના વાઇરસને નોટિફાઇબલ રોગની યાદીમાં સમાવવા માટેના નિયમ પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો મતલબ એ છે કે કોરોનાની સામે કંપનીઓ ઇન્શ્યોરન્સ કવર લઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં કોરોના વાઇરસથી ૬નાં મૃત્યુ નીપજ્યાં છે તેમજ ૩૭૩ લોકો સંક્રમિત થયા છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું  સ્ટાફનો આભાર માનું છું કે તેમણે મને સાચી સલાહ અને સહયોગ આપ્યો છે. નદિન ડોરિસના કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ માનવામાં આવે છે કે બ્રિટનનું સંસદ સ્થગિત કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here